Showing posts with label Political Articles. Show all posts
Showing posts with label Political Articles. Show all posts

Monday, February 17, 2020

રંગ બદલતું ગુજરાત...




આપણું નવું દિવાળીએ પણ ઉજવણી 31

રંગ બદલતું ગુજરાત...શું તમે આ ગુજરાત જોયું? વીડિયો પુરો જોવા વિનંતી

ગોધરાકાંડ ફાઈનલ રિપોર્ટ, તાત્કાલીન મોદી સરકાર પર સવાલો કરનાર 3 અધિકારી નકારાત્મક

વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6માં આગ લાગયા બાદ રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં, ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિધાનસભા ગૃહમાં 9 વોલ્યુમ, 2500થી વધુ પેજ અને 44 હજારથી વધુ એફિડેવિટ સાથેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કમિટી દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં થયેલા તોફાનો કોઈ પૂર્વઆયોજિત કાવતરું નહોતું, તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સાથીઓને ક્લીનચીટ અપાઈ છે. ગોધારાકાંડમાં રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓને કોઈ સંડોવણી નથી. આ રિપોર્ટમાં પૂર્વ પ્રધાન હરેન પંડ્યા, ભરત બારોટ અને અશોક ભટ્ટના સંદર્ભમાં જે આક્ષેપ કરાયા હતા. તે તમામને પણ ક્લીનચીટ અપાઈ છે. જો કે, તાપસ પંચના તારણોમાં ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક ગણાઈ છે. જેમાં રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમાર નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યા છે. રિપોર્ટના તારણો વાચ્યાં પછી લાગ્યું કે, આ ત્રણ અધિકારી કોણ છે? ઘણી બધી જગ્યાએ વાચ્યાં પછી લગ્યું કે, આ અધિકારીઓ વિશે વાત કરવી જોઈએ, જી...હા આ એજ અધિકારી છે જેમણે તાત્કાલીન મોદી સરકાર પર સવાલો કર્યા હતાં.

જ્યારે મોદીના 'ગુડમેન' સંજીવે જ મોદીને તોફાનો માટે જવાબદાર ઠેરવ્યા



સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા. જેઓ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા હતાં. ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને હાલ જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે. 2002ના હુલ્લડની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાંવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ સંજીવ ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી હતી. IITમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કેડરના આઈપીએસ હતા. એક સમયે નરેન્દ્ર મોદીના 'ગુડમેન' અધિકારી તરીકે ઓળખાતા સંજીવે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા હતાં. 2011માં સંજીવ ભટ્ટે એક ઍફિડેવિટમાં કહ્યું હતું કે, ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે, હિંદુઓને આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ. જોકે, આ અંગે મોદી સરકારે કહ્યું હતું કે, સંજીવ ભટ્ટ આ બેઠકમાં હાજર જ નહોતા, જેના કોઈ સાક્ષી કે પુરાવા પણ નથી. સતત નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને લઈને ચર્ચામાં રહ્યા હતાં. આમ, સસ્પેન્ડેડ IPS અધિકારી સંજીવ ભટ્ટે પણ કમિશન સમક્ષ ઍફિડેવિટ કરીને નરેન્દ્ર મોદીને તોફાનો માટે જવાબદાર ઠેરવ્યા હતા.

જ્યારે આર.બી. શ્રીકુમારે નાણાંવટી કમિશાન પર સવાલો કર્યા



1971ની બેચના IPS અધિકારી આર.બી. શ્રીકુમાર રાજ્યના ભૂતપૂર્વ પોલીસ વડા રહ્યાં. તેઓએ ગુજરાત રમખાણોના કેસમાં 9 સોગંદનામા દાખલ કર્યા હતા. જ્યારે રાજ્યમાં ગોધરા કાંડની ઘટનાઓ બની હતી ત્યારે શ્રીકુમાર રાજ્યની ગુપ્તચર શાખાના વડા હતા. તેઓએ નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનો ફોન ટેપ કરવાનો આદેશ આપ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આર. બી. શ્રીકુમારે ગુજરાત હાઈકોર્ટમાં એક પીલ દાખલ કરીને નાણાંવટી કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી હતી. નાણાંવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ 25 સપ્ટેમ્બર, 2009ના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર શ્રીકુમારે સવાલો કરતા કહ્યું હતું કે, નિયમને આધારે કોઈ પણ કમિશનનો રિપોર્ટ 6 મહિનાની અંદર વિધાનસભામાં એક્શન ટેકન રિપોર્ટની સાથે રજૂ કરવાનો હોય છે, પરંતુ સરકારે બહુ મોંડુ કર્યું છે. શ્રીકુમારનો આરોપ હતો કે, પીડીતોને આ કમિશનથી ઘણી આશાઓ હતી, પરંતુ લોકોને કંઈ જ મળ્યું નથી. નાણાંવટી કમિશન સમક્ષ આર. બી. શ્રીકુમારે એક સોગંદનામુ રજૂ કર્યું હતું. એ વખતે શ્રીકુમાર ઇન્ટેલિજન્સ બ્યૂરોના ચીફ તરીકે ફરજ બજાવતા હતા અને ત્યારે તેમણે તોફાનોને લગતી માહિતી વિશે સરકારને જાણ કરી હતી.

જ્યારે રાહુલ શર્માએ મોટો પુરાવા તરીકે ફોન-કોલ્સની સીડી રજૂ કરી



રાહુલ શર્મા 1992ની બેચના IPS અધિકારી હતાં. 2002માં થયેલા રમખાણમાં ભાવનગરના DSP તરીકે રાહુલ શર્માએ તોફાનીઓ દેખાય ત્યાં ઠાર મારવાનો આદેશ આપ્યો હતો. જોકે IPS અધિકારી રાહુલ શર્માનો આ આદેશ તત્કાલીન ગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફિયાને પસંદ ન આવ્યો. એટલે શર્માની અમદાવાદમાં બદલી કરી દેવામાં આવી હતી. શર્મા તોફાનમાં માલ-મિલ્કત અથવા માણસ ગુમાવ્યો હોય અને ફરિયાદ ન નોંધાઈ હોય તેવા લોકોને બોલાવી બોલાવીને ફરિયાદ નોંધવા લાગ્યા હતાં. એટલે અમદાવાદ પોલીસ કમિશનરે તેમને કંટ્રોલરૂમમાં ખસેડી ક્રાઈમ બ્રાન્ચની મદદમાં મૂકી દીધા હતા. 2002માં ગુજરાતમાં મોબાઇલ ટેલિફોનની સુવિધા આપતી બે જ કંપનીઓ હતી. રાહુલે આ બંને મોબાઇલ કંપનીઓને કહ્યું હતું કે, 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના તમામ મોબાઈલ ધારકોની કોલ્સ ડિટેઇલ આપો. રાહુલ શર્માને મોબાઇલ કંપની દ્વારા જે કોલ ડિટેઇલ્સ આપવામાં આવી તે એક મોટો પુરાવો સાબિત થવાનો હતો. ગોધરાકાંડની તપાસ કરી રહેલા જસ્ટિસ નાણાંવટી સામેની જુબાનીમાં રાહુલ શર્માએ એ દિવસની ફોન-કોલ્સની સીડી રજૂ કરી હતી. જો કે, નાણાંવટી પંચમાં ગુજરાત સરકારે રાહુલ શર્માની સીડીનો વિરોધ કર્યો હતો, ત્યારે તોફાનની તપાસમાં માટે નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે રાહુલ શર્માની સીડીને પુરાવા રૂપે ગણી હતી, પરંતુ આજે આ ત્રણેય IPS અધિકારીને નકારાત્મ ગણવામાં આવ્યાં છે. આમ, મોદી સરકારના વિરોધી અને સરકાર પર સવાલો કરનાર અધિકારીઓની ભૂમિકા પર હવે સવાલો થઈ રહ્યાં છે.

સંદર્ભ
- ગોધરાકાંડનું અધૂરુ સત્ય, પ્રશાંત દયાળ
- ગુજરાત ફાઈલ્સ, રાના અયુબ
- પદડા પાછળનું ગુજરાત, આર.બી. શ્રીકુમાર

Sunday, May 26, 2019

4 લાખ ગુજરાતીએ ઉમેદવારોને કર્યા નાપસંદ, આદિવાસી વિસ્તારમાં NOTAને વધુ મત

દેશમાં ભાજપ પૂર્ણ બહુમતિ સાથે સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે 2014ની લોકસભા ચૂંટણીની જેમ 2019માં પણ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. આ 26 બેઠક પર યોજાયેલી ચૂંટણી દરમિયાન ગુજરાતના મુખ્ય ચાર શહેર અમદાવાદ, વડાદરા, રાજકોટ અને સુરત કરતા આદિવાસી વિસ્તારોમાં NOTAમાં વધુ મત પડ્યા હતા. 


ગુજરાતની કુલ 26 બેઠકો પર કુલ 3, 96, 570 મત નોટામાં પડ્યા હતા. જેમાંથી આદિવાસી વિસ્તાર ધરાવતા બારડોલીમાં 22, 914, છોટાઉદેપુરમાં 32, 868, દાહોદમાં 30, 987 અને વલસાડમાં 19, 307 મળીને કુલ 1, 06, 076 મત નોટામાં પડ્યા હતા. જ્યારે બીજી તરફ ચાર મુખ્ય શહેર અમદાવાદ (પૂર્વ)-8, 813, અમદાવાદ(પશ્ચિમ)- 14, 719, રાજકોટ-18, 318, સુરત-10, 532 અને વડોદરા-16, 796 મળી કુલ 69, 178 મત નોટામાં પડ્યા હતા.

ચાર મુખ્ય શહેર અને આદિવાસી વિસ્તાર સિવાય ગાંધીનગર લોકસભા બેઠકનું પરિણામ જોવામાં આવે તો આ બેઠકમાં 14, 214 મત નોટામાં પડ્યા હતા. જ્યારે ભાજપના નવનિર્વાચીન સાંસદ અમિત શાહને 8, 88, 210 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાને 3, 33, 642 મત મળ્યા છે. આ સિવાયના તમામ 15 ઉમેદવારોને 7 હજાર કરતા પણ ઓછા મત મળ્યા છે. આ બેઠકમાં સૌથી ઓછા મત અપક્ષ ઉમેદવાર ખોડા દેસાઈને માત્ર 687 મત મળ્યા છે.

Tuesday, May 14, 2019

બદલાતું 'Time'નું કવરપેજ, પણ ન બદલાઈ Modi's Image

વૈશ્વિક મેગેઝીન 'Time'એ પોતાના 20 મેના અંકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કવર પેજ પર જગ્યા આપી છે. જોકે, સમય સાથે બદલાતા 'Time' મેગેઝીનને આ વખતે નરેન્દ્ર મોદી માટેનો બદલાતો રિવ્યુ પ્રકાશિત કર્યો છે. 'Time'એ મોદીને કવર પેજ પર સ્થાન તો આપ્યું જ છે. જેની સાથે એક વિવાદીત ટેગલાઈન પણ રાખી છે. મેગેઝીને મોદીને "India's Divider in Chief"  એટલે કે, ભારતના ભાગલા પાડનાર વડા'. આજે આપણે એવી વાત કરીશું...જ્યાં વિવાદો વચ્ચે મોદીની લોકપ્રિયતામાં વધારો થયો. 'Time'નું કવર પેજ નરેન્દ્ર મોદી માટે દરેક વખતે લોકપ્રિયતાનું સાધન બન્યું છે. નરેન્દ્ર મોદી એક એવા ભારતીય છે, જેમને આંતરરાષ્ટ્રીય 'Time' મેગેઝીને 3 વખત જગ્યા આપી છે. આ પહેલાં પણ ટાઈમ મેગેઝીને માર્ચ-2012, મે 2015 અને હવે મે 2019માં પોતાના કવર પેજ પર જગ્યા આપી છે.



2012માં 'Modi Means Business, But Can He Lead India?'
2012માં TIME મેગેઝીને મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે પ્રથમ વખત છાપ્યાં હતાં. કહેવાય છે કે, આ સમયે મોદીને ભારતમાં પ્રતિષ્ઠીત કરવાનો મેગેઝીને પ્રયાસ કર્યો હતો. કવર પર જ Modi Means Business, But Can He Lead India? ટાઈટલ છપાયું હતું. એટલે કે મોદી એક સારા બિઝનેસમેન અને અર્થશાસ્ત્રી છે. આ ટાઈટલથી મોદીની લોકપ્રિયતા વધી હતી. એ વખતે લખાયું હતું કે, મોદી ભારતના ઉચ્ચ પદે પહોંચશે. મેગેઝીને પોતાની કવર સ્ટોરીમાં મોદીને એક વિવાદાસ્પદ નેતા અને ચતુષ્કોણીય રાજકારણી હોવાનું લખ્યું હતું. 

આ લેખના એક ફોટો પર ટેગ લાઈન હતી. જેમાં "દિલ્હી પર ડિઝાઇન: મોદી ભારતના આગામી વડાપ્રધાન બનવાના પ્રબળ દાવેદાર..... આટલું જ નહીં આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, "મોદીની કાર્યશૈલીની ક્ષમતા દિલ્હીમાં બેઠેલી UPA સરકારની ઊંઘ ઉડાવી દેશે." એટલે કે, 2012માં ટાઇમ મેગેઝીને મોદીને આત્મનિર્ભર માણસ તરીકે વર્ણવ્યા હતાં. ગુજરાતના CM તરીકે મોદીની લોકપ્રિયતા તો હતી જ, પણ TIMEના કવરપેજ પર આવ્યાં બાદ મોદી ગુજરાતના એક મુખ્યમંત્રી નહીં પણ દેશના જાણીતા નેતા બની ગયાં. કેટલાક લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે, યુવાનોમાં મોદીની લોકપ્રિયતા વધાવાનું સૌથી મોટું કારણ TIME અને કેટલાક વિદેશી મીડિયાનું મોદી પરનું વધારે પડતું કવરેજ હતું. જે કવરેજથી માત્ર ભારત જ નહીં પણ વિદેશોમાં ભારત દેશ કરતા મોદીની લોકપ્રિયતા વધી ગઈ. UPA સરકાર અને મનમોહનથી થાકી ગયેલી દેશની જનતાને મોદીમાં આગામી વડાપ્રધાન દેખાવા લાગ્યાં. જેથી દેશમાં મોદીની સતત લોકપ્રિયતા વધતી ગઈ. આ સમયમાં જ કેટલાંક વિદેશી મીડિયાએ 2002ના ગોધરાકાંડ અંગે મોદીની આલોચના કરી. આ આલોચનામાં પણ મોદીની તો પબ્લિસીટી જ થઈ, હા...એ નેગિટીવ હતી, પણ લોકોની આંખોમાં મોદીની એક તસવીર બની. જે સમય જતા આગામી PMમાં બદલાઈ ગઈ.   

