Wednesday, July 3, 2019

માનવીને કદાચ સરહદ નડી શકે, પરંતુ સંવેદના નહીં

હાલમાં એક તસવીર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીર મેક્સિકોના ઓસ્કાર અલ્બર્ટો રેમિરેઝ અને 23 મહિનાની બાળકી વલેરિયા છે. અમેરિકામાં શરણ લેવા એક પિતા પોતાની પુત્રીને પીઠ પર બેસાડી નદી પાર કરાવી રહ્યો હતો. જેની ઝંખના હતી કે, હું અને મારી પરી (દિકરી) અમેરિકાના ટેક્સાસ પહોંચી જઈએ, પરંતુ અધવચ્ચે જ નદીના વહેણમાં ડૂબી ગયા.  નદીકાંઠે તેમના મૃતદેહ જોવા મળ્યાં. આ અંગેની એક તસવીર સોશિયલ મીડિયા ખુબ જ વાયરલ થઈ છે. જેને સમગ્ર વિશ્વને હચમાચાવી નાખ્યું છે. આ તસવીર નાનામાં નાના વ્યક્તિની સંવેદના સાથે જોડાઈ છે.

સૌજન્યઃ જુલિયા લિ ડક (મહિલા પત્રકાર)
આ તસવીરમાં 23 મહિનાની પુત્રીનું માથુ પિતાના ટી-શર્ટમાં છે. જેનો એક હાથ પિતાના ગળા સાથે વિંટળાયેલો છે. કહેવાય છે કે, એક તરવીર હજારો શબ્દો કહે છે, પરંતુ તસવીરને મહેસૂસ કરવા માટે આપણી સંવેદના પણ ઓછી પડી જાય એવી છે. આ પિતા-પુત્રીનું મોત આપણને આશ્રય મેળવવા માટે કપરી યાતનાઓની વાત દર્શાવે છે. ઓસ્કારે પુત્રીને પોતાના ટી-શર્ટમાં ગોઠવી પીઠ પર બેસાડી નદી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નદીના તોફાની મોજામાં બંને તણાયા અને ઓસ્કારની પત્ની પોતાની આંખોની સામે બંને ડૂબતાં જોતી જ રહી ગઇ. કરે તો શું કરે? 

ખરેખર ધન્ય છે આ તસવીરને કેદ કરનાર એ ફોટોગ્રાફરને. જેને મોત પછી પણ પિતા-પુત્રીના પ્રેમની સંવેદના-કરૂણા સમગ્ર વિશ્વમાં ફેલાવી દીધી. આ તસવીર જુલિયા લિ ડક નામની એક મહિલા પત્રકારે પોતાના કેમેરામાં કેદ કરી હતી. આમ, અમિરેકા જવાની લાય રાખવારા લોકો માટે એક વાત જાણવી જરૂરી છે કે, અમેરિકા-મેક્સિકો વચ્ચે નિરાશ્રિતોની સ્થિતિ બદથી બદતર બનતી જઈ રહી છે. જેની પ્રતીતિ કરાવતી આ તસવીરે આખી દુનિયાને હચમચાવી નાખી છે. આ તસવીર પરથી એક વાત સાબિત થાય છે કે, કોઈ માનવીને કદાચ દેશની સરહદ નડી શકે, પરંતુ કરૂણતારૂપી સંવેદનાવે કોઈ પણ પ્રકારની સરહદો નડતી નથી. આ તસવીરે સમગ્ર દુનિયાના લોકોને એક સૂત્રમાં જોડ્યાં છે. માત્ર એક તસવીર આખા વિશ્વને એક લાગણી સાથે જોડે છે. અહીં પિતાનો પુત્રી પ્રત્યેનો પ્રેમ એવી રીતે છતો થાય છે કે, એક પુત્રીની ખુશી માટે એક બાપ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. 

Sunday, May 26, 2019

4 લાખ ગુજરાતીએ ઉમેદવારોને કર્યા નાપસંદ, આદિવાસી વિસ્તારમાં NOTAને વધુ મત

દેશમાં ભાજપ પૂર્ણ બહુમતિ સાથે સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે 2014ની લોકસભા ચૂંટણીની જેમ 2019માં પણ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. આ 26 બેઠક પર યોજાયેલી ચૂંટણી દરમિયાન ગુજરાતના મુખ્ય ચાર શહેર અમદાવાદ, વડાદરા, રાજકોટ અને સુરત કરતા આદિવાસી વિસ્તારોમાં NOTAમાં વધુ મત પડ્યા હતા. 


ગુજરાતની કુલ 26 બેઠકો પર કુલ 3, 96, 570 મત નોટામાં પડ્યા હતા. જેમાંથી આદિવાસી વિસ્તાર ધરાવતા બારડોલીમાં 22, 914, છોટાઉદેપુરમાં 32, 868, દાહોદમાં 30, 987 અને વલસાડમાં 19, 307 મળીને કુલ 1, 06, 076 મત નોટામાં પડ્યા હતા. જ્યારે બીજી તરફ ચાર મુખ્ય શહેર અમદાવાદ (પૂર્વ)-8, 813, અમદાવાદ(પશ્ચિમ)- 14, 719, રાજકોટ-18, 318, સુરત-10, 532 અને વડોદરા-16, 796 મળી કુલ 69, 178 મત નોટામાં પડ્યા હતા.

