Showing posts with label gujrati. Show all posts
Showing posts with label gujrati. Show all posts

Monday, February 17, 2020

રંગ બદલતું ગુજરાત...




આપણું નવું દિવાળીએ પણ ઉજવણી 31

રંગ બદલતું ગુજરાત...શું તમે આ ગુજરાત જોયું? વીડિયો પુરો જોવા વિનંતી

ગોધરાકાંડ ફાઈનલ રિપોર્ટ, તાત્કાલીન મોદી સરકાર પર સવાલો કરનાર 3 અધિકારી નકારાત્મક

વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6માં આગ લાગયા બાદ રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં, ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિધાનસભા ગૃહમાં 9 વોલ્યુમ, 2500થી વધુ પેજ અને 44 હજારથી વધુ એફિડેવિટ સાથેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કમિટી દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં થયેલા તોફાનો કોઈ પૂર્વઆયોજિત કાવતરું નહોતું, તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સાથીઓને ક્લીનચીટ અપાઈ છે. ગોધારાકાંડમાં રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓને કોઈ સંડોવણી નથી. આ રિપોર્ટમાં પૂર્વ પ્રધાન હરેન પંડ્યા, ભરત બારોટ અને અશોક ભટ્ટના સંદર્ભમાં જે આક્ષેપ કરાયા હતા. તે તમામને પણ ક્લીનચીટ અપાઈ છે. જો કે, તાપસ પંચના તારણોમાં ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક ગણાઈ છે. જેમાં રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમાર નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યા છે. રિપોર્ટના તારણો વાચ્યાં પછી લાગ્યું કે, આ ત્રણ અધિકારી કોણ છે? ઘણી બધી જગ્યાએ વાચ્યાં પછી લગ્યું કે, આ અધિકારીઓ વિશે વાત કરવી જોઈએ, જી...હા આ એજ અધિકારી છે જેમણે તાત્કાલીન મોદી સરકાર પર સવાલો કર્યા હતાં.

જ્યારે મોદીના 'ગુડમેન' સંજીવે જ મોદીને તોફાનો માટે જવાબદાર ઠેરવ્યા



સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા. જેઓ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા હતાં. ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને હાલ જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે. 2002ના હુલ્લડની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાંવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ સંજીવ ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી હતી. IITમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કેડરના આઈપીએસ હતા. એક સમયે નરેન્દ્ર મોદીના 'ગુડમેન' અધિકારી તરીકે ઓળખાતા સંજીવે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા હતાં. 2011માં સંજીવ ભટ્ટે એક ઍફિડેવિટમાં કહ્યું હતું કે, ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે, હિંદુઓને આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ. જોકે, આ અંગે મોદી સરકારે કહ્યું હતું કે, સંજીવ ભટ્ટ આ બેઠકમાં હાજર જ નહોતા, જેના કોઈ સાક્ષી કે પુરાવા પણ નથી. સતત નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને લઈને ચર્ચામાં રહ્યા હતાં. આમ, સસ્પેન્ડેડ IPS અધિકારી સંજીવ ભટ્ટે પણ કમિશન સમક્ષ ઍફિડેવિટ કરીને નરેન્દ્ર મોદીને તોફાનો માટે જવાબદાર ઠેરવ્યા હતા.