2015માં 'WHY MODI MATTERS'
TIMEએ મે 2015માં ફરી એકવાર નરેન્દ્ર મોદીને સ્થાન આપ્યું. જ્યારે વડાપ્રધાન તરીકે મોદીએ એક વર્ષ પૂર્ણ કર્યું હતું. એ વખતે મેગેઝીન મોદીનો ઈન્ટરવ્યું લીધો અને ઈન્ટરવ્યું આપવામાં મોદી કેટલા પાકા છે એ આપણાં બધાને સારી એવી રીતે ખબર છે. એ સમયે કવર પેજ પર 'WHY MODI MATTERS'ની ટેગલાઈન રાખવામાં આવી. આપણને બધાને ખબર જ છે કે, વડાપ્રધાન બન્યા બાદ મોદીએ ઘણાં વિદેશ પ્રવાસ કર્યાં, જેથી મોદીએ ભારતની સાથે સાથે પોતાની એક વૈશ્વિક ઈમેજ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો. 

TIMEએ લીધેલા ઈન્ટરવ્યુમાં મોદીએ ભારતના અમેરિકા અને ચીન સાથેના સંબંધો વિશે અને દેશના વૈશ્વિક આર્થિક વિકાસ વિશે વાતો કરી. આજ ઇન્ટરવ્યુંમાં મોદીએ વિશ્વ શાંતિ અને આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો. આમ, 2015માં TIMEનું કવરેજ મોદીને ફળ્યું, આ સમયે જ મોદીએ વિશ્વશાંતિ પર વાત કરી ત્યાં કેટલાક મીડિયાએ મોદીને 2002ના ગોધરકાંડ અંગે આકરી ટીકા કરી. આ ટીકા પણ મોદીને ફળી અને મોદીની એક વડાપ્રધાન તરીકેની ગ્લોબલ ઈમેજ ઉભી થઈ. એક તારણ છે કે, જ્યારે જ્યારે ગોધરાકાંડ મુદ્દે મોદીની ટીકા થઈ ત્યારે ત્યારે મોદીની લોકપ્રિયતામાં વધારો થયો. એ સમયે ગોધરકાંડ મુદ્દે ગુજરાતમાં રહેતા મુસ્લિમોના ઈન્ટરવ્યું લેવાયા. જેમાં મોદીની ટીકા થવાને બદલે પ્રસંશા થઈ. આ બાબત કોઈ માને કે ન માને પણ વરવી વાસ્તવિકતા હતી. જોકે હું ગોધરાકાંડમાં ગુજરાતના CM તરીકે મોદીને જવાબદાર માનું છું. જેઓ હિંસા ન રોકી શક્યાં. હા....એ વાત ચોક્કસ છે કે, દરેક વખતે હિંસાની શરૂઆત મુસ્લિમો દ્વારા થઈ પણ એનો અંત હિન્દુઓએ કર્યો. જે સૌથી વધુ ખરાબ હતો.     

હવે 2019માં મોદી-"India's Divider in Chief"
હવે મેગેઝીને લોકસભા ચૂંટણી 2019 દરમિયાન અને છેલ્લાં પાંચ વર્ષના મોદી સરકારના કામકાજ પર સ્ટોરી કરી છે. જેમાં મોદીને "India's Divider in Chief" એટલે ભારતના મુખ્ય ભાગલા પાડનાર. આ લેખમાં લખાયું છે કે, મોદીને હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભાઈચારાની ભાવના વધારવામાં કોઈ ઈચ્છા નથી. એટલે કે મોદીએ ભારતમાં ધાર્મિક રાષ્ટ્રવાદનું વાતાવરણ ઉભુ કર્યું છે. હવે જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે અને ગણતરીના દિવસોમાં તેના પરિણામ પણ આવવાના છે, ત્યારે ફરી ટાઈમ મેગેઝીન મોદીને કવર પેજ પર સ્થાન આપી મોદીની લોકપ્રિયતામાં વધારો કર્યો છે. તમને લાગે કે આ વખતે તો નેગેટિવ બાબતો લખાઈ છે. જી...હા...એ વાત સાચી પણ મોદીને દરેક વખતે નેગેટિવ પબ્લિસીટી ફળી છે. 

રહી વાત મોદીના રાજીવ ગાંધીવાળા નિવેદનની તો મોટા કલાકાર તરીકે મોદીને એ સારી રીતે આવડે છે કે, મીડિયાને કેવી રીતે મુદ્દાઓથી ભટકાવવું. તમે જોયું હશે, જ્યાં ઉત્તર ભારત સિવાયના રાજ્યમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે મોદીએ સ્થાનિક મુદ્દાઓ સાથે પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપી. મોદીને ખબર હતી કે, જો હું ઉત્તર ભારતમાં પ્રચાર રણનીતિ સાથે મુદ્દાઓને નહીં બદલું તો લોકો નજરઅંદાજ કરશે. મીડિયા દ્વારા થતી મારી ટીકા લોકોમાં ઘર કરી જશે. આ માટે જ મોદીએ રાજીવ ગાંધીવાળું નિવેદન આપ્યું. પછી આપણા મીડિયા શું ચલાવ્યું.....1985ના શીખ દંગા અને 2002નો ગોધરાકાંડ. જેથી માડિયા મુળ મુદ્દાથી ભટકી ગયું અને મોદીને પબ્લિસીટી મળવાની ચાલું થઈ ગઈ...Timeની સ્ટોરીમાં શું છે? ભલે ટાઈટલ મોદીની ટીકા કરતું રાખ્યું હોય પણ નોટબંધી અને GSTને તો ઐતિહાસીક નિર્ણયો જ ગણાવ્યાં છે. મોદીને ખબર હતી કે, ઉત્તર ભારતમાં કંઈક નવું કરવું જ પડશે, નહીં તો સત્તા જશે. મોદી પાસે થોડું ખુટતુ હતું એ Timeએ સરભર કરી આપ્યું. 

Timeની સ્ટોરી બાદ મોદીને શું મળ્યું?      
એક અનુમાન છે કે, Timeની સ્ટોરીમાં મોદીને 3 વખત સ્થાન મળ્યું, ત્રણેય વખત મોદીની યુવાનોમાં લોકપ્રિયતા વધી. આ સિવાય Timeએ પોતાની પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં મોદીને ત્રણવાર સ્થાન આપ્યું. ટાઈમે જ્યારે જ્યારે મોદીને સ્થાન આપ્યું ત્યારે ત્યારે ભારતમાં ચૂંટણીઓ જ ચાલી રહી હતી. જેમ કે ડિસેમ્બર-2012 ગુજરાત વિધાનસભા ચૂંટણી, માર્ચ-2017 ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી. આ બંને ચૂંટણીમાં મોદીના નામ પર ભાજપને જંગી બહુમતી સાથે સત્તા મળી. એટલે જ કહી શકાય કે, Timeની સ્ટોરીથી મોદીને માત્ર પબ્લિસીટી જ મળી છે.  


Monday, April 22, 2019

રાજ્યમાં જળસંકટના એંધાણ, બુથ્થલ નેતાઓએ માત્ર પોતાનું રેદું ભર્યું...

રાજ્યમાં જળ સંકટના એંધાણ છે, ત્યારે રાજ્યના 200 વધુ ડેમમાંથી 115 જેટલા ડેમ સુકાયેલા છે યા તો સુકાવાની તૈયારીમાં છે. હાલ આ જળાશયોમાં માંડ 10 ટકા પાણી બચ્યું છે. જ્યારે 65થી વધુ ડેમ 50 ટકાથી 10 ટકા જેટલા પાણીથી ભરેલા છે. રાજ્યમાં ડેમના પાણી સ્તર અંગે સિંચાઈ વિભાગે થોડાક આંકડા જાહેર કર્યાં છે. જેમાં રાજ્યના 203 જેટલા ડેમમાં પાણી ગત વર્ષની સરખામણીએ 9.57 ટકા પાણી ઓછું છે.



I AM Gujaratના રિપોર્ટ પ્રમાણે, હાલમાં ડેમના સ્ટરેજ પાણીમાંથી સરેરાશ 33.78 પાણી વપરાઈ રહ્યં છે. આ વપરાશમાં ઉનાળામાં સરરાશ વધારો થયો છે. જેથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સ્થિતિ અતિગંભીર બની છે. હાલ આ વિસ્તારોમાં આવેલા ડેમ માત્ર 18 ટકા ભરેલા છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમ આવેલા છે. જેમાં માત્ર 56.39 ટકા પાણી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમ માત્ર 32.94 ટકા ભરેલા છે.

અછતગ્રસ્ત વિસ્તારો માત્ર જાહેરાત પુરતા
રાજ્યમાં દુષ્કાળ પડ્યો અને જાહેર પણ થયો, પરંતુ દુષ્કાળને લગતી કોઈ કામગીરીથી હજુ કોઈ ફરક પડ્યો નથી. કેમ કે ત્યાં પણ ભ્રષ્ટાચાર તો ચાલુ. સરકારે ગામડાની પાણી સમસ્યાનો ઉકેલ લાવવા વિવિધ વિસ્તારો અછતગ્રસ્ત જાહેર તો કર્યાં પણ આ જાહેરાત માત્ર જાહેરાત પુરતી જ રહી. રાજ્યમાં પાણીની અછતને કારણે સમસ્યાઓ વધી રહી છે. ચૂંટણી સમયે સરકારી કર્મચારીઓ સંગઠનના ભારે આંદોલનની ચીમકી આપી ધાર્યું કામ કરવતા હોય છે. તમને પણ યાદ હશે કે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પહેલા કેટલીય હળતાલો પડી, કેટલાંય આંદોલનો થયાં સરકાર સત્તા પડી જાવાના ડરથી મોટી જાહેરાતો કરી નાંખી પણ સામન્ય પ્રજાનું શું? જે આજે પણ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતથી પીડાઈ રહી છે. 

હવે ચૂંટણી સમયે નેતાગીરીનો મોહાલ જામશે. આપણે બધા ભાજપ-કોંગ્રેસના ઝંડા લઈ મેદાને ઉતરશું, મતના નામે એકબીજા સામે બાંયો ખેંચીશું, પણ પાણીની સમસ્યાનું શું? શહેરમાં રહેતા લોકો ગુજરાતના ગામડાની સ્થિતિ પર નજર કરશે તો ખબર પડશે કે, ખરેખર સમસ્યા કેટલી વિકટ છે. પાણીની સમસ્યા વચ્ચે ગ્રામીણ પ્રજા પીસાઈ રહી છે. હાલ તો નથી સરકાર જાગતી કે નથી કોઈ નેતા જાગતો આ પીડા કહેવી તો કોને કહેવી? ચૂંટણી સમયે જે ઉત્સુકતા નેતાઓમાં હોય એ ચૂંટણી બાદ હોતી નથી. પ્રજાને ચૂંટણીમાં લોકશાહી પ્રણાલી પ્રમાણે મત આપવાનો અને પોતાની મરજી પડે એ પક્ષને મત આપવાનો અધિકાર છે. જેને સૌથી વધુ મત મળે તે વિજેતા થાય છે, પરંતુ ચૂંટાયા બાદ બુથ્થલ નેતાઓ લોકોની સમસ્યાને ભૂલી પોતાનું રેદું ભરવાનું શરૂ કરી નાંખે છે. જેથી પ્રજા કિન્નાખોરીનો ભોગ બને છે.

તાજેતરમાં ભારતીય સંસદી કાર્યવાહીના આંકડા જાહેર થયાં છે. જેમાં ગુજરાતના સાંસદોને શરમ આવે એવા આંકડા જાહેર થયાં છે. લોકસભામાં પશ્નો પૂછી મોદી સરકારનો કાન પકડવામાં ગુજરાતના ત્રણ સાંસદો એવા પણ છે, જેમણે ગૃહમાં એક પણ પ્રશ્ન પૂચ્છો નથી. જેમાં વલસાડના સાંસદ ડૉ. સી.કે. પટેલ, ગાંધીનગરથી ભાજપના દિગ્ગજ નેતા એલ.કે. અડવાણી અને પોરબંદરના વિઠ્ઠલ રાદડિયાએ તેમના મત-વિસ્તારના માટે એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. આ સાંસદોએ પોતાના મત વિસ્તાર વિકાસના કામ એક પણ લોકિહતનો પ્રશ્ન પુછ્યો નથી. લો બોલો આપણી પાસે એવા પણ નેતાઓ છે, જેમણે જંગી મતોથી જીત મેળવી પણ લોકોના પ્રશ્નોની વાચા તો ક્યાય રહી ગૃહ એક પ્રશ્ન પણ કર્યો નથી. હવે આવા નેતાઓ ચૂંટીને ગૃહમાં જાય છે. તો ક્યાંથી પ્રજાનું ભલું થશે. 

રાજ્યમાં વિકાસનો V કે ગતિશીલ ગુજરાતની ગતિ કોઈએ જોઈ નથી. કદાચ રૂટીન કામને જો કોઈ વિકાસ ગણતા હોય તો ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. વિકાસ એટલે “લૉટ…પાણીને...લાકડા” પ્રજા વિચારી જાય તો જાય ક્યાં, હાલમાં “સબ ડાલ પર ઉલ્લુ બૈઠાં” જેવી સ્થિતિ છે. આમ તો બહારથી કોઈ નેતા આવે તો જણાય, રાજ્ય નાનુંને નેતા જાજા…આને કહેવાય “ઠોઠ નિશાળિયાને વતરણાં જાજા'' એ તો ગામડાંના લોકો સારા છે કે નેતાઓને સહન કરે છે.

Tuesday, April 2, 2019

મોદીરાજમાં આ 3 ગુજરાતી સાંસદ ધોયેલા મૂળા સમાન...


તાજેતરમાં ભારતીય સંસદી કાર્યવાહીના આંકડા જાહેર થયાં છે. જેમાં ગુજરાતના સાંસદોને શરમ આવે એવા આંકડા જાહેર થયાં છે. જેમાં લોકસભામાં પશ્નો પૂછી મોદી સરકારનો કાન પકડવામાં ગુજરાતના ત્રણ સાંસદો એવા પણ છે, જેમણે સંસદમાં એક પણ પ્રશ્ન પૂછ્યો નથી.