ચાર મુખ્ય શહેર અને આદિવાસી વિસ્તાર સિવાય ગાંધીનગર લોકસભા બેઠકનું પરિણામ જોવામાં આવે તો આ બેઠકમાં 14, 214 મત નોટામાં પડ્યા હતા. જ્યારે ભાજપના નવનિર્વાચીન સાંસદ અમિત શાહને 8, 88, 210 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાને 3, 33, 642 મત મળ્યા છે. આ સિવાયના તમામ 15 ઉમેદવારોને 7 હજાર કરતા પણ ઓછા મત મળ્યા છે. આ બેઠકમાં સૌથી ઓછા મત અપક્ષ ઉમેદવાર ખોડા દેસાઈને માત્ર 687 મત મળ્યા છે.

Tuesday, May 14, 2019

બદલાતું 'Time'નું કવરપેજ, પણ ન બદલાઈ Modi's Image

વૈશ્વિક મેગેઝીન 'Time'એ પોતાના 20 મેના અંકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કવર પેજ પર જગ્યા આપી છે. જોકે, સમય સાથે બદલાતા 'Time' મેગેઝીનને આ વખતે નરેન્દ્ર મોદી માટેનો બદલાતો રિવ્યુ પ્રકાશિત કર્યો છે. 'Time'એ મોદીને કવર પેજ પર સ્થાન તો આપ્યું જ છે. જેની સાથે એક વિવાદીત ટેગલાઈન પણ રાખી છે. મેગેઝીને મોદીને "India's Divider in Chief"  એટલે કે, ભારતના ભાગલા પાડનાર વડા'. આજે આપણે એવી વાત કરીશું...જ્યાં વિવાદો વચ્ચે મોદીની લોકપ્રિયતામાં વધારો થયો. 'Time'નું કવર પેજ નરેન્દ્ર મોદી માટે દરેક વખતે લોકપ્રિયતાનું સાધન બન્યું છે. નરેન્દ્ર મોદી એક એવા ભારતીય છે, જેમને આંતરરાષ્ટ્રીય 'Time' મેગેઝીને 3 વખત જગ્યા આપી છે. આ પહેલાં પણ ટાઈમ મેગેઝીને માર્ચ-2012, મે 2015 અને હવે મે 2019માં પોતાના કવર પેજ પર જગ્યા આપી છે.



2012માં 'Modi Means Business, But Can He Lead India?'
2012માં TIME મેગેઝીને મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે પ્રથમ વખત છાપ્યાં હતાં. કહેવાય છે કે, આ સમયે મોદીને ભારતમાં પ્રતિષ્ઠીત કરવાનો મેગેઝીને પ્રયાસ કર્યો હતો. કવર પર જ Modi Means Business, But Can He Lead India? ટાઈટલ છપાયું હતું. એટલે કે મોદી એક સારા બિઝનેસમેન અને અર્થશાસ્ત્રી છે. આ ટાઈટલથી મોદીની લોકપ્રિયતા વધી હતી. એ વખતે લખાયું હતું કે, મોદી ભારતના ઉચ્ચ પદે પહોંચશે. મેગેઝીને પોતાની કવર સ્ટોરીમાં મોદીને એક વિવાદાસ્પદ નેતા અને ચતુષ્કોણીય રાજકારણી હોવાનું લખ્યું હતું. 

આ લેખના એક ફોટો પર ટેગ લાઈન હતી. જેમાં "દિલ્હી પર ડિઝાઇન: મોદી ભારતના આગામી વડાપ્રધાન બનવાના પ્રબળ દાવેદાર..... આટલું જ નહીં આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, "મોદીની કાર્યશૈલીની ક્ષમતા દિલ્હીમાં બેઠેલી UPA સરકારની ઊંઘ ઉડાવી દેશે." એટલે કે, 2012માં ટાઇમ મેગેઝીને મોદીને આત્મનિર્ભર માણસ તરીકે વર્ણવ્યા હતાં. ગુજરાતના CM તરીકે મોદીની લોકપ્રિયતા તો હતી જ, પણ TIMEના કવરપેજ પર આવ્યાં બાદ મોદી ગુજરાતના એક મુખ્યમંત્રી નહીં પણ દેશના જાણીતા નેતા બની ગયાં. કેટલાક લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે, યુવાનોમાં મોદીની લોકપ્રિયતા વધાવાનું સૌથી મોટું કારણ TIME અને કેટલાક વિદેશી મીડિયાનું મોદી પરનું વધારે પડતું કવરેજ હતું. જે કવરેજથી માત્ર ભારત જ નહીં પણ વિદેશોમાં ભારત દેશ કરતા મોદીની લોકપ્રિયતા વધી ગઈ. UPA સરકાર અને મનમોહનથી થાકી ગયેલી દેશની જનતાને મોદીમાં આગામી વડાપ્રધાન દેખાવા લાગ્યાં. જેથી દેશમાં મોદીની સતત લોકપ્રિયતા વધતી ગઈ. આ સમયમાં જ કેટલાંક વિદેશી મીડિયાએ 2002ના ગોધરાકાંડ અંગે મોદીની આલોચના કરી. આ આલોચનામાં પણ મોદીની તો પબ્લિસીટી જ થઈ, હા...એ નેગિટીવ હતી, પણ લોકોની આંખોમાં મોદીની એક તસવીર બની. જે સમય જતા આગામી PMમાં બદલાઈ ગઈ.   