જ્યારે આર.બી. શ્રીકુમારે નાણાંવટી કમિશાન પર સવાલો કર્યા



1971ની બેચના IPS અધિકારી આર.બી. શ્રીકુમાર રાજ્યના ભૂતપૂર્વ પોલીસ વડા રહ્યાં. તેઓએ ગુજરાત રમખાણોના કેસમાં 9 સોગંદનામા દાખલ કર્યા હતા. જ્યારે રાજ્યમાં ગોધરા કાંડની ઘટનાઓ બની હતી ત્યારે શ્રીકુમાર રાજ્યની ગુપ્તચર શાખાના વડા હતા. તેઓએ નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનો ફોન ટેપ કરવાનો આદેશ આપ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આર. બી. શ્રીકુમારે ગુજરાત હાઈકોર્ટમાં એક પીલ દાખલ કરીને નાણાંવટી કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી હતી. નાણાંવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ 25 સપ્ટેમ્બર, 2009ના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર શ્રીકુમારે સવાલો કરતા કહ્યું હતું કે, નિયમને આધારે કોઈ પણ કમિશનનો રિપોર્ટ 6 મહિનાની અંદર વિધાનસભામાં એક્શન ટેકન રિપોર્ટની સાથે રજૂ કરવાનો હોય છે, પરંતુ સરકારે બહુ મોંડુ કર્યું છે. શ્રીકુમારનો આરોપ હતો કે, પીડીતોને આ કમિશનથી ઘણી આશાઓ હતી, પરંતુ લોકોને કંઈ જ મળ્યું નથી. નાણાંવટી કમિશન સમક્ષ આર. બી. શ્રીકુમારે એક સોગંદનામુ રજૂ કર્યું હતું. એ વખતે શ્રીકુમાર ઇન્ટેલિજન્સ બ્યૂરોના ચીફ તરીકે ફરજ બજાવતા હતા અને ત્યારે તેમણે તોફાનોને લગતી માહિતી વિશે સરકારને જાણ કરી હતી.

જ્યારે રાહુલ શર્માએ મોટો પુરાવા તરીકે ફોન-કોલ્સની સીડી રજૂ કરી



રાહુલ શર્મા 1992ની બેચના IPS અધિકારી હતાં. 2002માં થયેલા રમખાણમાં ભાવનગરના DSP તરીકે રાહુલ શર્માએ તોફાનીઓ દેખાય ત્યાં ઠાર મારવાનો આદેશ આપ્યો હતો. જોકે IPS અધિકારી રાહુલ શર્માનો આ આદેશ તત્કાલીન ગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફિયાને પસંદ ન આવ્યો. એટલે શર્માની અમદાવાદમાં બદલી કરી દેવામાં આવી હતી. શર્મા તોફાનમાં માલ-મિલ્કત અથવા માણસ ગુમાવ્યો હોય અને ફરિયાદ ન નોંધાઈ હોય તેવા લોકોને બોલાવી બોલાવીને ફરિયાદ નોંધવા લાગ્યા હતાં. એટલે અમદાવાદ પોલીસ કમિશનરે તેમને કંટ્રોલરૂમમાં ખસેડી ક્રાઈમ બ્રાન્ચની મદદમાં મૂકી દીધા હતા. 2002માં ગુજરાતમાં મોબાઇલ ટેલિફોનની સુવિધા આપતી બે જ કંપનીઓ હતી. રાહુલે આ બંને મોબાઇલ કંપનીઓને કહ્યું હતું કે, 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના તમામ મોબાઈલ ધારકોની કોલ્સ ડિટેઇલ આપો. રાહુલ શર્માને મોબાઇલ કંપની દ્વારા જે કોલ ડિટેઇલ્સ આપવામાં આવી તે એક મોટો પુરાવો સાબિત થવાનો હતો. ગોધરાકાંડની તપાસ કરી રહેલા જસ્ટિસ નાણાંવટી સામેની જુબાનીમાં રાહુલ શર્માએ એ દિવસની ફોન-કોલ્સની સીડી રજૂ કરી હતી. જો કે, નાણાંવટી પંચમાં ગુજરાત સરકારે રાહુલ શર્માની સીડીનો વિરોધ કર્યો હતો, ત્યારે તોફાનની તપાસમાં માટે નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે રાહુલ શર્માની સીડીને પુરાવા રૂપે ગણી હતી, પરંતુ આજે આ ત્રણેય IPS અધિકારીને નકારાત્મ ગણવામાં આવ્યાં છે. આમ, મોદી સરકારના વિરોધી અને સરકાર પર સવાલો કરનાર અધિકારીઓની ભૂમિકા પર હવે સવાલો થઈ રહ્યાં છે.