આવા ધોયેલા મૂળા સમાન સાંસદોમાં વલસાડના સાંસદ ડૉ.સી.કે. પટેલ, ગાંધીનગરથી સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા એલ.કે. અડવાણી અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા સામેલ છે. જેમણે પોતાના મત-વિસ્તારના માટે એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. આ સાંસદોએ પોતાના મત વિસ્તાર વિકાસના કામ એક પણ લોકિહતનો પ્રશ્ન પુછ્યો નથી. લો...બોલો આપણી પાસે એવા પણ નેતાઓ છે, જેમણે જંગી મતોથી જીત મેળવી પણ લોકોના પ્રશ્નોની વાચા તો ક્યાય રહી સંસદના ગૃહમાં એક પ્રશ્ન પણ કર્યો નથી. હવે આવા નેતાઓ ચૂંટીને ગૃહમાં જાય છે. તો ક્યાંથી પ્રજાનું ભલું થશે.

આ ઉપરાંત લોકસભામાં પાંચ વર્ષના કાયકાળ દરિમયાન પ્રશ્નો પૂછવામાં ગુજરાતના સાંસદોમાંથી સૌથી મોખરે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા રહ્યાં છે, બીજા ક્રમે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ત્રીજા નંબરે છોટાઉદેપુરના રામસિંહ રાઠવા, ચોથા ક્રમે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, પાંચમા નંબરે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટ સોલંકી રહ્યાં હતા. 

જાહેર આંકડા મુજબ, બધા સાંસદો પોતાની સંસદીય વિકાસ ગ્રાન્ટ ખર્ચ કરવામાં પાછળ રહ્યાં. જેમાં PM મોદીએ માત્ર 62.96 ટકા ખર્ચ કર્યો, જે બહુ ઓછો કહેવાય, ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કુલ 60.56 ટકા ખર્ચ કર્યો છે. જે પણ ઓછો જ છે. મોદીએ વિવિધ વિકાસ કર્યો માટે વિવિધ મંત્રાલય દ્વારા હજારો કરોડના અનેક મોટાં પ્રોજક્ટ લાગુ કર્યાં, પરંતુ તે સંસદ વિકાસ ગ્રાન્ટ હેઠળ નથી.

Friday, March 29, 2019

હાર્દિક સાથે લાલીયાવાળી, હાર્દિકે કહ્યું- સત્તા સામે લડવાનું પરિણામ મળ્યું

ગુજરાત હાઈકોર્ટે હાર્દિકની અરજી ફગાવી દીધી છે. જેથી હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી નહીં લડી શકે. છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલતી હતી કે, હાર્દિકનો ચૂંટણી લડવાનો નિર્ણય કોર્ટના ચુકાદા પર રહેલો હતો. જેનો હવે અંત આવી ગયો છે, તો જાણીએ હાર્દિક પર શું છે આરોપ અને હવે હાર્દિક પાસે કયો વિકલ્પ બચ્યો છે?


નોંધનીય છે કે, રાજ્ય સરકારે હાર્દિકને ચૂંટણી લડવાની મંજૂરી ન આપવાની વાત કરતા હાઇકોર્ટમાં લેખિતમાં રજૂઆત કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી હાઇકોર્ટમાં રાજ્ય સરકાર અને હાર્દિકના વકીલ વચ્ચે તીખી દલીલો થઇ હતી.

આ અંગે હાર્દિકે કહ્યું કે, અમે ડરતા નથી. હું સત્ય, અહિંસા અને ઈમાનદારીથી સામાન્ય જનતાનો અવાજ બનીશું. જનતાની સેવા કરનાર કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવીશું. હાર્દિકે કહ્યું કે, હું કોંગ્રેસ પાર્ટી માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રચાર કરીશ. મારો અપરાધ માત્ર એ જ છે કે, હું ભાજપની આગળ નમ્યો નહીં. સત્તાધારી સામે લડવાનું તો આ પરિણામ છે.


હાર્દિક પર કયો આરોપ?
હાર્દિક વિરુદ્ધ વિસનગરના ધારાસભ્ય ઋશિકેશ પટેલના કાર્યાલયમાં તોડફોડ કરવાનો આરોપ છે. આ કેસમાં વિસનગર કોર્ટે હાર્દિકને દોષી ગણીને 2 વર્ષ કેદની સજા ફટકારી છે. કોર્ટે 17 આરોપીમાંથી 3 લોકોને દોષિત જાહેર કર્યા છે, ત્યાં 14 લોકોને આરોપ મુક્ત કરવામાં આવ્યાં છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે, હાર્દિક વિરૂદ્ધ અનેક પોલીસ સ્ટેશનમાં ઘણી બધી ફરિયાદો નોંધાઈ છે. મહત્વનું છે કે, કોર્ટને આપેલી બાંહેધરી બાદ પણ હાર્દિક વિરુદ્ધ 17 કેસ નોંધાયા છે.

2015માં એક હિંસાના કેસમાં હાર્દિક પટેલ ઉપરાંત લાલજી પટેલને પણ દોષિત ગણવામાં આવ્યાં છે. મહેસાણાની વિસનગર કોર્ટમાં હાર્દિક અને લાલજી પટેલને દોષિત ઠરાવવામાં આવ્યાં હતાં. મહત્વનું છે કે, 2015માં ભાજપના ધારાસભ્ય ઋશિકેશ પટેલના કાર્યાલય પર હુમલો થયો હતો.

શું કહે છે કાયદો?
જનપ્રતિનિધિ કાનૂન-1951 મુજબ, દોષિત નેતાઓને ચૂંટણી લડવા માટેનો કાયદો પહેલાથી જ અસ્તિત્વમાં છે, જેમાં સજા થયાં બાદ 6 વર્ષ સુધી દાગી નેતાઓ ચૂંટણી ન લડી શકે. આ જ કાયદાને કારણે ચારા કૌભાંડમાં દોષી અને જેલમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવ પર ચૂંટણી લડવાની રોક છે.

હાર્દિક પાસે કયો વિકલ્પ?
પાટીદાર અનામત આંદોલનમાંથી નેતા તરીકે ઉભરી આવનાર હાર્દિક તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયો હતો. જે હવે આગામી લોકસભા ચૂંટણી લડી શકશે નહીં. હાઈકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની મનાઈ કરી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે નહીં. જોકે હાર્દિક પટેલ પાસે એક મોટો વિકલ્ય સુપ્રીમ કોર્ટ છે. હાર્દિક આ બાબતે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. જો કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ જ ખબર પડે કે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડી શકે છે કે નહીં. એક વાતનું ધ્યાન રહે કે, જો હાર્દિક સુપ્રીમમાં જાય તો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલા સુપ્રીમ ચુકાદો આપે તો જ હાર્દિક ચૂંટણી લડી શકશે.

હાઇકોર્ટે હાર્દિકની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધી છે. જેમાં કોર્ટે અવલોકન કર્યું કે, હાર્દિકના વકીલે પુરાવા નહીં હોવાની વાત કરી છે, તે સ્વીકારી શકાય નહીં.

Saturday, March 9, 2019

એક સાંધે ત્યાં તેર તૂટેે, કોંગ્રેસે પોતાના જ પગે કુહાડી મારી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોય કે રાજ્યસભાની કે પછી લોકસભાની. ઉમેદવારોની પસંદગી થાય એટલે દર વખતે પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ તૂટે છે અને સંગઠનમાં મોટા ગાબડા પડતા હોય છે, જ્યારે 2017માં વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી વખતે દિગ્ગજ નેતાઓ નારાજ થયાં હતાં, ત્યારબાદ જ્યારે રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી થઈ ત્યારે પણ કોંગ્રેસના ધારાસભ્યો તૂટ્યા હતાં. જેથી કોંગ્રેસને પોતાના ઉમેદવારોને બેંગલુરૂમાં લઈ જવા પડ્યા, આ બાબતે ગુજરાતની જનતામાં કોંગ્રેસની મોટી મજાક બની ગઈ. 


જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યસભાનાં ઉમેદવાર જાહેર કર્યા, ત્યારે 2 ઉમેદવારની પસંદગી પાછળ પ્રદેશ કોંગ્રેસના 5 નેતાના મનબોળ તૂટી ગયાં. જેના પરિણામ સ્વરૂપ કોંગ્રેસમાં કકરાટ વધ્યો અને કાયમી ધોરણે જોવા મળ્યો. અમી યાજ્ઞિકનો મહિલા કોંગ્રેસે જ વિરોધ કર્યો, તો નારણ રાઠવાં પોતાના ડોક્યુમેન્ટ પુરા ન કરી શકતાં ચર્ચામાં રહ્યાં, આ બધાની વચ્ચે બંને નામની પસંદગી પ્રદેશ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓની ગળાની ગાંઠ બની. કારણ કે રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી મુદ્દે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ, શક્તિસિંહ, મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી સહિતના એક પણ સિનીયર નેતાની વાત દિલ્હીમાં બેઠેલી હાઈકમાન્ડે ન સાંભળી. જેથી નારાજગીનો દોર શરૂ થયો.

વાત કરીએ 2017ની વિધાનસભાની તો આ ચૂંટણીમાં કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ, મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌઘરી પોતાની બેઠક પણ બચાવી ન શક્યાં, જેથી ભરતસિંહ સહિત બધાને રાજ્યસભામાં જવાના અભરખાં રહ્યાં, પરતું હાઈકમાન્ડે તેમને ગણકાર્યાં નહીં. આવા સંજોગોમાં નુકસાન તો કોંગ્રેસને જ થયું. કહેવાય છે કે, વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે યુવા નેતૃત્વ પર ધ્યાન આપી મોટાં નેતાઓને નજરઅંદાજ કર્યાં. જેથી મનદુઃખીયા નેતાઓ એક પછી એક પાર્ટી છોડતા ગયાં. જેની શરૂઆત બાપુથી થઈ. 

તમને યાદ હશે શંકરસિંહે જ્યારે કોંગ્રેસ છોડી ત્યારે પોતાની હૈયાવાળ જણાવી હતી અને કહ્યું હતું કે, મેં તો પાર્ટીને સાંભળી પણ પાર્ટી મને ન સાંભળ્યો. બાપુના ગયાં પછી કેટલાય રાજકીય વિશ્લેષકોનો મત હતો કે, બાપુના જવાથી કોંગ્રેસને મોટું નુકસાન થશે. કદાચ આ મત આજે સાર્થક થતો દેખાય છે. આ બધાની વચ્ચે એવું પણ બન્યું કે, કેટલાય કોંગી નેતાઓ ભાજપમાં જોડાઈ નાખુશ થયાં, વળી પાછા કોંગ્રસમાં આવી પણ ગયાં. કેમકે, સત્તા લાલચું ભાજપે વિધાનસભાથી માંડી છેક અત્યારે લોકસભા સુધી કાવાદાવા, ખરીદ-ફરોકની હલકી રાજનીતિ કરી નારાજ નેતાઓને લાંલચ આપી ખેંચી લીધા, પરંતુ હાલ એ બધા જ નેતાઓ ક્યાં છે? નાના પદો સંભાંળી રહ્યાં છે. 

ભાજપમાં જેડાનાર કોંગી નેતાની વાત કરીએ તો સૌથી પહેલા 2012ની વિધાનસભા ચૂંટણીમાં નરહરી અમિન ભાજપમાં જોડાયા કે, તરત જ ગુજરાત ક્રિકેટમાં પદ આપી દીધું, રાજ્યસભા વખતે બળવંતસિંહ જોડાયા તો GIDCમાં પદ આપી દીધું. કોંગ્રેસના પક્ષપલટું નેતાઓની કોણીએ ભાજપે એવો ગોળ ચોટાડ્યો કે, એ લોકો હાથ ઉંચો પણ ન કરી શકે કે ગોળનો સ્વાદ ચાખી પણ ન શકે. ભાજપે કોંગી નેતાઓને એવા એવા પદ આપી દીધા કે, પેટ તો દુઃખે પણ કોને કહેવા જવું? એવી હાલત સર્જાઈ.  

જો કે, નરેન્દ્ર મોદીએ ભારતને કોંગ્રેસમુક્ત કરવાનો નારો તો આપ્યો, પણ ગુજરાત ભાજપ હવે પોતે જ કોંગ્રેસયુક્ત બની ગઈ છે. દિવ્ય ભાસ્કરની રિપાર્ટ મુજબ, 2007થી લઈ આજદિન સુધીમાં કોંગ્રેસના  35 MLA અને MPએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જેથી ભાજપનું જ કોંગ્રેસીકરણ થઈ ગયું છે. છેલ્લા 12 વર્ષમાં 35 કોંગી દિગ્ગજ નેતા ભાજપમાં બેઠાં. જેમાં માત્ર 17ને નાના-મોટા હોદ્દા મળ્યા, જ્યારેથી 18 નેતાઓ હજુય સત્તા માટે ભાજપના મોવડી મંડળ પાછળ લટકી રહ્યા છે. 

Sunday, February 17, 2019

#Pulwama: કહેવાતા માનવાધિકારીઓને વિનંતી, વાણી વિલાસ પહેલા કુલભૂષણને યાદ કરજો

પુલવામામાં આતંકી હુમલામાં 40થી પણ વધુ જવાનો શહીદ થયા છે. જે બાદ આ અંગે ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે. આ હુમલાને લઈ સમગ્ર દેશમાં ગુસ્સો છે, લોકો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાવી વાત કરી રહ્યાં છે. 



બૉલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમે આતંકી હુમલા બાદ કોઇનું નામ લીધા વગર કટાક્ષ માર્યો હતો. સોનુ નિગમે પ્રહાર કરતાં કહ્યું કે, તમે શા માટે અફસોસ વ્યક્ત કરી રહ્યા છો? તમે તો ભારત તારા ટૂકડા થશે, જેવી વિચારધારા રાખનારા લોકો છો. સોનુ નિગમના આ આકરા પ્રહારો બૉલિવુડના એ સેલેબ્રિટિઝ પર છે, જેમણે આતંકીઓને ફાંસી મુદ્દે માનવાધિકારની વાત કરી હતી. જુઓ વીડિયો...

મહત્વનું છે કે, આવું કહીં સોનું નિગમ એ લોકો પર કટાક્ષ કરી રહ્યાં છે. જેમણે અફઝલ ગુરુને ફાંસી આપવા પર વિરોધ કર્યો હતો. કહેવાય છે કે, JNUમાં ભારત વિરોધી નારા લાગ્યાં હતાં. જેમાં કેટલાક લોકોએ સેક્યુલરશાહીની વાત પણ કરી હતી. સોનુ આ વિચારોથી હું સહેમત છું. કારણ કે, જ્યારે આવા હુમલા થાય છે, ત્યારે સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળે છે. સરકાર પણ આતંકવાદ વિરૂદ્ધ પગલાં લેવા તૈયાર થતી હોય છે, પરંતુ આ સંજાગોમાં જ કહેવાતા માનવાધિકારીઓને આતંકીઓનો જાણે સાથ આપતા હોય એમ માનવઅધિકારની વાતો કરવા લાગે છે. હું આવા માનવાધિકારીઓને નમ્ર વિનંતી કરુ છું કે, હવે કોઈ આતંકીને ફાંસીની સજા થાય તો મહેબાની કરી તેને શહીદ જાહેર ન કરતા.