2015માં 'WHY MODI MATTERS'
TIMEએ મે 2015માં ફરી એકવાર નરેન્દ્ર મોદીને સ્થાન આપ્યું. જ્યારે વડાપ્રધાન તરીકે મોદીએ એક વર્ષ પૂર્ણ કર્યું હતું. એ વખતે મેગેઝીન મોદીનો ઈન્ટરવ્યું લીધો અને ઈન્ટરવ્યું આપવામાં મોદી કેટલા પાકા છે એ આપણાં બધાને સારી એવી રીતે ખબર છે. એ સમયે કવર પેજ પર 'WHY MODI MATTERS'ની ટેગલાઈન રાખવામાં આવી. આપણને બધાને ખબર જ છે કે, વડાપ્રધાન બન્યા બાદ મોદીએ ઘણાં વિદેશ પ્રવાસ કર્યાં, જેથી મોદીએ ભારતની સાથે સાથે પોતાની એક વૈશ્વિક ઈમેજ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો. 

TIMEએ લીધેલા ઈન્ટરવ્યુમાં મોદીએ ભારતના અમેરિકા અને ચીન સાથેના સંબંધો વિશે અને દેશના વૈશ્વિક આર્થિક વિકાસ વિશે વાતો કરી. આજ ઇન્ટરવ્યુંમાં મોદીએ વિશ્વ શાંતિ અને આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો. આમ, 2015માં TIMEનું કવરેજ મોદીને ફળ્યું, આ સમયે જ મોદીએ વિશ્વશાંતિ પર વાત કરી ત્યાં કેટલાક મીડિયાએ મોદીને 2002ના ગોધરકાંડ અંગે આકરી ટીકા કરી. આ ટીકા પણ મોદીને ફળી અને મોદીની એક વડાપ્રધાન તરીકેની ગ્લોબલ ઈમેજ ઉભી થઈ. એક તારણ છે કે, જ્યારે જ્યારે ગોધરાકાંડ મુદ્દે મોદીની ટીકા થઈ ત્યારે ત્યારે મોદીની લોકપ્રિયતામાં વધારો થયો. એ સમયે ગોધરકાંડ મુદ્દે ગુજરાતમાં રહેતા મુસ્લિમોના ઈન્ટરવ્યું લેવાયા. જેમાં મોદીની ટીકા થવાને બદલે પ્રસંશા થઈ. આ બાબત કોઈ માને કે ન માને પણ વરવી વાસ્તવિકતા હતી. જોકે હું ગોધરાકાંડમાં ગુજરાતના CM તરીકે મોદીને જવાબદાર માનું છું. જેઓ હિંસા ન રોકી શક્યાં. હા....એ વાત ચોક્કસ છે કે, દરેક વખતે હિંસાની શરૂઆત મુસ્લિમો દ્વારા થઈ પણ એનો અંત હિન્દુઓએ કર્યો. જે સૌથી વધુ ખરાબ હતો.     

હવે 2019માં મોદી-"India's Divider in Chief"
હવે મેગેઝીને લોકસભા ચૂંટણી 2019 દરમિયાન અને છેલ્લાં પાંચ વર્ષના મોદી સરકારના કામકાજ પર સ્ટોરી કરી છે. જેમાં મોદીને "India's Divider in Chief" એટલે ભારતના મુખ્ય ભાગલા પાડનાર. આ લેખમાં લખાયું છે કે, મોદીને હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભાઈચારાની ભાવના વધારવામાં કોઈ ઈચ્છા નથી. એટલે કે મોદીએ ભારતમાં ધાર્મિક રાષ્ટ્રવાદનું વાતાવરણ ઉભુ કર્યું છે. હવે જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે અને ગણતરીના દિવસોમાં તેના પરિણામ પણ આવવાના છે, ત્યારે ફરી ટાઈમ મેગેઝીન મોદીને કવર પેજ પર સ્થાન આપી મોદીની લોકપ્રિયતામાં વધારો કર્યો છે. તમને લાગે કે આ વખતે તો નેગેટિવ બાબતો લખાઈ છે. જી...હા...એ વાત સાચી પણ મોદીને દરેક વખતે નેગેટિવ પબ્લિસીટી ફળી છે. 

રહી વાત મોદીના રાજીવ ગાંધીવાળા નિવેદનની તો મોટા કલાકાર તરીકે મોદીને એ સારી રીતે આવડે છે કે, મીડિયાને કેવી રીતે મુદ્દાઓથી ભટકાવવું. તમે જોયું હશે, જ્યાં ઉત્તર ભારત સિવાયના રાજ્યમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે મોદીએ સ્થાનિક મુદ્દાઓ સાથે પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપી. મોદીને ખબર હતી કે, જો હું ઉત્તર ભારતમાં પ્રચાર રણનીતિ સાથે મુદ્દાઓને નહીં બદલું તો લોકો નજરઅંદાજ કરશે. મીડિયા દ્વારા થતી મારી ટીકા લોકોમાં ઘર કરી જશે. આ માટે જ મોદીએ રાજીવ ગાંધીવાળું નિવેદન આપ્યું. પછી આપણા મીડિયા શું ચલાવ્યું.....1985ના શીખ દંગા અને 2002નો ગોધરાકાંડ. જેથી માડિયા મુળ મુદ્દાથી ભટકી ગયું અને મોદીને પબ્લિસીટી મળવાની ચાલું થઈ ગઈ...Timeની સ્ટોરીમાં શું છે? ભલે ટાઈટલ મોદીની ટીકા કરતું રાખ્યું હોય પણ નોટબંધી અને GSTને તો ઐતિહાસીક નિર્ણયો જ ગણાવ્યાં છે. મોદીને ખબર હતી કે, ઉત્તર ભારતમાં કંઈક નવું કરવું જ પડશે, નહીં તો સત્તા જશે. મોદી પાસે થોડું ખુટતુ હતું એ Timeએ સરભર કરી આપ્યું. 