સંદર્ભ
- ગોધરાકાંડનું અધૂરુ સત્ય, પ્રશાંત દયાળ
- ગુજરાત ફાઈલ્સ, રાના અયુબ
- પદડા પાછળનું ગુજરાત, આર.બી. શ્રીકુમાર

વિજયભાઈ સંતાકુકડીના દૂધપાકી સાબિત થયા

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થયાના CCTV સામે આવ્યા અને વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાની વાત કરી ગાંધીનગરમાં આંદોલન કર્યું. આ વિરોધ પ્રદર્શન જોઈ 1973માં વિદ્યાર્થીઓે છાત્રાલયના ભોજન શુલ્કમાં વધારો પર હડતાલ કરી હતી. બાદમાં આ ગુજરાત યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણો થઇ જેનાથી સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી આંદોલનો શરૂ થયા હતાં. આમ, અન્યાય સામે અવાજ ઉઠાવવા વિદ્યાર્થીઓ મજબૂરીવશ મેદાને ચડ્યા છે. આવા ઐતિહાસિક આંદોલનોમાં વિદ્યાર્થીઓ ફળો મહત્વનો રહ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓએ આગળ આવવું પડશે.



સામન્ય રીતે રાજકારણથી અગળા રહેતા અને ક્યાંક સરકારની હા..માં હા...ભરતા ગુજરાતી યુવકો હવે મેદાને ચડ્યા છે. સરકારી પરીક્ષાઓ જે કૌભાંડો થયા છે એ મહેનતું વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખતરો છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી આ જૂવાળ હતો જે હવે બહાર આવ્યો છે. વાક સરકારનો છે, કારણ કે પરીક્ષામાં થતો ભ્રષ્ટાચાર અને લાગવાગીયાઓના સંતોનોનું કલ્યાણ સરકાર રોકી શકી નથી. જેથી મહેનતું વિદ્યાર્થીઓને મોટું નુકશાન થયું છે.

એક વિદ્યાર્થીના દિલની વાત કરીએ તો સમજાય કે, સરકારી પરીક્ષાઓની તૈયારી કેવી રીતે થાય છે. મને યાદ જ્યારે એક સમયે હું પણ GPSCના ભૂતને માથે લઈ સતત રાત-દિ એક કરી ફરતો હતો અને સળવારે તો મળ્યું શૂન્ય. અમારા શિક્ષકો અમને કહેતાં તનતોડ મહેનત કર, માતા-પિતા હંમેશા ગર્વ રહેતો કે છોકરો તૈયારી કરે છે, પણ જ્યારે પરીક્ષાની ઘડીઓ આવતી ત્યારે અમારી તનતોડ મહેનત આગળ લાગવગીયાઓના ઠોઠ છોરા 15-20-25 લાખમાં અધિકારી બની ગયાં.

રાત-દિ એક કરી મહેનત કરતું આ યુવાધન આજે કલાકો સુધી રસ્તા પર આવી ગયું છે, એની પાછળનું સૌથી મોટું કારણ નબળી સરકાર જ છે. સાહેબ આપણને જે ગુજરાતી ભાષા પર ગર્વ છે એ ગુજરાતી ભાષાના પેપરમાં અઢળક વિદ્યાર્થીઓ ફેલ થાય છે. આજે ગણ ગામડાંની શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચતા નથી આવડતું. આ બીજા કોઈ નહીં આપણા પનોતા પુત્ર વડાપ્રધાન મોદીની જ દેન છે. એમના સમયમાં છોકરુ શાળામાં હાજર રહ્યું હોય કે, ન રહ્યું હોય.....એને પાસ જ કરવાનું. ગુણોત્સવની મસ મોટી ફોગટી ઈવેન્ટ ઉભી કરી શિક્ષણના ધજારગા ઉડાવી દીધા અને પછી મોદીના ગુજરાત મોડેલની ધૂરા રૂપાણી સાહેબના હાથમાં આવી. ભાષણમાં "મારૂ એવું માનવું છે કે" એમ કહી લોકોને પારણે મનાવનારા વિજયભાઈ સંતાકુકડીના દૂધપાકી સાબિત થયા છે.