તમે કઈ સેક્યુલર વિચારધારાની વાત કરો છો? શું વંદે માતરમ, ભારમાતા કી જય બોલવું એ સેક્યુલરશહીમાં નથી આવતું. શહીદોની શહાદત પર આમ દુઃખ વ્યક્ત કરવાનું બંધ કરો. કેમકે તમારા મોંઢે એ શોભતું નથી. મહેબાની કરી શહીદ પરિવારોનું તો વિચોરો... આ એજ ભારત દેશ છે, જેમાં એક માતા પોતાના દિકરાને દેશની રક્ષા કરવા માટે સરહદ પર મોકલે છે, જ્યારે AC ઓફિસમાં બેસીને અસહિષ્ણુતાની વાતો થાય છે. દેશમાં હાલનો માહોલ ગુસ્સાભર્યો છે. સમગ્ર દેશ આતંકી વિરુદ્ધ જંગ લડવાની વાત કરી રહ્યો છે.

જ્યારે અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી ત્યારે કેટલાક કહેવાતા માનવાધિકારીઓએ ભારત વિરૂદ્ધના નારા લગાવ્યાં હતાં. મારે એ માનવાધિકારીઓને એટલું જ કહેવું છે કે, જ્યારે એ આતંકીએ જે હુમલાને અંજામ આપ્યો હતો, એ બર્બતા તમને યાદ તો છેને. સરકાર આતંકી વિરોધી કાર્યવાહી ન કરે ત્યાં તમે ઝંડા લઈને આવી જાઓ છો, જ્યારે સરકાર કાર્યવાહી કરે કે તરત જ માનવતાની વાતો કરવા આવી મેદાનમાં ઉતરો છો.

પહેલા દેશભક્તિને નામે ખોટી નામના મેળવવા મેદાનમાં આવશો અને વળી પાછા માનવઅધિકારની વાતો કરવા. તમે કઈ સહિષ્ણુતાની વાત કરો છો? આતંકીઓના કાળાં કૃત્યો છૂપાવવાની કે પછી તમારી બૌદ્ધિકતાની. સહિષ્ણુતા તો એ છે જ્યાં કાશ્મીરમાં આટલા પથ્થરમારા છતાં સેનાએ કોઈ કડક કાર્યવાહી નથી કરી. સહિષ્ણુતા એ છે જ્યાં તમારા જેવા લોકો આતંકીને શહીદ જાહેર કરે ત્યારે શહીદ પરિવારો તમને સહન કરે છે. એટલે મહેરબાની કરી ACમાં બેસી માનવઅધિકારની વાતો કરવાનું બંધ કરો, ખરેખર તમને થોડી પણ શરમ નથી?

માનવઅધિકારની વાતો કરતા પહેલા શું કુલભૂષણ યાદવની યાદ આવી? એક ભારતીય કેટલાય વર્ષોથી ન્યાય માંગી રહ્યો છે, ક્યારેય કુલભૂષણ મુદ્દે માનવઅધિકારની વાત કરી ખરી? 2016માં કુલભૂષણ જાધવને પાકિસ્તાને પકડ્યો હતો અને જાસૂસીનો આરોપ મૂક્યો હતો. ઓછામાં પુરું 2017માં ફાંસીની સજા પણ જાહેર કરી હતી. આ સજાને રોકવા માટે ભારતે ICJમાં અરજી કરી હતી, તમે ક્યારેય જાધવની ફાંસી અટકાવવા વાત કરી ખરી.

કુલભૂષણ જાધવ મુદ્દે પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું અને જાદવને સલાહકાર ન રાખવા દીધો, તો અહીં જાદવના માનવીય અધિકારોનો ભંગ થયો. તમે ક્યારેય આ અંગે વિરોધ કર્યો ખરો? 2017માં કુલભૂષણનો પરિવાર પાકિસ્તાન મળવા ગયો, ત્યારે જાદવ પરિવાર પર ત્રાસ ગુજારવામાં આવ્યો. જાદવ સાથેની વાતચીત દરમિયાન CCTVથી દેખરેખ રખાઈ, બહુ જ ગંદી રીતે જાદવ પરિવારની તપાસ કરાઈ. અતે કહાવાતા માનવાધિકારીઓને એટલું કહેવું છે કે, આ બધુ થયું ત્યારે ક્યાં ગઈ હતી તમારી માનવતા? ક્યારેય તમે જાદવ અંગે પાકિસ્તાન વિરોધી બોલ્યા છો ખરા? જો 'ના' તો ભારત વિરોધી બોલવાનો પણ તમને કોઈ જ આધિકાર નથી.

Wednesday, February 13, 2019

મોદી-રાહુલ ભાઈ-ભાઈ, સંસદીય ખર્ચમાં બંને 'કંજૂસ'

16મી લોકસભાનો કાર્યકાળ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણથી સમાપ્ત થઈ ગયો છે. આ દરમિયાન PM મોદી અને સ્પીકર સુમિત્રા મહાજને બધા સભ્યોને સદનની કાર્યવાહીમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. લોકસભાનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ લોકસભા સચિવાલય દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર, 16મી લોકસભા 15મી લોકસભા કરતા સારી રહી છે. આ લોકસભામાં સૌથી વધુ કાર્ય થયું છે અને બિલ પણ વધુ પસાર થયાં છે.


ગૃહના કામકાજ સિવાય બધા જ રાજકીય દળના નેતાઓની સક્રિયતા વિશે વાત કરીએ તો કેટલીક રસપ્રદ હકીકતો સામે આવે છે. જેમાં સામાન્ય મુદ્દાઓ પર સરકારને આડે હાથ લેનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. રાહુલ સિવાય ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેવૌડા અને સમાજવાદી પક્ષના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે પણ 16મી લોકસભામાં એક પણ પશ્ન પૂછ્યો નથી.

સંસદીય કાર્યવાહી પર દેખરેખ રાખનાર વેબસાઇટ parliamentarybusiness.com દ્વારા બુધવારના રોજ સદનની કામગીરી પર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેવૌડા અને મુલાયમ સિંહ યાદવે એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. આ સિવાય એક પણ પ્રશ્ન ન પૂછનારમાં ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા સહિત 31 સાંસદો સામેલ છે.

લોકસભા એટલે સંસદનું નીચલું ગૃહ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ભાષણમાં એ વાતનો ઉલ્લેખ કર્યો કે, સદનમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 200થી વધુ બિલ પસાર થયા છે. જો 15મી લોકસભા એટલે UPA-2ના કાર્યકાળની વાત કરીએ તો આ દરમિયાન 181 બિલ પસાર થયા હતાં. જેથી 15મી લોકસભાની સરખામણીમાં 16મી લોકસભાની 10.49 ટકા વધુ બિલ પસાર થયાં છે.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન લોકસભામાં 65000થી વધુ વાર વિક્ષેપ થયો. જેથી લોકસભાની કાર્યવાહીના 500 કલાક બરબાદ થયા. જાહેર અહેવાલ મુજબ, બધા સાંસદો પોતાની સંસદીય વિકાસ નિધિનો ખર્ચ કરવામાં પાછળ રહ્યાં. જેમાં PM મોદીએ માત્ર 62.96 ટકા ખર્ચ કર્યો, જે બહુ ઓછો કહેવાય, ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કુલ 60.56 ટકા ખર્ચ કર્યો. મોદીએ વિવિધ વિકાસ કર્યો માટે વિવિધ મંત્રાલય દ્વારા હજારો કરોડના અનેક મોટાં પ્રોજક્ટ લાગુ કર્યાં, પરંતુ તે સંસદ વિકાસ નિધિ હેઠળ નથી.

જ્યાં સસદ વિકાસ વિકાસના કુલ ખર્ચની વાત કરીએ, તો અત્યાર સુધીમાં માત્ર 30 ટકા ખર્ચ થયો. જેથી વધારાના નાંણા સરકારી ખજાનાની શોભા બન્યાં. કહેવાનો અર્થ એ છે કે, સાંસદોને દર વર્ષે મળતી સંસદીય વિકાસની રકમ પણ પુરેપુરી વાપરી નથી. સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ આકડાં મુજબ, 10 જાન્યુઆરી, 2019 સુધીમાં ખર્ચ કર્યા વગરના 4021.13 કરોડ રૂપિયા જમા રહ્યાં છે. મહત્વની વાત તો એ છે કે, સંસદ વિકાસ નિધિને ખર્ચમાં મહિલા સાંસદોનું પ્રદર્શન વધુ સારું છે. મહિલા સાંસદોએ 72 ટકા રકમ ખર્ચી છે, જ્યારે પુરુષ સાંસદોએ માત્ર 69.33 ટકા રકમનો ખર્ચ  કર્યો છે.

Saturday, January 19, 2019

મોદીનું 'ગુજરાત મોડેલ' અને ગુજરાતનું 'મોદી મોડેલ’ પોકળ

 ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ધાટન થયું છે, ત્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યની ભાજપ પર ચાબખા માર્યાં છે. ગુજરાત કોંગ્રેસનો દાવો છે કે, ગુજરાતમાં અત્યાર સુધી 9 વાઈબ્રન્ટ સમિટ થયાં છે. જેમાં 65 લાખ કરોડના મૂડી રોકાણનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લાખો નવી રોજગારી ઊભી થયાંની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે હકીકતમાં ભાજપ સરકારનું મૂડીરોકાણ અને રોજગારીના દાવાનું ‘ગુજરાત મોડેલ’ પોકળ સાબિત થયું છે.


વાઈબ્રન્ટ સમિટ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી, મોટી-મોટી જાહેરાતો કર્યા બાદ અનેક સવાલ થાય છે. ગુજરાતના નાગરિકોને શું ફાયદો થયો?, ગુજરાતમાં ખરેખર કેટલું મૂડીરોકાણ આવ્યું? કેટલા ગુજરાતી યુવાનોને રોજગારી મળી?  પરેશ ધાનાણીના અહેવાલ મુજબ, 75 લાખ કરોડના રોકાણના દાવા સામે છેલ્લા 34 વર્ષમાં માત્ર 2,75,880 કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં આવ્યું છે. તાજેતરમાં RBIએ પ્રસિદ્ધ કરેલા આંકડા મુજબ, વર્ષ 2000-2018 સુધીમાં 1,07,316 કરોડનું મૂડીરોકાણ આવ્યું હતું.

75 લાખ કરોડના રોકાણના દાવા સામે રૂપિયા 1,07,316 કરોડનું મૂડીરોકાણ આવ્યું છે, એટલે વાસ્તવિક મૂડીરોકાણ 1.43 ટકા જ થયું છે. ઉદ્યોગોને આપવામાં આવેલા 1,29,962 કરોડની રાહતો સામે માત્ર 1,07,316 કરોડનું મુડીરોકાણ આવ્યું છે. સરકારે લાખો યુવાનોને રોજગારી આપવાનો દાવો તો કર્યો પણ આ દાવો પણ ખોટો સાબિત થયો છે. રાજ્યમાં વર્ષ 2016-17માં માત્ર 12,869 બેરોજગારને જ સરકારી નોકરી મળી શકી છે.

વાયબ્રન્ટ-2019ના પાર્ટનર GCCIના પ્રમુખ અને FIAના આંકડાઓ મુજબ, GST અને નોટબંધી બાદ ગુજરાતના ઉદ્યોગોમાં મંદીની વ્યાપક અસર થઈ છે. જેના કારણે 4 લાખ ઉદ્યોગોમાં 40 લાખ લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. આમ, રાજ્ય સરકારનો રોજગારી આપવાનો દાવો પણ ખોટો પડ્યો છે. ઓછાંમાં પુરુ GST અને નોટબંધીને કારણે રાજ્યના મધ્યમ કક્ષાના ઉદ્યાગો પડી ભાગ્યાં છે. જેનો સીધો સાદો મતલબ એ કે મોદી સરકારની નોટબંધી અને GSTથી વ્યાપાર જગતને ફાયદો થવાની જગ્યાએ નુકસાન થયું છે.

જ્યારે વાત કરવામાં આવે રાજ્યમાં BPL કાર્ડ ધારકોની તો આવા પરિવારોની સંખ્યા 26.19 લાખથી વધીને અધધ...31 લાખ થઈ ગઈ છે. જે ઓછી થવાની જગ્યાએ વધી ગઈ છે. એટલે મોદીનું 'ગુજરાત મોડેલ' અને ગુજરાતનું 'મોદી મોડેલ’ પોકળ સાબિત થયું છે. આ સિવાય રાજ્યના વેલ્યુ એડિશન અંગે કોંગ્રેસે જણાવ્યું કે, RBIના એક અહેવાલ મુજબ, ગુજરાત રાજ્યનું દેવું સતત વધતું જાય છે. હાલમાં ગુજરાત 2 લાખ 48 હજાર કરોડના દેવા સાથે સૌથી દેવાદાર રાજ્ય તરીકે આગળ વધી રહ્યું છે. એક દાવો છે કે, જે દેવું માર્ચ, 2019 સુધીમાં 3 લાખ 18 હજાર કરોડનું થઈ શકે છે.

Saturday, December 29, 2018

જસદણમાં ભાજપના કુંવરની જીત, જાણો વિગતે


2017ની વિધાસભા ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની જસદણ બેઠક પરથી કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયાની જીત થઈ હતી, હવે કુવરજીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા આ બેઠક ખાલી થઈ હતી. જેને લઈને ફરી આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુરુ કુંવરજીની જીત થઈ છે, જ્યારે તેમના જ ચેલા અવસર નાકિયાની હાર થઈ છે. 


ચૂટણીનો ઇતિહાસ અને મતદારો
જસદણ વિધાનસભા બેઠકની તમામ ચૂંટણીનો રસપ્રદ ઇતિહાસમાં 4 વખત અપક્ષ, 9 વખત કોંગ્રેસ અને ભાજપ માત્ર એક જ વાર પેટા ચૂંટણીમાં જીતેલું હતું. હવે કુંવરજીના ભાજપમાં આવ્યાં બાદ બીજી જીત નોંધાઈ છે. જસદણમાં 4 વખત ઇત્તર, બે વખત પટેલ અને 8 વખત કોળી ઉમેદવાર વિજેતા થયાં છે. મહત્વનું છે કે, સતત 6 ચૂંટણી જીતવાનો કુંવરજી બાવળીયાનો રેકોર્ડ છે.