Timeની સ્ટોરી બાદ મોદીને શું મળ્યું?      
એક અનુમાન છે કે, Timeની સ્ટોરીમાં મોદીને 3 વખત સ્થાન મળ્યું, ત્રણેય વખત મોદીની યુવાનોમાં લોકપ્રિયતા વધી. આ સિવાય Timeએ પોતાની પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં મોદીને ત્રણવાર સ્થાન આપ્યું. ટાઈમે જ્યારે જ્યારે મોદીને સ્થાન આપ્યું ત્યારે ત્યારે ભારતમાં ચૂંટણીઓ જ ચાલી રહી હતી. જેમ કે ડિસેમ્બર-2012 ગુજરાત વિધાનસભા ચૂંટણી, માર્ચ-2017 ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી. આ બંને ચૂંટણીમાં મોદીના નામ પર ભાજપને જંગી બહુમતી સાથે સત્તા મળી. એટલે જ કહી શકાય કે, Timeની સ્ટોરીથી મોદીને માત્ર પબ્લિસીટી જ મળી છે.  


Saturday, May 4, 2019

ગુજરાત સ્થાપના દિન, જાણો આજનું ગુજરાત

જય જય ગરવી ગુજરાત, ઊંચી તુજ સુંદર જાત, ઉત્તરમાં અંબા માં, પૂર્વમાં કાળી માં, તો સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ...જય જય ગરવી ગુજરાત.

ગુજરાત પોતાની સંસ્‍કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ ધરાવે છે. પુરાણોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતું આજનું ગુજરાત ગરવું ગુજરાત બન્યું છે. સમ્રાટ અશોકના શિલાલેખથી લઈ અડીખમ ગિરનારે દરેક ગુજરાતીને ગૌરવ આપ્યો છે. મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતમાં સુવર્ણકાળ કહેવાયો, સોરઠની ચારણ કન્યાનું ખમીર અને નર્મદનો દાંડિયો સામજીક જીવનના પ્રતીક બન્યાં. આ મારું ગુજરાત મહેમાનગતિ, વેપારી, ગુજ્જુ ગરબા અને ગુજરાતી થાળીથી વખણાય છે. એક તરફ 1600 કિમીનો દરિયો તો બીજી તરફ કચ્છનું રણ...


ગુજરાતની મધ્યમાં સાબરમતીના કિનારે વસેલું આશાવલ અને કર્ણાવતી અર્વાચીન યુગમાં અમદાવાદ તરીકે ઓળખાયું. હાલનું અમદવાદ સાબરમતી રિવરફન્ટ અને કાંકરિયા તળાવ માટે જાણીતું છે, તો રંગીલા અને મોજીલા રાજકોટવાસીઓ આજે પણ બપોરે ધંધા-રોજગાર બંધ કરી 2થી 4 મોજથી સુએ છે. 1964-65માં ગુજરાતની નવી રાજધાની તરીકે ગાંધીનગર નવેસરથી વસાવાયું. જે આજે ગ્રીન અને ગીફ્ટમાં પરિવર્તિત થયું છે. ગાયકવાડમાં ગવાયેલું વ્યવહારું વડોદરા હાલ ભાખરવડી અને નવરાત્રિ માટે જાણીતું છે. લોકમાતા નર્મદાની વચોવચ અડિધમ ઉભેલી સરદારની પ્રતિમા, એકતાનું પ્રતીક બની છે, તો સોરઠનો સાવજ અને કાઠીયાવાડી ડાયરો સોરઠીપ્રજાનું થમીર છે. દેશ-દુનિયામાં ગુજરાત અને ગુજરાતી લોકોને માન આપનાર  નરેન્દ્ર મોદી તો કેમ કરી ભૂલાય...

ભૂજિયા ડુંગરની તળેટીમાં આવેલું અને 500 વર્ષ પુરાણું નગર એટલે ભૂજ. વાંકીચૂકી ગલીઓવાળા ભુજમાં કચ્‍છીકલાનો શિખર એટલે આયના મહેલ. ભારતનાં પાંચ સરોવરોનું નારાયણ સરોવર વૈષ્‍ણવધર્મનું યાત્રાધામ છે. માંડવીનો દરિયાકિનારો નયનરમ્‍ય નૈસર્ગિક સૌંદર્ય ધરાવે છે, તો વિજય વિલાસનો વિલાસ ચૌતરફો ફેલાયો છે. 4500 વર્ષ જૂનું ધોળાવીરા એક સમયે ભવ્‍ય નગર હતું, તો સતત વ્યસ્ત કંડલા બંદર, કચ્‍છનું અર્વાચીન બંદર કહેવાયું છે. મચ્‍છુ હોનારતથી હેરાન થયેલું મોરબી આજે ઘડિયાળ અને ટાઇલ્સથી જાણીતું બન્યું છે.