Saturday, May 4, 2019

ગુજરાત સ્થાપના દિન, જાણો આજનું ગુજરાત

જય જય ગરવી ગુજરાત, ઊંચી તુજ સુંદર જાત, ઉત્તરમાં અંબા માં, પૂર્વમાં કાળી માં, તો સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ...જય જય ગરવી ગુજરાત.

ગુજરાત પોતાની સંસ્‍કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ ધરાવે છે. પુરાણોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતું આજનું ગુજરાત ગરવું ગુજરાત બન્યું છે. સમ્રાટ અશોકના શિલાલેખથી લઈ અડીખમ ગિરનારે દરેક ગુજરાતીને ગૌરવ આપ્યો છે. મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતમાં સુવર્ણકાળ કહેવાયો, સોરઠની ચારણ કન્યાનું ખમીર અને નર્મદનો દાંડિયો સામજીક જીવનના પ્રતીક બન્યાં. આ મારું ગુજરાત મહેમાનગતિ, વેપારી, ગુજ્જુ ગરબા અને ગુજરાતી થાળીથી વખણાય છે. એક તરફ 1600 કિમીનો દરિયો તો બીજી તરફ કચ્છનું રણ...


ગુજરાતની મધ્યમાં સાબરમતીના કિનારે વસેલું આશાવલ અને કર્ણાવતી અર્વાચીન યુગમાં અમદાવાદ તરીકે ઓળખાયું. હાલનું અમદવાદ સાબરમતી રિવરફન્ટ અને કાંકરિયા તળાવ માટે જાણીતું છે, તો રંગીલા અને મોજીલા રાજકોટવાસીઓ આજે પણ બપોરે ધંધા-રોજગાર બંધ કરી 2થી 4 મોજથી સુએ છે. 1964-65માં ગુજરાતની નવી રાજધાની તરીકે ગાંધીનગર નવેસરથી વસાવાયું. જે આજે ગ્રીન અને ગીફ્ટમાં પરિવર્તિત થયું છે. ગાયકવાડમાં ગવાયેલું વ્યવહારું વડોદરા હાલ ભાખરવડી અને નવરાત્રિ માટે જાણીતું છે. લોકમાતા નર્મદાની વચોવચ અડિધમ ઉભેલી સરદારની પ્રતિમા, એકતાનું પ્રતીક બની છે, તો સોરઠનો સાવજ અને કાઠીયાવાડી ડાયરો સોરઠીપ્રજાનું થમીર છે. દેશ-દુનિયામાં ગુજરાત અને ગુજરાતી લોકોને માન આપનાર  નરેન્દ્ર મોદી તો કેમ કરી ભૂલાય...

ભૂજિયા ડુંગરની તળેટીમાં આવેલું અને 500 વર્ષ પુરાણું નગર એટલે ભૂજ. વાંકીચૂકી ગલીઓવાળા ભુજમાં કચ્‍છીકલાનો શિખર એટલે આયના મહેલ. ભારતનાં પાંચ સરોવરોનું નારાયણ સરોવર વૈષ્‍ણવધર્મનું યાત્રાધામ છે. માંડવીનો દરિયાકિનારો નયનરમ્‍ય નૈસર્ગિક સૌંદર્ય ધરાવે છે, તો વિજય વિલાસનો વિલાસ ચૌતરફો ફેલાયો છે. 4500 વર્ષ જૂનું ધોળાવીરા એક સમયે ભવ્‍ય નગર હતું, તો સતત વ્યસ્ત કંડલા બંદર, કચ્‍છનું અર્વાચીન બંદર કહેવાયું છે. મચ્‍છુ હોનારતથી હેરાન થયેલું મોરબી આજે ઘડિયાળ અને ટાઇલ્સથી જાણીતું બન્યું છે.