પરિણામ પર વિશ્લેષણ...



મહત્ત્વનું છે કે, જસદણ પેટા ચૂંટણી માટે ભાજપે કુંવરજી બાવળીયાને મેદાનમાં ઉતારી કોળી કાર્ડ ખેલ્યું હતું, તો કોંગ્રેસે પણ કોળી કાર્ડ ખેલતા કુંવરજીના શિષ્ય ગણાતા અવસર નાકિયાને મેદાનમાં ઉતાર્યાં હતાં. જસદણ વિધાનસભા બેઠકમાં કુલ 105 જેટલા ગામ આવેલા છે. આ ગામમાં કુલ સાડા 3 લાખથી પણ વધુની વસ્તી છે. જસદણ બેઠક પર 2.30 લાખથી વધુ મતદારો છે. જેમાં 1 લાખ 21 હજાર પુરુષ મતદારો અને 1 લાખ 9 હાજર મહિલા નોંધાયેલાં હતાં.

જાતિગત સમીકરણ
જસદણ બેઠક પર કોળી અને પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. જસદણ બેઠક પર 93 હજાર કોળી મતદારો છે, જ્યારે પાટીદાર સમાજના 57 હજાર મતદારો છે. જેથી આ બેઠકના પરિણામ પર કોળી સમાજ અને પાટીદાર સમાજની અસર કરી હતી. જોકે કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક ઉપર કોંગ્રેસ પાટીદારોને એકઠાં કરવામાં લાગી હતી, કારણ કે કોળી સમાજ બાવળીયાથી નારાજ હતો, જો કોળી અને પટેલ મતદારો એક થાત તો કોંગ્રેસ માટે જસદણનો જંગ જીતવાના સમીકરણો બની શકતા હતાં.

જસદણમાં કોળી સમાજના 37% તેમજ પાટીદાર સમાજના 20% મત હતાં. જેથી અન્ય સમાજના મતદારો ખુબ જ નિર્ણાયક સાબિત થઈ શકતા હતાં. જે જસદણના રાજકારણનું અંક ગણિત બગાડી શકતા હતાં, પરંતુ આ બધાની વચ્ચે કુંવરજીની જીત થઈ હતી.

જસદણનો જવાબ: News Room Live... 

 

કુંવરજી બાવળિયાની રાજકીય સફર
વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા કુંવરજી બાવળિયાએ હવે ભાજપનો ખેસ ધારણ કરી દીધો છે. કુંવરજીનો 16 માર્ચ 1955ના રોજ રાજકોટ જિલ્લામાં થયો હતો. 63 વર્ષીય કુંવરજી બાવળીયા કોળી સમાજના અગ્રણી નેતા છે. કુંવરજીની કોળી સિવાય પટેલ સમુદાયમાં પણ સારી એવી ઓળખ છે. એક ખેડૂત અને શિક્ષક એવા કુંવરજી બાવળિયા એક સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. આ ઉપરાંત કુંવરજી સારા ખેડૂત, સમાજિક સેવક તરીકેની ઓળખ પણ ધરાવે છે. બાવળીયાનું શરૂઆતનું શિક્ષણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયું અને આગળના શિક્ષણ માટે તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં ગયાં.

કોળી સમુદાયનું સમર્થન ધરાવનાર બાવળીયાએ 1995થી 2007 સુધી જદસણથી કોંગ્રેસમાંથી ચૂંટણી જીતી હતી. બાવળીયા વર્ષ 2009માં રાજકોટથી સાંસદ તરીકે ચૂંટાયા અને સંસદમાં ગયાં. વર્ષ 2017માં કુંવરજી ફરી એકવાર જસદણ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં, પરંતુ સતત કોંગ્રેસથી નારાજ એવા બાવળીયાએ અંતે 2018માં પોતાના પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું, ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયાં હતાં. બાવળીયા જેવા ભાજપમાં જોડાયા કે તેમને રૂપાણી સરકારમાં કેબિનેટ પ્રધાન બનાવી દેવામાં આવ્યાં, હાલ કુંવરજી પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામીણ આવાસનું મંત્રાલય સંભાળી રહ્યા છે.

કોળી સમાજને સોરાષ્ટ્રની મોટી મતબેંક માનવામાં આવે છે, જ્યાં 2017ની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું હતું. હવે બાવળીયા ભાજપમાં જોડાયા છે. જેથી ભાજપ લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોળી સમાજના વોટ પોતાની તરફ ખેંચવાની મંશામાં છે. કુંવરજીની ઓળખ કોળી સમાજના મોટા નેતા તરીકે છે. કોળી સમાજની સૌરાષ્ટ્રનું સારુ એવું પ્રભુત્વ છે. આ સિવાય કુંવરજીનું 3 જેટલી લોકસભા બેઠકો ઉપર પ્રભુત્વ છે.

Wednesday, November 14, 2018

ભાજપ માટે નાક તો કોંગ્રેસ માટે શાખ બચાવવાનો સંઘર્ષ...

પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીને આગામી લોકસભાની સેમીફાઇનલ માનવામાં આવી રહી છે, ત્યારે મિઝોરમ અને તેલંગાણાને બાદ કરતા રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. આ ચૂંટણીઓમાં ત્રણ રાજ્યમાં ભાજપ એન્ટિ ઇન્કમ્બન્સીનો સામનો કરી રહ્યું છે, તો કોંગ્રેસ લાંબા વનવાસ બાદ સત્તાના શિખરો સર કરવા તૈયાર થઈ ગયું છે.


પાંચેય રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી કેન્દ્રમાં સત્તાધારી ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ માટે ખુબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે, કારણ કે આ ચૂંટણી આગામી લોકસભાની ચૂંટણીનો માહોલ ઊભો કરવામાં મોટી ભૂમિકા ભજવશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ સતત ચૂંટણી જીતતું આવ્યું છે. મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ૧૪ વર્ષથી મુખ્યપ્રધાન છે, તો છત્તીસગઢમાં રમનસિંહ સતત ૨૦૦૩થી CM પદ પર કાયમ છે. રાજસ્થાનમાં પણ ભાજપના વસુંધરા રાજેનું રાજ છે. આ પાંચ રાજ્યમાં માત્ર મિઝોરમમાં જ કોંગ્રેસની સરકાર છે, અહીં કોંગ્રસ સતત 3 ટર્મથી સત્તામાં હોવાથી એન્ટિ ઇન્કબંસીનો સામનો કરી રહી છે.

આમ તો આ પાંચેય રાજ્યની વિધાનસભા ચૂંટણી લોકસભાની સેમિફાઇનલ ગણવામાં આવે છે, પરંતુ ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે લોકસભામાં કોઇ એક પક્ષ બહુમતિ મેળવીને સત્તાસ્થાને બિરાજ્યો હોય અને ત્યારબાદ દેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં વિપક્ષની સરકાર રચાઇ હોય. આવો બનાવ જનતા પાર્ટીની સરકાર અને ઇન્દિરા-રાજીવ ગાંધીના શાસનકાળ દરમિયાન જોવા મળ્યાં છે. સામાન્ય રીતે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં લોકોના અભિપ્રાય જુદાં-જુદાં રહેતાં હોય છે. રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા વધારે મહત્ત્વના હોય છે, પરંતુ છેલ્લા કેટલાંક સમયથી જોવામાં આવી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ રાષ્ટ્રીય મુદ્દાઓ મહત્વના બન્યાં છે. તાજેતરની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો ધાર્મિક પ્રતિકોનો વધુ પડતો ઉપયોગ કરતા નજરે પડ્યાં છે. આમ, ચૂંટણીટાણે ધર્મ અને જાતિનો સહારો લેવો લોકશાહીની ભાવના વિરુદ્ધનો છે, પરંતુ હવે તો જાણે ચૂંટણીઓ ધર્મ અને જાતિના આધારે જ લડાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. 

ભાજપના કટ્ટર હિન્દુત્ત્વ સામે કોંગ્રેસે પણ સોફ્ટ હિન્દુત્ત્વ અપનાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને શિવભક્ત તરીકે રજૂ કરવામાં આવી રહ્યાં છે. રાહુલ પોતાના પ્રચારમાં રાજ્યકક્ષાના મુદ્દાઓને ખાસ સ્પર્શતા નથી,  તેમનું જોર PM મોદી ઉપર હુમલા કરવામાં વપરાય છે. ભલે કોંગ્રેસ વડાપ્રધાન મોદી ઉપર હુમલા કરવાનો એક પણ મોકો ચૂકતી ન હોય, પરંતુ અંદરખાને કોંગ્રેસને લાગે છે કે દેશની જનતામાં ક્યાંકને ક્યાંક મોદી મેજીક હજુ પણ યથાવત છે, જ્યાં સુધી મોદીની છબી ઝાંખી નહીં પડે ત્યાં સુધી ભાજપનો પરાજય મુશ્કેલ છે. 

તાજેતરમાં આવેલા ઓપીનિયન પોલમાં પણ દેશના લોકો વડાપ્રધાન તરીકેને મોદીને જ પસંદ કરતા જણાઈ રહ્યાં છે, તો બીજી તરફ વિપક્ષ મોદી વિરુદ્ધ જે મહાગઠબંધન રચવાની તૈયારીમાં છે, એ તો બનતા પહેલાં જ વિખેરાઇ ગયું છે. BSP સુપ્રીમો માયાવતી બગાવત કરતા નજરે પડે છે, તો ક્યાં SPના અખિલેશ કોંગ્રેસથી અંતર બનાવી રહ્યાં છે. હવે જોવાનું એ રહે છે કે, રાહુલની આગેવાની હેઠળની કોંગ્રેસ 5 રાજ્યની ચૂંટણીમાં કેવું પ્રદર્શન કરે છે, જો કોંગ્રેસનું પ્રદર્શન સારું રહેશે તો આગામી લોકસભા ચૂંટણી પહેલાં મોદી વિરૂદ્ધ મહાગઠબંધન રચાવાની શક્યતા વધી જશે. 

ચૂંટણી ભલે પાંચ રાજ્યોમાં હોય, પરંતુ મિઝોરમ અને રાજસ્થાનને બાદ કરતા બાકીના ત્રણ રાજ્યમાં હજુ પણ એ સ્પષ્ટ નથી કે કોનું લશ્કર કોની સામે લડી રહ્યું છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર છે, તો તેલંગણામાં KCRના રાજકીય કાવાદાવા વચ્ચે કોઈ ચિત્ર સ્પષ્ટ થતું નથી. એટલું નક્કી છે કે આ રાજ્યોમાં ભાજપ PM મોદીના ચહેરા સાથે જ ઉતરશે. આમ ગત લોકસભાની ચૂંટણી બાદ દેશના જે ખૂણે ચૂંટણી યોજાઇ છે, ત્યાં ભાજપ જ સત્તના સરતાજ સુધી પહોંચી છે. કર્ણાટકમાં ભલે સત્તા હાથ ન લાગી, પરંતુ સૌથી મોટી પાર્ટી બનવાનો શ્રેય પણ મોદીને જ જાય છે. એકંદરે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસની અગ્નિપરીક્ષા વધુ છે. ભાજપ પોતાની વિજયી છબીને બચાવવા માટે લડી રહ્યું છે, તો કોંગ્રેસ પોતાનું અસ્તિત્ત્વ બચાવવા માટે લડી રહી છે. હવે એ જોવું રહ્યું કે પાંચેય રાજ્યની જનતા કેવો જનાદેશ આપે છે. 

Tuesday, May 15, 2018

...જ્યારે કુમારસ્વામીએ સત્તા માટે પોતાના પિતાનું કહ્યું પણ માન્યું નહોતું



(Kumaraswamy) કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં અવ-નવા બદલાવો આવી રહ્યાં છે, ત્યારે કર્ણાટકમાં કોઈ પણ પક્ષને બહુમતી ન મળતા અને સરકાર બનાવવા તરફ વધી રહેલા ભાજપને રોકવા કોંગ્રેસે જેડીએસને સમર્થન આપ્યું છે. કોંગ્રેસે જેડીએસ સાથે ગઠબંધન જેડીએસના પ્રદેશ અધ્યક્ષ એચ ડી કુમારસ્વામીને મુખ્યપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જો નવા મુખ્યપ્રધાન તરીકે કુમારસ્વામી નક્કી થશે, તો કર્ણાટકમાં બે દિગ્ગજ નેતાઓ જે પૈકી સિદ્ધારમૈયા અને યેદિયુરપ્પાને પાછળ છોડી કુમારસ્વામી કર્ણાટકના નવા મુખ્યપ્રધાન બનશે.


તસવીરઃ- Google Photo

જાણો કોણ છે કુમારસ્વામી?
કર્ણાટકની ચૂંટણીમાં કિંગ મેકરની ભૂમિકા ભજવનાર કુમારસ્વામી જેડીએસના દિગ્ગજ નેતા અને ભારતના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગોડાના પુત્ર છે. કર્ણાટકમાં કુમારસ્વામીને 'કુમારાન્ના'ના હુલામણા નામથી ઓળખવામાં આવે છે. કુમારસ્વામીએ બેંગાલુરુની નેશનલ કોલેજમાંથી B.Scનો અભ્યાસ કર્યો છે. હાલમાં કુમારસ્વામી પોતાના પિતાની પાર્ટી જેડીએસના પ્રદેશ અધ્યક્ષ છે.

કુમારસ્વામી રામનગરમમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટણાઈ આવ્યાં છે. આ વખતે પણ કુમારસ્વામીએ બે વિધાનસભા બેઠક પૈકી રામનગરમ અને ચન્નાપટનાથી ચૂંટણી લડી હતી. કુમારસ્વામી પાસે 42 કરોડ 91 લાખ રૂપિયા જેટલી સંપત્તિ છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એચડી કુમારસ્વામી સૌથી અમીર ઉમેદવાર હતા.

અત્રે નોંધનીય છે કે, જેડીએસ નેતા એચડી કુમારસ્વામી આ પહેલા પણ મુખ્યપ્રધાન બની ચૂક્યા છે. તે વખતે તેઓએ ભાજપનો ટેકો લીધો હતો, પરંતુ હવે કોંગ્રેસના સમર્થનથી ફરી એકવાર કર્ણાટકના મુખ્યપ્રધાન બની શકે છે. ચૂંટણી દરમિયાન વારંવાર ચર્ચાઓ થતી હતી કે, તેઓ કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. કર્ણાટકના મૈસુર વિસ્તારમાં કુમારસ્વામીની રાજકીય પકડ ખૂબ મજબૂત હોવાનું માનવામાં આવે છે. તેઓને કર્ણાટકના મૈસુર, હાસન, મંડ્યા, તુમકુરૂ અને રાજધાની બેંગલુરૂની સરહદના વિસ્તારોમાં ખુબ જ મજબૂત નેતા માનવામાં આવે છે. કુમારસ્વામીના પત્ની રાધિકા પણ રાજકારણમાં સક્રિય છે.