સોરઠના દરિયાકિનારે આવેલું પોરબંદર, મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ અને કૃષ્ણભક્ત સુદામાની કર્મભૂમિ કહેવાય છે. ગિરનારની છાયામાં વિસ્‍તરેલું નગર જૂનાગઢ, એક સમયે ભક્ત નરસિંહ મહેતાની નગરી ગણાતું હતું. 600 મીટરની ઊંચાઈ ધરાવતા ગિરનાર સુધી પહોંચવા દસ હજાર પગથિયાં ચડવાં પડે છે. ગીરની તળેટીથી સમુદ્ર સુધી વિસ્‍તરેલું સાસણ-ગીરનું જંગલ સિંહો માટે જાણીતું બન્યું છે. ભારતના પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. દરિયાકિનારે આવેલું સોમનાથ 17 વખત લૂંટાયું અને બંધાતું રહ્યું. 1950માં સોમનાથ કામ શરૂ કરવામાં સરદાર પટેલનો સિંહ ફાળો રહ્યો. આ મંદિરની નજીકમાં ભગવાન શ્રીકૃષ્‍ણને પારધીએ તીર માર્યું જેના પરિણામ સ્વરૂપ ભાલકાતીર્થ જાણીતું બન્યું. હિન્‍દુધર્મના ચાર યાત્રાધામો પૈકીનું એક એટલે દ્વારકા. 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર પાંચ માળ અને 60 સ્‍તંભો ધરાવે છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા, ચામુંડાદેવીના મંદિર માટે જાણીતું છે. અહીં તરણેતરનો મેળો જગવિખ્યાત છે.

દક્ષિ‍‍ણના દરિયાકાંઠે દાંડીમાં ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું અને સવિનય કાનૂન ભંગ કર્યો, જેથી બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી. તાપી નદીના કિનારે વસેલું સુરત એક સમયે પશ્ચિમ ભારતનું બંદર હતું. એમ કહેવાય છે કે, અહીં દેશ-પરદેશનાં વહાણો પર 84 બંદરના વાવટા ફરકતા હતાં. આજે ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું સુરત 1994માં પ્‍લેગની બિમારીથી ‘ગંદામાં ગંદું શહેર‘ કહેવાયું. જોકે માત્ર બે વર્ષના ગાળામાં સુરતે પોતાનું કલંક ભૂંસી નાખ્‍યું અને ભારતનું 'સ્‍વચ્‍છ શહેર' બન્યું. મોગલ સમયમાં સુરત ‘મક્કા બંદર‘, ‘મક્કાબારી‘ અને ‘બાબુલ મક્કા‘ તરીકે પણ ઓળખાયું, તો વલસાડનું પરું બની ગયેલું તીથલ, આજે દરિયાકિનારનું હવા ખાવાનું સ્‍થળ બન્યું છે, જ્યાં સાંઈબાબાનું મંદિર છે.

ઉત્તર સરહદે આરાસુર ડુંગર પર આવેલું અંબાજી મંદિર ભાદરવી મેળાથી જગવિખ્યાત બન્યું. હાલમાં હિટ સિટીથી જાણીતું ઈડર, ક્યારેક એવો ગઢ ગણાતો કે, એ જીત્યા બાદ‘ઈડરિયો ગઢ જીત્‍યા‘ એવી લોકોક્તિ પ્રચલિત હતી. નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગર, શિલ્‍પકળા અને વાસ્‍તુકળા માટેનું પ્રતીક હતું. જ્યારે તાનસેનમાં દીપક રાગથી અગ્નિને જન્મી ત્યારે અહીંની તાના-રીરી એમ બે બહેનોએ મલ્‍હાર રાગ છેડી અગ્નિ શમાવી દીધેલી. સરસ્‍વતી નદીના તટે વસેલું પાટણ એક વખતે ગુજરાતની રાજધાની હતું. અણહિલપુરથી જાણીતા પાટણમાં સહસ્‍ત્રલિંગ તળાવના અવશેષો અને સ્‍થાપત્‍યની ભવ્‍યતાનું દર્શન કરાવતી રાણકી વાવ સુવિખ્‍યાત છે, તો ભારતમાં બે માત્ર સૂર્યમંદિરોમાંનું એક મોઢેરાનું સુર્યમંદિર ભીમદેવના સમયમાં બંધાયું હતું.

જ્યાં 2001ના ભૂકંપ અને 2002ના ગોધરાકાંડ બાદ ઉભું થયેલું મારું ગુજરાત આજે વિકાસના વિવિધ પાસાઓ સાથે દેશ અને દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરવામાં તત્પર રહ્યું છે. તો આ હતી મારા ગુજરાતની વૈવિધતા,

જય જય ગરવી ગુજરાત...

Monday, April 22, 2019

ચૂંટણીના સમાચારો નીચે જળસંકટ દબાયું, ક્યાં છે મીડિયા?

રાજ્યમાં જળ સંકટના એંધાણ છે, ત્યારે ગુજરાતના 200 વધુ ડેમમાંથી 115 જેટલા ડેમ સુકાયેલા છે યા તો સુકાવાની તૈયારીમાં છે. હાલ આ જળાશયોમાં માંડ 10 ટકા પાણી બચ્યું છે. જ્યારે 65થી વધુ ડેમ 50 ટકાથી 10 ટકા જેટલા પાણીથી ભરેલા છે. રાજ્યમાં ડેમના પાણી સ્તર અંગે સિંચાઈ વિભાગે થોડાક આંકડા જાહેર કર્યાં છે. જેમાં રાજ્યના 203 જેટલા ડેમમાં પાણી ગત વર્ષની સરખામણીએ 9.57 ટકા પાણી ઓછું છે.



કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સ્થિતિ અતિગંભીર બની છે. હાલ આ વિસ્તારોમાં આવેલા ડેમ માત્ર 18 ટકા ભરેલા છે. હજુ ઉનાળાના કપરા દિવસો બાકી છે, એવા સમયે ગ્રામ્ય લોકો અને અબોલ જીવો માટે દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ છે. ગામડામાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની મુશ્કેલી ઊભી થઈ છે. અનેક ગામડામાં મહિને પાણી નથી આવતું, તેમ છતા બીલ જરુર આવે છે. હાલ રૂપાણી સરકાર પાસે પાણીની ગંભીર સમસ્યા માટે કોઈ આયોજન નથી. નેતાઓ અને કર્મચારીઓ ચૂંટણીમાં લાગ્યાં છે. આવા સમયે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતું આપણું ગુજરાતી મીડિયા ચૂંટણીમાં વ્યસ્ત થઈ ગયું છે. 

ક્યાં છે આપણું ગુજરાતી મીડિયા?
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી મીડિયામાં ચૂંટણીના સમાચારો એટલા હાવી થવા લાગ્યાં કે, સામન્ય જનતાના મુદ્દા ધીરે ધીરે સ્પેશિયલ પેકેજ અને ગ્રાઉન્ડ રિપાર્ટમાંથી સ્કોલ બનતા ગયાં.., જે સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો પર હોવાની વાતો કરતા હતાં, એ આજે નેતાઓના ઇન્ટરવ્યું લેવા લાગ્યાં છે, ન્યૂઝ રૂમમાં કામ કરતા લોકો આજે ચૂંટણીના બેકિંગ સુધી સીમિત થઈ ગયાં છે. ન્યૂઝ પેપરની હેડલાઈન પ્રજાના પૈસાનું પાણી કરતા નેતાઓના રોડ-શોની બની ગઈ છે. 24 કલાકની ન્યૂઝ ચેનલના એક કલાકના બુલેટિનમાં ભાગ્યે જ કોઈ પ્રજાની સમસ્યાને વાચા મળી રહી છે. બાકી તો નેતાઓની દાવેદારી અને શાહી ઉમેદાવારીમાં જ આખો દિવસ ચાલ્યો જાય છે, આવું આપણી 24 કલાકની ચેનલો બતાવી રહી છે. 

ચેનલ-વેબસાઈટ કે પેપરમાં કામ કરતા, સમાચાર બતાવનાર કે બનાવનાર ઉત્કૃષ્ટ પત્રકારો મૂળ તો ગુજરાતના ગામડાંમાંથી જ આવે છે, પણ અમદાવાદી શહેરી જીવનમાં ઢળી આપણે બધાએ મોટી ભૂલ કરી છે. હવે આપણને ગામડાંની સામાન્ય પ્રજાના સવાલો પહેલા સિટી ગોલ્ડની ફિલ્મ વહાલી લાગે છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી જળસંકટનું કાળું વાદળ ઘેરાઈ રહ્યું છે, પણ હવે આવી ગઈ ચૂંટણી, એટલે જળ સંકટના સમાચાર ગોત્યા જળતા નથી. જોવા જઈએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં જળસંકટની ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. પાણીની સમસ્યાને કારણે લોકો અને ઢોર વલખાં મારી રહ્યાં છે, પરંતુ આપણાં 24X7 ચાલતા મીડિયા હાઉસમાં એક મિનિટ માટે પણ જળસંકટના સામચાર કે કોઈ ગ્રાઉન્ડ રિપોર્ટ જોવા મળતો નથી.

હવે ન્યૂઝ ચેનલોએ "વૉટયાત્રા" શરૂ કરી છે. જેમાં ઈસ્ત્રી કરેલી કોટી પહેરી, મોંઢે મેક-અપ કરી એક પત્રકાર પોતાની ચેનલના બૂમ સાથે લોકોને પશ્નો પુછે છે, 

  • શું તમને લાગે છે મોદી સરકાર ફરી સત્તા પર આવશે?, 
  • આ વખતે તમે કોને મત આપશો?, 
  • તમે પક્ષને પસંદ કરશો કે નેતાને?,
  • તમારા મતે મોદી ફરીથી PM બનવા જોઈએ? 


આવા સાવાલો એવા લોકોને પુછવામાં આવે છે. જેમને પ્રત્યક્ષ રીતે સરકાર સાથે કંઈ જ લેવા દેવા નથી. આપણે પત્રકારો લોકો વચ્ચે જઈએ છીએ ખરાં પણ ક્યારેય એમને એવી કોઈ વાત નથી કરતા કે, તમને શું મુશ્કેલીઓ પડી રહી છે?, આપણે ટીશ્યું પેપરથી પરસેવા લુછતા-લુછતા એમની સાથે વાતો કરીએ છીએ. જો આપણે આવી રીતે કરીશું તો ક્યારેય આત્મિયતા નહીં બંધાય કેમ કે, ગામડાંના સામન્ય લોકો આપણને પણ નેતાઓની જેમ સાહેબ સમજવા લાગ્યાં છે. 