સોરઠના દરિયાકિનારે આવેલું પોરબંદર, મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ અને કૃષ્ણભક્ત સુદામાની કર્મભૂમિ કહેવાય છે. ગિરનારની છાયામાં વિસ્‍તરેલું નગર જૂનાગઢ, એક સમયે ભક્ત નરસિંહ મહેતાની નગરી ગણાતું હતું. 600 મીટરની ઊંચાઈ ધરાવતા ગિરનાર સુધી પહોંચવા દસ હજાર પગથિયાં ચડવાં પડે છે. ગીરની તળેટીથી સમુદ્ર સુધી વિસ્‍તરેલું સાસણ-ગીરનું જંગલ સિંહો માટે જાણીતું બન્યું છે. ભારતના પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. દરિયાકિનારે આવેલું સોમનાથ 17 વખત લૂંટાયું અને બંધાતું રહ્યું. 1950માં સોમનાથ કામ શરૂ કરવામાં સરદાર પટેલનો સિંહ ફાળો રહ્યો. આ મંદિરની નજીકમાં ભગવાન શ્રીકૃષ્‍ણને પારધીએ તીર માર્યું જેના પરિણામ સ્વરૂપ ભાલકાતીર્થ જાણીતું બન્યું. હિન્‍દુધર્મના ચાર યાત્રાધામો પૈકીનું એક એટલે દ્વારકા. 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર પાંચ માળ અને 60 સ્‍તંભો ધરાવે છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા, ચામુંડાદેવીના મંદિર માટે જાણીતું છે. અહીં તરણેતરનો મેળો જગવિખ્યાત છે.

દક્ષિ‍‍ણના દરિયાકાંઠે દાંડીમાં ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું અને સવિનય કાનૂન ભંગ કર્યો, જેથી બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી. તાપી નદીના કિનારે વસેલું સુરત એક સમયે પશ્ચિમ ભારતનું બંદર હતું. એમ કહેવાય છે કે, અહીં દેશ-પરદેશનાં વહાણો પર 84 બંદરના વાવટા ફરકતા હતાં. આજે ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું સુરત 1994માં પ્‍લેગની બિમારીથી ‘ગંદામાં ગંદું શહેર‘ કહેવાયું. જોકે માત્ર બે વર્ષના ગાળામાં સુરતે પોતાનું કલંક ભૂંસી નાખ્‍યું અને ભારતનું 'સ્‍વચ્‍છ શહેર' બન્યું. મોગલ સમયમાં સુરત ‘મક્કા બંદર‘, ‘મક્કાબારી‘ અને ‘બાબુલ મક્કા‘ તરીકે પણ ઓળખાયું, તો વલસાડનું પરું બની ગયેલું તીથલ, આજે દરિયાકિનારનું હવા ખાવાનું સ્‍થળ બન્યું છે, જ્યાં સાંઈબાબાનું મંદિર છે.

ઉત્તર સરહદે આરાસુર ડુંગર પર આવેલું અંબાજી મંદિર ભાદરવી મેળાથી જગવિખ્યાત બન્યું. હાલમાં હિટ સિટીથી જાણીતું ઈડર, ક્યારેક એવો ગઢ ગણાતો કે, એ જીત્યા બાદ‘ઈડરિયો ગઢ જીત્‍યા‘ એવી લોકોક્તિ પ્રચલિત હતી. નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગર, શિલ્‍પકળા અને વાસ્‍તુકળા માટેનું પ્રતીક હતું. જ્યારે તાનસેનમાં દીપક રાગથી અગ્નિને જન્મી ત્યારે અહીંની તાના-રીરી એમ બે બહેનોએ મલ્‍હાર રાગ છેડી અગ્નિ શમાવી દીધેલી. સરસ્‍વતી નદીના તટે વસેલું પાટણ એક વખતે ગુજરાતની રાજધાની હતું. અણહિલપુરથી જાણીતા પાટણમાં સહસ્‍ત્રલિંગ તળાવના અવશેષો અને સ્‍થાપત્‍યની ભવ્‍યતાનું દર્શન કરાવતી રાણકી વાવ સુવિખ્‍યાત છે, તો ભારતમાં બે માત્ર સૂર્યમંદિરોમાંનું એક મોઢેરાનું સુર્યમંદિર ભીમદેવના સમયમાં બંધાયું હતું.