તસવીરઃ- Google Photo

રાજકારણમાં કોઈ પોતાનું કે પરાયું હોતુ નથી, એમ કુમારાસ્વામીએ પણ સત્તા મેળવવા માટે પોતાના પિતા વિરૂદ્ધ ગયા હતા. તે વખતે કારણ હતું, તેઓએ પિતાના સાથી પક્ષ કોંગ્રેસનું સમર્થન કરવાને બદલે ભાજપ સાથે હાથ મિલાવી કર્ણાટકના CM બન્યાં હતાં.

એક રાજકીય પૃષ્ઠભૂમિ હોવાથી ફાયદો

કુમારસ્વામી પાસે રાજકીય પૃષ્ઠભૂમિ હોવાથી તેઓ મજબૂત નેતા છે. ઉપરાંત પિતા એચડી દેવગૌડા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રહી ચૂક્યાં છે. દેવગૌડા 40 હજાર મતથી રામનગરમાં છેલ્લી ચૂંટણી પણ જીતી ચૂક્યાં છે. આ સિવાય કુમારસ્વામીએ બહુમત વગર મુખ્યપ્રધાનની ખુરશી પર બિરાજી ચૂક્યાં છે.

કર્ણાટક રાજ્યની 224 બેઠકોની વિધાસનભામાં 222 બેઠક પર 12 મેના રોજ 72.13 ટકા મતદાન થયું હતું. જેમાં આર.આર. નગર સીટથી ચૂંટણીમાં ગોટાળાની ફરિયાદ બાદ મતદાન રોકી દેવામાં આવ્યું હતું. આ સિવાય જયનગર બેઠક પર ભાજપના ઉમેદવારનું નિધન થવાને કારણે મતદાન રદ કરવામાં આવ્યું હતું.

Saturday, March 24, 2018

વાંદરાના હાથમાં તલવાર, રાજ્યસભામાં એક પક્ષની બહુમતી દેશ માટે ખતરો?

રાજ્યસભાની ચૂંટણીમાં જબરસ્ત જીત બાદ યુપીના CM યોગી આદિત્યનાથે SP-BSP ગઠબંધનને અવસરવાદી ગઠબંધન ગણાવ્યું છે. યુપીમાં 10 રાજ્યસભાની બેઠક માટે શુક્રવારે મતદાન થયું હતું. જેમાં ભાજપના 8 ઉમેદવારોની જીત પક્કી હતી, પરંતુ ભાજપે અનિલ અગ્રવાલના રુપમાં 9મા ઉમેદવારને ઉતારી આ ચૂંટણીને વધારે રોચક બનાવી દીધી હતી. ભાજપે અમુક ધારાસભ્યોના ક્રોસ વોટિંગ મેળવી અનિલ અગ્રવાલને જીતાડી લીધા છે. જેથી BSPના ભીમરાવ આંબેડકરની હાર થઈ છે. 

તસવીરઃ- Google Photo

રાજ્યભાની ચૂંટણીમાં સૌની નજર ઉત્તર પ્રદેશ પર હતી. જેમાં યુપીમાં રાજ્યસભાની કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકોની જગ્યાએ 9 બેઠકો પર ભાજપે જીત મેળવતાં ફરી એકવાર અમિત શાહની કૂટનીતિ ભાજપ માટે રંગ લાવી છે. નોંધનીય છે કે, અગાઉ ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં કરારી હાર બાદ ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં SP-BSPને મોટો ફટકો આપ્યો છે. હવે BSPનો રાજ્યસભામાં એક પણ સાંસદ બચ્યો નથી. આમ, ભાજપે મોટો દાવ ખેલી રાજ્યસભામાં પણ પોતાના સભ્યોની સખ્યાંમાં સતત વધારો કર્યો છે.

હાલમાં ભાજપ ભારતીય ઈતિહાસમાં પહેલીવાર રાજ્યસભામાં સૌથી મોટો પક્ષ બની ગયો છે. છેલ્લા 38 વર્ષના ઈતિહાસમાં રાજ્યસભામાં ભાજપના પ્રથમવાર 72 સભ્યો થયા છે, જ્યારે દેશનો સૌથી જુનો અને મુખ્ય વિરોધ પક્ષનો ભાગ ભજવતો કોંગ્રેસ પક્ષ હવે 50 સભ્યોમાં સમેટાઈ ગયો છે. મહત્વનું છે કે, વર્ષ 1980માં ભાજપની સ્થાપના થઈ હતી. જેણે 2014માં લોકસભામાં પૂર્ણ બહુમત મેળવી સત્તા મેળવી હતી. 2014ની લોકોસભાના પરિણામોથી સમગ્ર દુનિયામાં  મોદીનો મેજિકની ચર્ચાઓ થઈ હતી. 

હવે વાત રાજ્યસભાની હાલમાં રાજ્યસભામાં કુલ 245 સભ્યો છે. રાજ્યસભામાં બહુમતી મેળવવા 126નો આંકડો જરૂરી છે. આમ તો ભાજપ હેઠળનું NDA ગઠબંધન હજી રાજ્યસભામાં બહુમતીથી દૂર છે, પરંતુ જેવી રીતે દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં એક પછી એક ભાજપની જીત થઈ રહી છે. તે એક વિચારવા જેવી બાબત છે. આવી જ રીતે આગામી સમયમાં પણ રાજ્યોની વિધાનસભા ભાજપના કબજામાં જતી રહી તો રાજ્યસભામાં પણ ભાજપને બહુમતી મળી શકે છે.

તસવીરઃ- Google Photo

એક હકીકત છે કે, રાજ્યસભામાં કોઈપણ પક્ષના સભ્યોની ત્યારે જ વધે જ્યારે દેશના વિવિધ રાજ્યોની વિધાનસભામાં જે તે પક્ષના ધારાસભ્યોમાં વધારો થાય. જેવી રીતે ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોમાં વધારો થતા રાજ્યસભા માટે 2 સભ્યો ચૂંટાયા છે. શુક્રવારે દેશના 7 રાજ્યોમાં રાજ્યસભાની 26 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં ભાજપને સૌથી વધારે 12 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને 5, TMCને 4, JDUને 1, SPને 1 અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિને 3 બેઠકો મળી છે. કુલ 17 રાજ્યોમાં રાજ્યસભાની કુલ 58 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 10 રાજ્યોમાં 33 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યાં છે. જેમાંથી ભાજપના કુલ 16 ઉમેદવારોની જીત થઈ છે. આમ કુલ 58 બેઠકોમાંથી ભાજપે 28 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસના હાથમાં 10 બેઠકો જ આવી છે.

સંસંદમાં રાજ્યસભાની 15 રાજ્યોની જુદી જુદી 58 બેઠકો ખાલી પડી હતી. જેમાં 10 રાજ્યોની 33 બેઠકો બિનહરીફ જ જાહેર થઈ છે. આ બિનહરીફ સભ્યોમાં ભાજપના સૌથી વધુ સભ્યો ચૂંટાયા છે. જે દેશની સંસદના લોકતંત્ર માટે ખતરા સમાન છે. કેમ કે ભાજપ વર્ષ 2014ની લોકભાની ચૂંટણી બાદ લોકસભામાં પૂર્ણ બહુમતી સાથે ઉભરી આવી હતી. હવે રાજ્યસભામાં પણ બહુમતી આવી જશે, તો ભાજપ ઈચ્છે તે જ થશે. જો કે, હાલ રાજ્યસભામાં ભાજપ પાસે 72 સભ્યો છે અને રાજ્યસભામાં બહુમતી મેળવવા કુલ 126 સભ્યોની જરૂર છે, એટલે કે ભાજપ હજુ બહુમતીથી 54 સભ્યો દૂર છે. રાજ્યસભામાં કોઈ સત્તા પક્ષની બહુમતી દેશ માટે ખતરા સમાન જ કહેવાય. કારણ કે, જો રાજ્યસભામાં સત્તા પક્ષને બહુમતી મળી તો સત્તાધારી પાર્ટી પોતાની ઈચ્છા મુજબ વિધાયક(બિલ) લાવી શકે છે, યા તો પોતાનાની મનમાની કરી વિવિધ ખરડાને મંજૂરી આપી કાયદા બનાવી શકે છે.

તસવીરઃ- Google Photo

હાલ દેશમાં લોકશાહીનું મંદિર ગાણાતી સંસદમાં સત્તાધારી પક્ષે તામમ પદો પર પોતની પાર્ટીના લોકોને બેસાડી દીધા છે. દેશના રાષ્ટ્રપતિ પણ ભાજપ સમર્થિત, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ પણ સત્તા પક્ષના નેતા અને લોકસભાના અધ્યક્ષ પણ સત્તા પક્ષના છે. આ સિવાય લોકસભામાં ભાજપની જંગી બહુમતી અને રાજ્યસભામાં ભાજપના સભ્યોમાં વધારો એ દેશની સંસદીય લોકશાહી માટે ખતરારૂપ છે. આમ, ભાજપને મળતી બહુમતી દેશ માટે કેવી સાબિત થાય છે, એ તો આવનાર સમય જ બતાવશે.   

Tuesday, March 20, 2018

ગુજરાતમાં જાતિવાદ બાદ કર્ણાટકમાં ધર્મવાદના સહારે "કોંગ્રેસ"

કોઈપણ ચૂંટણીમાં એક તરફ સમાજિક રાજનીતિ ખેલવામાં આવે છે, તો બીજી તરફ મંદિર પોલિટિક્સને પણ મુદ્દો બનાવાય છે. એક તરફ જાતિવાદથી લોકોને બહેકાવવામાં આવે છે, તો બીજી તરફ ધર્મવાદથી લોકોને ગર્વ કરાવી ભડકાવાવની કોશિશ કરાય છે. જેમ ગુજરાતમાં કોંગ્રેસે જાતિવાદનો મુદ્દો બનાવી લોકોને વિખૂટાં કર્યાં હતાં. તેમ ભાજપ પણ યુપી જેવા દેશના મોટાં રાજ્યમાં હિન્દુ ધર્મના નામે રાજકારણ ખેલતું હોય છે. આવી જ રીતે કર્ણાટકમાં પણ સિદ્ધારમૈયાએ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ધર્મવાદનું કાર્ડ ખેલ્યું છે.

તસવીરઃ- Google Photo

કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં 18 ટકા જેટલી વસ્તી ધરાવતા લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવા પર સમર્થન કર્યું છે. કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે લિંગાયત સમુદાયને પોતાના તરફ ખેચવા અલગ ધર્મનો દરજ્જો આપતા પ્રસ્તાવને મંજૂરી આપી છે. આમ, કોંગ્રેસે લિંગાયત સમુદાયની વોટબેંક ખરીદવા ધર્મવાદની રાજનીતિ અપનાવી છે. મહત્વનું છે કે, કર્ણાટકમાં ચાલું વર્ષે એટલે કે, વર્ષ 2018ના એપ્રિલ-મે માસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે કોંગ્રેસ કોઈપણ સંજોગોમાં હાર માનવા તૈયાર નથી. એક તરફ ત્રિપુરા-નાગાલેન્ડ-મેધાલયમાં ભાજપ અને તેના સાથી પક્ષોએ સત્તા મેળવી છે, માટે ચૂંટણી પહેલા જ કોંગ્રેસે કર્ણાટકના લોકોને પોતાના પક્ષમાં લાવવા રાજકીય માહોલ પેદા કરી દીધો છે. 

કર્ણાટકમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસ પોતાની સત્તા ટકાવી રાખવા સતત નવા પ્રયોગો કરી રહી છે, જ્યારે ભાજપ યદુરપ્પાના નેતૃત્વ હેઠળ ફરી એકવાર સત્તામાં આવવા ઘડમથલમાં છે. કર્ણાટકમાં અત્યાર સુધી રાહુલ ગાંધી 4 રાજકીય પ્રયોગ કરી ચૂંક્યું છે. જેમાં પ્રથમ પ્રયોગના ભાગરુપે રાજ્યના લિંગાયત સમુદાયને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરવામાં આવી રહી છે. હાલમાં સિદ્ધારમૈયા સરકારે લિંગાયતોની માંગને ધ્યાનમાં રાખી હાઈકોર્ટના એક નિવૃત જજ ન્યાયમૂર્તિ નાગામોહન દાસની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી. આ કમિટીએ લિંગાયત સમુદાયને અલ્પસંખ્યકનો દરજ્જો આપવા ભલામણ કરી હતી. આ ભલામણને રાજ્યના કેબિનેટમાંથી મંજૂરી પણ મળી ગઈ છે. સિદ્ધારમૈયા સરકારના આ નિર્ણયની અસર આગામી ચૂંટણી પર પડે તેવી સંભાવના છે. જેમ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનું સમર્થન કરી કોંગ્રેસ 80 બેઠક સુધી પહોંચી શકી હતી અને આજ પાટીદાર આંદોલનને લીધે આનંદીબેન પટેલને ગુજરાતના CM પદેથી નીચે ઉતરવાનો વારો આવ્યો હતો.

તસવીરઃ- Google Photo

કર્ણાટકમાં લિંગાયત સમુદાયની 18 ટકા જેટલી વસ્તી છે. તેથી જ તેઓ ચૂંટણીમાં કિંગમેકરની ભૂમિકા ભજવી શકે તેમ છે, પરંતુ ભાજપ કે કોંગ્રેસ ચૂંટણી સમયે જ કેમ આવા ગંદા રાજકારણનો સહારે લેશે. આ ગળે ઉતરતું નથી હો... ગુજરાતમાં જાતિવાદના નામે રાજકારણ ખેલાયું જેમાં કેટલાંય સમુદાયો આંતર વિરોધનો ભોગ બન્યાં હતાં. જે નેતા લોકોને ભેગા રાખી કામ કરે કે વિરોધ કરે તે જ સાચો નેતા છે. હાલના રાજકારણમાં તો લોકોને એક-બીજા સામે લડાવી રાજનીતિ કરવામાં આવી રહી છે. એક હકીકત છે, લોકો માને કે ન માને, પણ ગુજરાત ક્યારેય જાતિવાદ જેવા મુદ્દા પર નહોતું વિચારતું. લોકો પણ જાતિવાદ જેવા શબ્દનું નામો નિશાન જાણતા નહોતા, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસે જાતિવાદ જેવી નવી ગુલામીનો આરંભ કર્યો. જેના પડઘા હવે પડી રહ્યાં છે. આવું માત્ર કોંગ્રેસ જ નથી કરતી. ભાજપ પણ લોકોમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવે છે. જ્યારે પણ યુપીની વાત કરવામાં આવે કે તરત જ ભાજપ રામમંદિરના નવા વાયદોઓ શરૂ કરી દે છે અને થોડા સમય પૂરતી રાષ્ટ્રવાદની નીતિનો વેશ ધારણ કરી લે છે.