આપણે ગામડાંઓમાં જઈએ છીએ તો પણ સાથે મિનરલ વોટરની બોટલ રાખીએ છીએ. ગામડાંના ધૂળીયા રસ્તાથી બચવા અને ગરમીથી બચવા AC ગાડીમાં બેસી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીએ છીએ. આ બધી વાતો એટલા માટે મહત્વની છે કારણ કે, ગ્રામીણ પ્રજા તો એવા વાતાવરણમાં જ રહે છે, જ્યાં સુધી આપણે એ વાતાવરણને નહીં જાણીએ ત્યાં સુધી કેવી રીતે એમની વાસ્તવિકતા પરિસ્થિતિ બતાવી શકીશું?
આટલું લખ્યા પછી પણ એક પત્રકાર તરીકે દુઃખ જ થાય છે, કારણ કે, કોઈપણ મીડિયા પોતાની પોલીસી પ્રમાણે ચાલે છે અને સામાન્ય નોકરિયાત તરીકે એટલી સત્તા હોતી નથી કે, આપણે કંઈક બતાવી શકીએ. પણ આ બધુ આંખોની સામે થાય છે. આ માટે ખુબ જ દુઃખ થાય છે...

જય હિન્દ...

રાજ્યમાં જળસંકટના એંધાણ, બુથ્થલ નેતાઓએ માત્ર પોતાનું રેદું ભર્યું...

રાજ્યમાં જળ સંકટના એંધાણ છે, ત્યારે રાજ્યના 200 વધુ ડેમમાંથી 115 જેટલા ડેમ સુકાયેલા છે યા તો સુકાવાની તૈયારીમાં છે. હાલ આ જળાશયોમાં માંડ 10 ટકા પાણી બચ્યું છે. જ્યારે 65થી વધુ ડેમ 50 ટકાથી 10 ટકા જેટલા પાણીથી ભરેલા છે. રાજ્યમાં ડેમના પાણી સ્તર અંગે સિંચાઈ વિભાગે થોડાક આંકડા જાહેર કર્યાં છે. જેમાં રાજ્યના 203 જેટલા ડેમમાં પાણી ગત વર્ષની સરખામણીએ 9.57 ટકા પાણી ઓછું છે.



I AM Gujaratના રિપોર્ટ પ્રમાણે, હાલમાં ડેમના સ્ટરેજ પાણીમાંથી સરેરાશ 33.78 પાણી વપરાઈ રહ્યં છે. આ વપરાશમાં ઉનાળામાં સરરાશ વધારો થયો છે. જેથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સ્થિતિ અતિગંભીર બની છે. હાલ આ વિસ્તારોમાં આવેલા ડેમ માત્ર 18 ટકા ભરેલા છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમ આવેલા છે. જેમાં માત્ર 56.39 ટકા પાણી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમ માત્ર 32.94 ટકા ભરેલા છે.

અછતગ્રસ્ત વિસ્તારો માત્ર જાહેરાત પુરતા
રાજ્યમાં દુષ્કાળ પડ્યો અને જાહેર પણ થયો, પરંતુ દુષ્કાળને લગતી કોઈ કામગીરીથી હજુ કોઈ ફરક પડ્યો નથી. કેમ કે ત્યાં પણ ભ્રષ્ટાચાર તો ચાલુ. સરકારે ગામડાની પાણી સમસ્યાનો ઉકેલ લાવવા વિવિધ વિસ્તારો અછતગ્રસ્ત જાહેર તો કર્યાં પણ આ જાહેરાત માત્ર જાહેરાત પુરતી જ રહી. રાજ્યમાં પાણીની અછતને કારણે સમસ્યાઓ વધી રહી છે. ચૂંટણી સમયે સરકારી કર્મચારીઓ સંગઠનના ભારે આંદોલનની ચીમકી આપી ધાર્યું કામ કરવતા હોય છે. તમને પણ યાદ હશે કે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પહેલા કેટલીય હળતાલો પડી, કેટલાંય આંદોલનો થયાં સરકાર સત્તા પડી જાવાના ડરથી મોટી જાહેરાતો કરી નાંખી પણ સામન્ય પ્રજાનું શું? જે આજે પણ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતથી પીડાઈ રહી છે. 

હવે ચૂંટણી સમયે નેતાગીરીનો મોહાલ જામશે. આપણે બધા ભાજપ-કોંગ્રેસના ઝંડા લઈ મેદાને ઉતરશું, મતના નામે એકબીજા સામે બાંયો ખેંચીશું, પણ પાણીની સમસ્યાનું શું? શહેરમાં રહેતા લોકો ગુજરાતના ગામડાની સ્થિતિ પર નજર કરશે તો ખબર પડશે કે, ખરેખર સમસ્યા કેટલી વિકટ છે. પાણીની સમસ્યા વચ્ચે ગ્રામીણ પ્રજા પીસાઈ રહી છે. હાલ તો નથી સરકાર જાગતી કે નથી કોઈ નેતા જાગતો આ પીડા કહેવી તો કોને કહેવી? ચૂંટણી સમયે જે ઉત્સુકતા નેતાઓમાં હોય એ ચૂંટણી બાદ હોતી નથી. પ્રજાને ચૂંટણીમાં લોકશાહી પ્રણાલી પ્રમાણે મત આપવાનો અને પોતાની મરજી પડે એ પક્ષને મત આપવાનો અધિકાર છે. જેને સૌથી વધુ મત મળે તે વિજેતા થાય છે, પરંતુ ચૂંટાયા બાદ બુથ્થલ નેતાઓ લોકોની સમસ્યાને ભૂલી પોતાનું રેદું ભરવાનું શરૂ કરી નાંખે છે. જેથી પ્રજા કિન્નાખોરીનો ભોગ બને છે.