જ્યાં 2001ના ભૂકંપ અને 2002ના ગોધરાકાંડ બાદ ઉભું થયેલું મારું ગુજરાત આજે વિકાસના વિવિધ પાસાઓ સાથે દેશ અને દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરવામાં તત્પર રહ્યું છે. તો આ હતી મારા ગુજરાતની વૈવિધતા,

જય જય ગરવી ગુજરાત...

Wednesday, June 6, 2018

પાઠ્યપુસ્તક મંડળની ભૂલો અને ગુજરાતી વિષયનું નીચું પરિણામ...


ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના ધોરણ-12ના અંગ્રેજી માધ્યમના સંસ્કૃત વિષયના પુસ્તકમાં "રામે સીતાનું હરણ કર્યું" હોવાની ગંભીર ભૂલ જોવા મળી હતી. આ મોટી ભૂલને સુધાર્યાં બાદ વિવાદ શાંત થયો છે, ત્યારે હવે ધોરણ-10ના ગુજરાતી વિષયના પુસ્તકમાં ‘ચાંદલિયો’ લોકગીત જ ખોટું છપાયું હોવાની વિગતો સામે આવી છે.

ગુજરાતી વિષયના પુસ્તકમાં ‘ચાંદલિયો’ લોકગીત જ ખોટું છે. ખાસ વાત એ છે કે, આ ભૂલ યુક્ત ‘ચાંદલિયો’ લોકગીતમાંથી જ તાજેતરમાં લેવાયેલી ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં એક વૈકલ્પિક પ્રશ્ન પૂછાયો હતો. જેના ચારેય વિકલ્યો ખોટા દર્શાવવામાં આવ્યાં હતાં. આ પુસ્તકમાં ‘ચાંદલિયો’ લોકગીતની એક પંક્તિમાં એવું લખાયું છે કે,

‘જેઠ મારો ચાંપલિયાનો છોડ જો, દેરાણી ચાંપલિયા કેરી પાંદડી,
નણંદ મારી વાડી માયલી વેલ્ય જો, નણદોઇ મારો વાડી માયલો મોરલો’,

આ ખોટી પંક્તિમાં મહત્ત્વની વાત એ છે કે, લોકગીતની આખી પંક્તિ જ ખોટી છપાઈ છે. આ અંગે ગુજરાતી ભાષાના નિષ્ણાંતોના મુજબ, આ ખોટી પંક્તિની જગ્યાએ ખરેખર સાચી પંક્તિમાં કંઈક લખવું સાચું ગણાય,

‘જેઠ મારો અષાઢિલો મેઘ જો, જેઠાણી ઝબૂકે વાદળ વીજળી,
 દેર મારો ચાંપલિયાનો છોડ જો, દેરાણી ચાંપલિયા કેરી પાંદડી’

આમ, પાઠ્યપુસ્તક મંડળ દ્વારા લોકગીત છાપવામાં વચ્ચેની પંક્તિઓ ખાઈ ગ્યાં છે. આશ્ચર્ય તો ત્યારે થાય જ્યારે બોર્ડના એક્સપર્ટ શિક્ષકોએ જે પેપર કાઢ્યું હતું. તેમાં પણ ભૂલ ભરેલા લોકગીતમાંથી જ પ્રશ્ન પૂછાયો હતો. આ પ્રશ્નના તમામ વિકલ્પ ખોટા દર્શાવાયા હતા. હાલમાં તો રાજ્યમાં ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે. જેમાં ગુજરાતી વિષયમાં એક લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયાં છે. આ બાબતે પાઠ્યપુસ્તક મંડળ કહે છે કે, પુસ્તકની નવી આવૃત્તિમાં આનો સુધારો કરી દેવાયો છે. આ અંગે પરીક્ષા સચિવનું કહેવું છે કે, એક જેવા સાચા જવાબો આવતા હોય, તેમાં પરીક્ષા બોર્ડ દ્વારા ગુણ આપી દેવાયા છે.