જોકે કોંગ્રેસની આ નવી રણનીતિએ ભાજપની ચિંતા વધારી દીધી છે. કર્ણાટકમાં કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લિંગાયત સમુદાયને હિન્દુઓથી અલગ એક નવી ધાર્મિક ઓળખ આપવા માટે સમર્થન કર્યું છે. મહત્વનું છે કે, કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ જેને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉતરવાની છે. તે યદુરપ્પા પણ લિંગાયત સમુદાયમાંથી જ આવે છે. કર્ણાટકમાં પણ કોંગ્રેસના રાહુલ ગાંધી લિંગાયત સમુદાયના પ્રભાવશાળી વિસ્તારની મુલાકાત લઈ રહ્યાં છે. જેના ભાગરુપે રાહુલ લિંગાયત સમુદાયના ધાર્મિક મઠની મુલાકાતે ગયા હતા. રાહુલની આ નવી રાજનીતિ કેટલી સફળ થાય છે, એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ માત્ર પોતાના સ્વાર્થ ખાતર તમે ગમે તે કરી નાંખો એ કેટલે અંશે યોગ્ય છે?


લિંગાયત સમુદાય અને તેમનું રાજકીય મહત્વ

કર્ણાટકનો આ લિંગાયત સમુદાય પહેલાં હિંદુ-વૈદિક ધર્મનું જ પાલન કરતો હતો, પરંતુ સમાજમાં રહેલા કેટલાંક કુરિવાજોને દૂર કરવા માટે લિંગાયત સંપ્રદાયની સ્થાપના થઈ હતી. ઈષુની 12મી સદીના સમાજ સુધારક બાસવન્નાએ લિંગાયત સમાજની સ્થાપના કરી હતી. હાલમાં લિંગાયત સમુદાય તેમને ભગવાન બાસવેશ્વરા તરીકે ઓળખે છે. આ બાસવન્નાનું કહેવું હતું કે, લોકોને તેમના જન્મ અનુસાર નહીં, પરંતુ કામના આધારે વર્ગીકૃત કરવામાં આવે. દેશમાં લિંગાયત સમાજ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. આ સમુદાયની કર્ણાટકમાં 18 ટકા જેટલી વસ્તી છે. આ સિવાય દેશના મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ લિંગાયતની વસ્તી છે.

લિંગાયત સમુદાય કેટલાંય વર્ષોથી પોતાને અલગ ધર્મ તરીકે સ્થાપવા માટે આંદોલન કરી રહ્યો છે. ઉપરાંત સિદ્ધારમૈયા પણ લિંગાયતોની માંગનું જાહેરમાં સમર્થન કરી રહ્યાં છે, માટે જ કર્ણાટકની ચૂંટણીમાં લિંગાયતોની મહત્વની ભૂમિકા છે. આમ તો લિંગાયત સમુદાયના મતદારો ભાજપ સાથે રહ્યાં છે, પરંતુ કોંગ્રેસે લિંગાયતોને અલગ ધર્મની માન્યતા આપીને ચૂંટણી સમયે જ મોટો દાવ ખેલ્યો છે.

તસવીરઃ- Google Photo

લિંગાયતોનું સમર્થન સત્તાની સીડી સમાન

લિંગાયતો ઉત્તરી કર્ણાટકની પ્રભાવશાળી જાતિઓમાં મોકાનું સ્થાન ધરાવે છે. આ સિવાય વોક્કાલિગા જાતિ પણ દક્ષિણી કર્ણાટકની એક પ્રભાવશાળી જાતિ છે. 17ના દશકા સુધી લિંગાયતો ખેતિહર જાતિ વોક્કાલિગાના લોકોને સમર્થન કરતા હતા, પરંતુ કર્ણાટકના વરિષ્ઠ રાજનેતા દેવરાજ ઉર્સે લિંગાયત અને વોક્કાલિગાના લોકોનું રાજકીય વર્ચસ્વ તોડી નાંખ્યું, ત્યાર બાદ દેવરાજ ઉર્સે અન્ય જાતિઓ, અલ્પસંખ્યકો અને દલિતોને એક મંચ પર લાવી વર્ષ 1972માં કર્ણાટકના CM બન્યાં હતા. આ સિવાય 80ના દશકામાં રામકૃષ્ણ હેગડેએ લિંગાયત સમાજનો વિશ્વાસ જીત્યો અને કર્ણાટકના CM પણ બન્યાં હતાં. બાદમાં હેગડેના અવસાન થયું અને બી.એસ.યેદિયુરપ્પા લિંગાયતોના નવા નેતા બન્યાં, પરંતુ વર્ષ 2013માં ભાજપે યેદિયુરપ્પાને CM પદથી હટાવ્યાં, તેથી લિંગાયત સમાજ ભાજપથી નારાજ થયો. જેથી તેઓએ ભાજપને વોટ પણ ન આપ્યો. પરિણામે કોંગ્રેસ ફરી એકવાર સત્તામાં આવી ગઈ હતી. હવે ભાજપ ફરીથી લિંગાયત સમાજમાં સારું એવું વર્ચસ્વ ધરાવતાં યેદિયુરપ્પાને આગામી ચૂંટણીમાં CM કેન્ડિડેટ તરીકે જાહેર કર્યાં છે, પરંતુ શુ લિંગાયત સમુદાય યેદિયુરપ્પાને સ્વીકારશે કે પછી કોંગ્રેસને ફરીવાર સત્તામાં લાવશે?

અત્રે નોંધનીય છે કે, વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશ પણ લિંગાયત પરંપરા સાથે જોડાયેલી હતી. જેની 5 સપ્ટેમ્બર 2017ના રોજ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

Friday, March 16, 2018

અવિશ્વાસ પ્રસ્તાવનું ગણિત અને ભાજપ


તેલુગૂ દેશમ પાર્ટી(TDP)એ ભાજપના નૈતૃત્વ હેઠળના NDA ગઠબંધનમાંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો છે. આ બાબતે TDPએ  NDA ગઠબંધનમાંથી મુક્ત થવાની જાહેરાત કરી દીધી છે. આ સિવાય TDPએ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં આપવાની બાબત પર અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પણ મોકલી દીધી છે. મહત્વનું છે કે, આ અગાઉ YSR કોંગ્રેસે પણ NDAમાંથી છેડો ફાડ્યો હતો.


તસવીરઃ- Google Photo
TDPના આ પ્રસ્તાવને AIADMKએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. આ બાબતે આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું કે, 'આંધ્ર પ્રદેશ સાથે અન્યાય કરનાર NDA ગઠબંધનને હવે અમે સમર્થન નહીં કરીએ.' ગત સપ્તાહે TDPએ કેન્દ્ર સરકારમાંથી બહાર થવાના નિર્ણય પર કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાતને ગંભીર રીતે નથી લઈ રહી. નોંધનીય છે કે, હમણાં જ UP-બિહારમાં લોકસભાની ત્રણ બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની કરારી હાર થઈ હતી અને હવે TDPના NDAમાંથી મુક્ત થવાના નિર્ણય પર ભાજપને બીજા મોટો ફટકો પડી શકે છે. 

અગાઉ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા બાબતે નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, જો આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાશે, તો બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિતના બીજા રાજ્યો પણ વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરશે. જેટલીના આ નિવેદન બાદ આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબૂ નાયડૂએ કેન્દ્ર સરકારમાં રહેલા પોતાના મંત્રીઓને રાજીનામું આપી દેવા કહ્યું હતું. આમ, TDPના બહાર જવાથી હવે મહારાષ્ટ્રમાં શિવસેના અને પંજાબમાં અકાલી દળ જેવા ભાજપના મહત્વપૂર્ણ સહયોગીઓ પણ NDA છોડી શકે છે. જોકે શિવસેનાએ તો NDAને છોડવાની વાત પણ કરી દીધી છે. મોદી સરકારે આંધ્રની વિશેષ દરજ્જાની માંગ પૂર્ણ ન કરતા NDAમાં મોટી તિરાડ પડી છે. NDA ગઠબંધનમાંથી છેડો ફાડતા TDPના નેતા ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું, જે પક્ષ વર્તમાન સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે, અમે તેમનું સમર્થન કરીશું અને રાજ્યના અધિકારો માટે જે પણ પક્ષ લડશે તેનું સમર્થન કરીશું.

તસવીરઃ- Google Photo
આવા સંજોગોમાં ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહને 19ની લોકસભા ચૂંટણી પહેલા જ મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે. કેમ કે, 2019ની લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ પહેલાથી જ TDP અને YSR કોંગ્રેસ પોતાની તરફ ખેંચવા કોશિશ કરી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં કરારી હારનો સામનો કરનાર કોંગ્રેસ આ બંને પક્ષોની શરતોને સ્વીકારી બંનેને પોતાના પક્ષમાં સમાવી શકે છે. આ સિવાય કોંગ્રેસ 19ની ચૂંટણીમાં પહેલા આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાના લોલીપોપ આપી પોતાના પક્ષમાં સમાવી શકે છે, જેવી રીતે કોંગ્રેસે ગુજરાતમાં પાટીદાર, ખેડૂતો અને દલિતોને લોલીપોપ આપ્યાં હતાં. એક તરફ કોંગ્રેસના એવા હાલ થઈ ગયાં છે કે, સત્તા મેળવવા કોંગ્રેસ ગમે તેવા પક્ષનું સમર્થન કરવા તૈયાર છે, તો બીજી તરફ નાના-નાના રાજકીય નિર્ણય ભાજપ માટે મુશ્કેલી સમાન સાબિત થઈ રહ્યાં છે. યૂપીમાં સપા-બસપાના ગઠબંધને ગોરખપુર જેવા ભાજપના ગઢમાં ગાબડું પાડી દીધું છે, તો ભાજપની કારમી હાર બાદ દેશમાં ભાજપ વિરૂદ્ધનું વાતાવરણ પેદા થઈ ગયું છે.

આપણે ત્યાં એક કહેવત છે કે, રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી હોતો, કે કોઈ કાયમી દુશ્મન પણ નથી હોતો. અત્યાર સુધી ભાજપ સાથે મિત્રતા નિભાવનારી TDPએ NDAમાંથી છેડો ફડી કેન્દ્ર સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી ફરી એકવાર આ કહેવતને સાચી ઠેરાવી છે, પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવથી મોદી સરકારને કોઈ જ ખતરો નથી. લોકસભામાં હાલ પાસે ભાજપ એકલા 274 સાંસદો છે, જ્યારે સત્તા માટેની જરૂરી બહુમતી 272 બેઠકની છે. જે ભાજપ પાસે એકલા હાથે છે.

તસવીરઃ- Google Photo

અવિશ્વાસ પ્રસ્તાવનું ગણિત

આ અવિશ્વાસ પ્રસ્તાવનો લોકસભા સચિવ ત્યારે જ સ્વીકારે, જ્યારે લોકસભામાં 50 જેટલા સાંસદ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરે. સંસદની કાર્યપ્રણાલી અંતર્ગત લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન YSR કોંગ્રેસના નેતાને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા કહેશે. જેમાં ઓછામાં ઓછા 50 સાંસદ ગૃહમાં ઉભા થઈને અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે. આ અવિશ્વાસ પ્રસ્તાવની પ્રક્રિયા માટે સંસદની કાર્યવાહી સુચારૂ રૂપે ચાલશે. આ કામગીરીમાં કોઈ પણ રાજકીય પક્ષ દખલ કરી શકશે નહીં.

હાલ લોકસભામાં 543 સભ્યો પૈકી 536 સાંસદ છે. જેમાં ભાજપ અને તેના સાથી પક્ષોના સભ્યો મળીને કુલ  329 સભ્યો છે. વર્તમાન સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની બહુમતી માટે -ગૃહના કુલ 536 સભ્યોમાંથી અડધા એટલે કે, 269 સાંસદના સમર્થનની જરૂર પડશે. આવા સંજાગોમાં ભાજપ પોતાની તાકાતથી જ સરકારમાં યથાવત રહી શકે છે. તેમ છતાં ગૃહમાં વર્તમાન સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ સ્વીકારી પણ લેવામાં આવે, તો પણ તે નિશ્ચિત રીતે ફગાવી દેવામાં આવશે. હાલ તો TDP અને YSR કોંગ્રેસ તમામ વિરોધ પક્ષોને અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરવાની માંગણી કરી રહ્યાં છે. આમ, વિરોધ પક્ષો અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થન પર લોકસભામાં મોદી સરકાર વિરૂદ્ધ વાક્યુદ્ધ પણ કરશે. કેન્દ્ર સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા કોંગ્રેસ, લેફ્ટીસ્ટ, NCP, તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સમર્થનની જરૂર પડશે, પરંતુ શું વિરોધ પક્ષો આ બાબતે સમર્થન કરશે ખરા? કારણ કે, જો આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જા મુદ્દે સમર્થન અપાશે, તો બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યો પણ વિશેષ દરજ્જાની માંગ ઉભી થશે. જેના પગલે કોંગ્રેસ અને સાથી પક્ષોની મુશ્કેલીમાં વધારો થશે.

UPની પેટાચૂંટણીમાં સપા-બસપાએ હાથ મિલાવ્યા બાદ એક વાત ચોક્કસ સ્પષ્ટ થાય છે કે, વિપક્ષો વર્તમાન સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે. જો આવું થયું તો આગામી લોકસભાની ચૂંટણી પહેલા જ વિરોધ પક્ષને એકજૂથ થવાનો અવસર મળી રહેશે. આમ, ભાજપ માટે મુશ્કેલીમાં વધારો થશે. કારણ કે, મહારાષ્ટ્રમાં ભાજપની સૌથી જુની સહયોગી પાર્ટી શિવસેના નારાજ છે, બિહારમાં ઉપેંન્દ્ર કુશવાહના નેતૃત્વ હેઠળની RLSP પણ ભાજપથી નારાજ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સિવાય જીતનરામ માંઝી પણ થોડા સમય પહેલા RJDના ગઠબંધનમાં શામેલ થઈ ચુક્યાં છે. જોકે સાથી પક્ષોની નારાજગી બાદ પણ ભાજપને લોકસભામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નથી, પરંતુ સાથી પક્ષોનું નારાજ થવું એ વિરોધ પક્ષોને બળ આપશે, માટે ભાજપે પોતાની ડૂબતી નાવને સમાયસર બચાવવી પડશે, નહિ તો 19ની ચૂંટણીમાં લાલકિલ્લાની ગાદી છીનવાઈ પણ શકે છે.

તસવીરઃ- Google Photo

Thursday, March 15, 2018

શું UP-બિહારનું પરિણામ ભાજપ માટે 'બુરે દિન'ની શરૂઆત?


 
હમણાં જ UP-બિહારની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયાં છે, ત્યારે આ પરિણામો વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પર અસર કરશે? શું આ પરિણામોનો પ્રભાવ 19ની લોકસભાની ચૂંટણી પર પડશે ખરો?, જે પણ થાય પણ એક વાત ચોક્કસ સાબિત થઈ છે કે, આ ચૂંટણીમાં જીત મેળવનારા પક્ષમાં ઉર્જા જરૂર પેદા થઈ છે, તો બીજી તરફ ચૂંટણીમાં હારનો સામનો કરનાર ભાજપની ચિંતા સતત વધારો થયો છે. આ બંને રાજ્યોની પેટાચૂંટણીના પરિણામો કદાચ વિપક્ષો માટે મહત્વના સાબિત થઈ શકે છે.
તસવીરઃ- Google Photo
ઉત્તરપ્રદેશમાં ગોરખપુર અને ફૂલપુર લોકસભા ભાજપને કરારી હારનો સામનો કરવો પડ્યો છે. જેથી ભાજપની ચિંતાઓ વધી ગઈ છે. યુપીમાં સપા અને બસપાએ ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. એક હકીકત મુજબ, વિરોધી પક્ષોએ યુપીના CM યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના મત વિસ્તારમાં ભાજપની શાખને તોડી નાંખી છે. આમ, યુપીની જનતાએ પેટાચૂંટણીમાં ભાજપને જાકારો આપ્યો છે. યુપીમાં ગોરખપુર-ફૂલપુર સિવાય બિહારની અરરિયા લોકસભા બેઠક અને જહાનાબાદ અને ભભુઆ વિધાનસભા બેઠકના પરિણામો પણ આવ્યાં છે. આ પરિણામો ભાજપા અને JDU માટે ઓછા આઘાતજનક રહ્યાં છે. બિહારના પરિણામથી પર ભાજપ-JDU સંતોષ વ્યક્ત કરી શકે છે, પરંતુ તેઓ વિરોધી પક્ષોના વોટની વધતી જતી ટકાવારીને નજરઅંદાજ કરી શકશે નહીં. બીજી એક હકીકત મુજબ હાલ બિહારમાં લાલુ યાદવ જેલમાં હોવા છતાં લાલુનો પ્રભાવ યથાવત રહ્યો છે. આથી લાગી રહ્યું છે કે, બિહારમાં જાતિના રાજકારણ આગળ ભ્રષ્ટાચારનો મુદ્દો નાનો સાબિત થયો છે.

ભાજપ ભલે બિહારની પેટાચૂંટણીના પરિણામોની ખુશ હોય પણ યુપીના પરિણામોને નજરઅંદાજ ક્યારેય નહીં કરી શકે. કારણ કે યુપીમાં વિપક્ષોએ એકજૂથ થઈ ભાજપને પરચો બતાવી દીધો છે. આ પરિણામો ભાજપ પર ભારે પણ પડી શકે છે. આ સિવાય ગોરખપુર-ફૂલપુરની પેટાચૂંટણીમાં મતદાન પણ ઓછું થયું હતું. આમ, મતદાનની ઓછી ટકાવારીએ પણ ભાજપને નુકશાન પહોંચાડ્યું છે. હવે પ્રશ્ન એ થાય છે કે, ભાજપ પોતે લોકોને મતદાન માટે કેમ ઉત્સાહિત કરી ન શકયું?

તસવીરઃ- Google Photo
યુપીમાં ભાજપની કારમી હાર અને બિહારમાં અરરિયામાં RJDની ઉલ્લેખનીય જીત બાદ ભાજપ અને JDUની ચિંતામાં વધારો થયો છે. આમ, વર્ષ 2019ની પૂર્વ તૈયારી કરતાં કોંગ્રેસના સોનિયા ગાંધીએ 12થી વધુ પક્ષને સાથે લીધા છે. જો કે હાલમાં તમામ વિપક્ષ પોતાના નેતા, નીતિ અને વિચારની બાબતમાં સ્પષ્ટ દેખાતા નથી, પરંતુ વિપક્ષ એકજૂથ થયાં તો, ભાજપને પોતાની જીત યથાવત રાખવામાં મુશ્કેલી પડી શકે છે. પેટાચૂંટણીઓમાં દરેક મતદાનકર્તા સરકાર ગઠનના ઈરાદાથી મતદાન નથી કરતો, પરંતુ ભાજપ મતદાતાઓને નજરઅંદાજ પણ કરી શકે તેમ નથી. 

વર્ષ 1989થી ભાજપનો ગઢ ગણાતી યોગીની ગોરખપુર બેઠક ભાજપે ગુમાવી છે. દેશમાં સૌથી વધુ લોકસભાની બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં મહત્વની અને પ્રતિષ્ઠાના જંગ ગણાતી આ બે બેઠકો ગુમાવતા ભાજપ પર ચિંતાના વાદળો ગેરાયા છે. 19ની લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજકીય નિષ્ણાંતો આ પરિણામને ટ્રેલર માની રહ્યાં હતાં. સૌથી મહત્વની ગણાતી ગોરખપુર બેઠકમાં વર્ષ 1989થી સતત યોગી આદિત્યનાથ સાંસદ તરીકે ચૂંટાતા આવ્યાં છે, પરંતુ યુપીમાં યોગીને મુખ્યમંત્રી બનાવાતા આ બેઠક ખાલી પડી હતી. જેની પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં સપા અને બસપાએ એક સાથે મળી સપાના પ્રવીણ નિશાદને ઉમેદવાર બનાવ્યાં હતાં. આમ, બસપાએ સપાને ટેકો આપ્યો હતો. પેટાચૂંટણીમાં સપાના પ્રવીણ નિશાદની સામે ભાજપે ઉપેન્દ્ર દત્ત શુક્લાને ટિકિટ આપી હતી. ચૂંટણીમાં સપાના પ્રવીણ નિશાદે ભાજપને હરાવી ભાજપના ગઢમાં ગાંબડૂ પાડ્યું છે.

તસવીરઃ- Google Photo
યુપી અને બિહારની પેટાચૂંટણીમાં PM મોદી અને યોગી સહિતના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો હતો. તેમ છતાં અહીં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. જીત પર વિપક્ષ કહે છે કે, આ જીતથી મોદી સરકારના અંતની શરૂઆત થઈ ગઈ છે, તો બીજી તરફ આ જીતથી સપા અને બસપાના કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ છે. આ જીત પર અખિલેશે કહ્યું કે, ભાજપમાં ઘમંડ આવી ગયું છે, ભાજપના બુરે દિન માટે જનતા એક થઈ ગઈ છે, લોકોએ સપા-બસપાને સાપ-વીંછી કહેનારાઓનું ઘમંડ ઉતાર્યું છે. ભાજપની હાર થતા તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીએ ટ્વિટ કરતા કહ્યું કે, આ તો માત્ર શરૃઆત છે, હવે મોદી સરકારનો અંત નિશ્ચિત છે. આ સિવાય NDA સાથે છેડો ફાડવાની વાત કરનાર શિવસેનાએ જણાવ્યું કે, ભગવાન શ્રી રામ હવે ભાજપ સાથે ક્રોધીત છે, તે આ પરિણામો પરથી પુરવાર થયું છે.

કહેવાય છે કે, દેશમાં હવા બદલાઈ રહી છે, ભાજપથી દેશના લોકો નારાજ છે. આ પરિણામો પર રાજકીય નિષ્ણાંતો માની રહ્યાં છે કે, ભાજપને યુપીમાં આપણે જીત મેળવીશું તેવો વધુ પડતો આત્મવિશ્વાસ હતો, જેના લીધે ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. યુપીમાં ભાજપની હારનું સૌથી મોટું કોઈ કારણ હોય, તો તે ગોરખપુરની હોસ્પિટલમાં મોતને ભેટતાં બાળકો છે. અહીં સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા 60થી વધુ બાળકોના મોત થયાં હતા. બાળકોના મોત બાદ લોકોમાં સરકાર પ્રત્યે ભારે ગુસ્સો જોવા મળ્યો હતો, તો બીજી તરફ આ ઘટના બાદ પણ યોગી આદિત્યનાથ અને તેમના મંત્રીઓ વિવાદીત નિવેદનો કર્યાં હતાં. જેની ગોરખપુર વિસ્તારમાં મોટી અસર થઈ હતી. ઉપરાંત બન્ને બેઠકો પર સપા-બસપાનું ગઠબંધન પણ ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થયું હતું. હવે લોકોની નજર વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પર છે. કહેવાય છે કે, દેશના લાલ કિલ્લાની ગાદી યુપીની લોકસભાની બેઠકો જ નક્કી કરે છે.

તસવીરઃ- Google Photo

Wednesday, March 14, 2018

ગૃહમાં ગુંડાગર્દી, ગુજરાતની અસ્મિતાનું ચીરહરણ



દેશમાં ગુજરાતને કલંકિત કરનારી ઘટના બની છે. પ્રજાએ રાજ્યનો વહીવટ કરવા ચૂંટલા ધારાસભ્યો ગૃહમાં જ લડ્યાં અને અપશબ્દો બોલી ગુજરાતની આસ્મિતાનું ચીરહરણ કર્યું છે. આ ધારાસભ્યોમાં સભ્યાતા નામની કોઈ ચીજ હોય છે, એવું પણ યાદ રહ્યું નહિને ગૃહમાં જ ગાળાગાળી કરવા લાગી ગયાં હતાં. યાર.....શરમ આવે છે, આવા નેતાઓને વિધાનસભામાં મોકલીને.

તસવીરઃ- Google Photo
નેતાના નામે કલંકરૂપ શખ્સોએ આજે ગુજરાતનું નાક કાપી નાખ્યું છે. કહેવાતા નેતાઓએ વિધાનસભાના ગૃહમાં લોકશાહીને લાંછન લગાડ્યું છે. વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસના સભ્યોએ ગલીના ગુંડાઓને પણ શરમ આવે તેવી રીતે બેલ્ટ અને માઈકથી મારા-મારી કરી નેતાઓને મળેલા ગુંડાઓના બિરૂદને સાર્થક કર્યું છે.


આખરે વિધાનસભામાં થયું શું?


જુઓ વીડિયો......

આજે એટલે કે, 14 માર્ચ, 2018 બુધવારના રોજ વિધાનસભામાં સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને નિકોલના ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે છુટા હાથની મારામારી પર ઉતરી આવ્યાં હતાં. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત ગૃહમાં રહેલું માઈક તોડી ભાજપના જગદીશ પંચાલને માઈક માર્યું હતું. જેમાં જગદીશ પંચાલને સામાન્ય ઈજા પણ થઈ હતી. આ ઘટના બાદ ગૃહમાં થયેલા હોબાળામાં વિધાનસભાની લાંબીમાં પણ મારામારીના કેટલાંક દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

વિધાનસભાની સૌથી કલંકિત ઘટના બાદ ગૃહને જ મોકૂફ રાખવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં બીજીવાર આવી ઘટના ઘટી છે. આ ઘટનાના દિલ્હી સુધી પડઘા પડ્યા છે. આજ સુધીના ઈતિહાસમાં ક્યારેય ન જોઈ હોય તેવી અને તે પણ એક વિધાનસભામાં લાઈવ મારામારી જોવા મળી છે. સમગ્ર ઘટનાને ગુજરાતની 6 કરોડ પ્રજાએ જોઈ છે. આ ઘટનાને પગલે શરૂઆતમાં વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર, વિક્રમ માડમને એક દિવસ માટે અને પ્રતાપ દૂધાતને સમગ્ર સત્ર સુધી સસ્પેન્ડ કરી દેવાયા હતાં. ઘટના બાદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આકરા પગલાં ભરતાં કોંગ્રેસના પ્રતાપ દુધાત અને અમરીશ ડેરને 3 વર્ષ માટે સસ્પેંડ કર્યા છે, જ્યારે બળદેવજી ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેંડ કર્યાં છે. આ સમગ્ર મામલે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ગાંધીના ગુજરાતમાં શબ્દોથી નહીં, પણ હુમલા પર આવી જાય એ કોઈ કાળે ચલાવી લેવામાં નહી આવે. આ ઘટનાએ દેશભરમાં ગુજરાતને બદનામ કર્યું છે.

ગુજરાત વિધાનસભામાં ગૃહની કામગીરી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમને સવાલ ન પૂછવા દેવાતા આ મામલો વણસ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કોંગ્રેસના પ્રતાપ દૂધાત અને ભાજપના જગદીશ પંચાલ વચ્ચે છૂટાહાથે મારામારી થઈ હતી.
સૌજન્યઃ- સંદેશ ન્યૂઝ
આસારામના મુદ્દે થઈ મારામારી

વિધાનસભા ગૃહમાં 14 માર્ચ, 2018 બુધવારના રોજ સવારથી ઉગ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. કોંગ્રેસે ગૃહમાં આસારામના આશ્રમમાં દીપેશ-અભિષેક નામના બાળકોના મોત પર અહેવાલ જાહેર કરવા માંગ કરી હતી. જેમાં ભાજપે વિચારણા કરી નિર્ણય લેવાશે, તેવી રજૂઆત કરી હતી, બાદમાં કોંગ્રેસે સવાલો કર્યાં હતાં. કોંગ્રેસ તરફતી સવાલ કરવા ઉભા થયેલા વિક્રમ માડમને રોકવામાં આવ્યાં હતાં. આથી કોંગ્રેસના ધારાસભ્યો રોષે ભરાયા હતા. જેમાં જગદીશ પંચાલ અને પ્રતાપ દૂધાત બાખડી પડ્યા હતા, ત્યાર બાદ કોંગ્રેસ-ભાજપના ધારાસભ્યો વચ્ચે બેલ્ટ અને માઈક વડે મારામારી થતાં ગૃહ થોડીવાર માટે લડાઈનો અખાડો બની ગયું હતું.