સીતાનું અપહરણ કોણે કર્યું? 

ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના ધોરણ-12ના સંસ્કૃત વિષયના પુસ્તકમાં છાપવામાં આવ્યું છે કે, સીતાનું હરણ રાવણે નહી પણ ભાગવાન શ્રીરામે કર્યું હતું!

Pic courtesy: @Indiatoday

‘Introduction to Sanskrit Literature’ નામના પુસ્તકમાં પાના નંબર-106 ઉપરના એક ફકરામાં લખ્યું છે કે, ‘કવિએ રામના પાત્રનું સુંદર આલેખન કર્યું છે. ‘રામે’ કરેલા સીતાના અપહરણની હૃદયસ્પર્શી રજૂઆત લક્ષ્મણે રામને કરી છે.’ આ પુસ્તકમાં આ પ્રકારની અસંખ્ય ભૂલો જોવા મળે છે. આ ભૂલનો શિકાર માત્ર અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ જ બન્યાં છે, કારણ કે ગુજરાતી માધ્યમના સંસ્કૃત પુસ્તકમાં કાલિદાસે લખેલી ‘રઘુવંશમ’નો ફકરો સાચો જ છપાયો છે.

નોંધનીય છે કે, વર્ષ 2014માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ‘એરર ટેરર’ નામનું એક ભાષા સુધારો અભિયાન ચલાવ્યું હતું. જેમાં ધોરણ-6થી ધોરણ-8ના પુસ્તકોમાંની ભૂલો શોધી કાઢી હતી. જેમ કે, ‘જાપાને અમેરિકા પર ન્યૂક્લિયર બોમ્બ ફેંક્યો હતો’ અને ‘કૂતુબ મિનાર શહેરનું નામ છે.’ આ અંગે GCERTને તાત્કાલિક ભૂલો સુધારી આ પુસ્તકોની 3 જેટલી સુધારેલી આવૃત્તિ બહાર પાડી હતી.

ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયનું પરિણામ

ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, ત્યારે આ વખતે ગુજરાતી માધ્યમના 1,06678 વિદ્યાર્થી ગુજરાતી પ્રથમ ભાષાના વિષયમાં નાપાસ થયા છે. એટલે કે દર વર્ષની જેમ આ વખતે પણ એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં નાપાસ થયાં છે. આ સિવાય પરિણામની પરિણામમાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં પણ સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ થયા છે.

એક તારણ મુજબ, ગુજરાતમાં ધોરણ-10ની પરીક્ષામાં દર વર્ષે લગભગ 2 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જ નાપાસ થાય છે, ગુજરાતી વિષયની 6,99,646 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,92,968 વિદ્યાર્થી પાસ થયા છે. આમ, 84.75 ટકા પરિણામ આવ્યું છે.

નોંધનીય છે કે, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ મોટી સંખ્યામાં નાપાસ હોવાથી સરકારે ગુજરાતી ભાષાને સ્કૂલ-કોલેજમાં ફરજિયાત કર્યો છે. તેમ છતાં ગજુરાતી વિષયમાં 1 લાખથી વધુ વિદ્યાર્થી નાપાસ થયા છે.

Sunday, November 13, 2016

તસવીર:-કલ્પેશ મકવાણા

"છાસનું સ્ટેડ કે સ્ટેન્ડ"

Sunday, April 3, 2016

ભાષાની મજા...

તસવીર:-કલ્પેશ મકવાણા

 " કાયદેસ...કે  કાયદેસર "