તાજેતરમાં ભારતીય સંસદી કાર્યવાહીના આંકડા જાહેર થયાં છે. જેમાં ગુજરાતના સાંસદોને શરમ આવે એવા આંકડા જાહેર થયાં છે. લોકસભામાં પશ્નો પૂછી મોદી સરકારનો કાન પકડવામાં ગુજરાતના ત્રણ સાંસદો એવા પણ છે, જેમણે ગૃહમાં એક પણ પ્રશ્ન પૂચ્છો નથી. જેમાં વલસાડના સાંસદ ડૉ. સી.કે. પટેલ, ગાંધીનગરથી ભાજપના દિગ્ગજ નેતા એલ.કે. અડવાણી અને પોરબંદરના વિઠ્ઠલ રાદડિયાએ તેમના મત-વિસ્તારના માટે એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. આ સાંસદોએ પોતાના મત વિસ્તાર વિકાસના કામ એક પણ લોકિહતનો પ્રશ્ન પુછ્યો નથી. લો બોલો આપણી પાસે એવા પણ નેતાઓ છે, જેમણે જંગી મતોથી જીત મેળવી પણ લોકોના પ્રશ્નોની વાચા તો ક્યાય રહી ગૃહ એક પ્રશ્ન પણ કર્યો નથી. હવે આવા નેતાઓ ચૂંટીને ગૃહમાં જાય છે. તો ક્યાંથી પ્રજાનું ભલું થશે. 

રાજ્યમાં વિકાસનો V કે ગતિશીલ ગુજરાતની ગતિ કોઈએ જોઈ નથી. કદાચ રૂટીન કામને જો કોઈ વિકાસ ગણતા હોય તો ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. વિકાસ એટલે “લૉટ…પાણીને...લાકડા” પ્રજા વિચારી જાય તો જાય ક્યાં, હાલમાં “સબ ડાલ પર ઉલ્લુ બૈઠાં” જેવી સ્થિતિ છે. આમ તો બહારથી કોઈ નેતા આવે તો જણાય, રાજ્ય નાનુંને નેતા જાજા…આને કહેવાય “ઠોઠ નિશાળિયાને વતરણાં જાજા'' એ તો ગામડાંના લોકો સારા છે કે નેતાઓને સહન કરે છે.

Tuesday, April 2, 2019

મોદીરાજમાં આ 3 ગુજરાતી સાંસદ ધોયેલા મૂળા સમાન...


તાજેતરમાં ભારતીય સંસદી કાર્યવાહીના આંકડા જાહેર થયાં છે. જેમાં ગુજરાતના સાંસદોને શરમ આવે એવા આંકડા જાહેર થયાં છે. જેમાં લોકસભામાં પશ્નો પૂછી મોદી સરકારનો કાન પકડવામાં ગુજરાતના ત્રણ સાંસદો એવા પણ છે, જેમણે સંસદમાં એક પણ પ્રશ્ન પૂછ્યો નથી.



આવા ધોયેલા મૂળા સમાન સાંસદોમાં વલસાડના સાંસદ ડૉ.સી.કે. પટેલ, ગાંધીનગરથી સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા એલ.કે. અડવાણી અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા સામેલ છે. જેમણે પોતાના મત-વિસ્તારના માટે એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. આ સાંસદોએ પોતાના મત વિસ્તાર વિકાસના કામ એક પણ લોકિહતનો પ્રશ્ન પુછ્યો નથી. લો...બોલો આપણી પાસે એવા પણ નેતાઓ છે, જેમણે જંગી મતોથી જીત મેળવી પણ લોકોના પ્રશ્નોની વાચા તો ક્યાય રહી સંસદના ગૃહમાં એક પ્રશ્ન પણ કર્યો નથી. હવે આવા નેતાઓ ચૂંટીને ગૃહમાં જાય છે. તો ક્યાંથી પ્રજાનું ભલું થશે.

આ ઉપરાંત લોકસભામાં પાંચ વર્ષના કાયકાળ દરિમયાન પ્રશ્નો પૂછવામાં ગુજરાતના સાંસદોમાંથી સૌથી મોખરે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા રહ્યાં છે, બીજા ક્રમે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ત્રીજા નંબરે છોટાઉદેપુરના રામસિંહ રાઠવા, ચોથા ક્રમે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, પાંચમા નંબરે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટ સોલંકી રહ્યાં હતા. 

જાહેર આંકડા મુજબ, બધા સાંસદો પોતાની સંસદીય વિકાસ ગ્રાન્ટ ખર્ચ કરવામાં પાછળ રહ્યાં. જેમાં PM મોદીએ માત્ર 62.96 ટકા ખર્ચ કર્યો, જે બહુ ઓછો કહેવાય, ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કુલ 60.56 ટકા ખર્ચ કર્યો છે. જે પણ ઓછો જ છે. મોદીએ વિવિધ વિકાસ કર્યો માટે વિવિધ મંત્રાલય દ્વારા હજારો કરોડના અનેક મોટાં પ્રોજક્ટ લાગુ કર્યાં, પરંતુ તે સંસદ વિકાસ ગ્રાન્ટ હેઠળ નથી.

Friday, March 29, 2019

હાર્દિક સાથે લાલીયાવાળી, હાર્દિકે કહ્યું- સત્તા સામે લડવાનું પરિણામ મળ્યું

ગુજરાત હાઈકોર્ટે હાર્દિકની અરજી ફગાવી દીધી છે. જેથી હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી નહીં લડી શકે. છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલતી હતી કે, હાર્દિકનો ચૂંટણી લડવાનો નિર્ણય કોર્ટના ચુકાદા પર રહેલો હતો. જેનો હવે અંત આવી ગયો છે, તો જાણીએ હાર્દિક પર શું છે આરોપ અને હવે હાર્દિક પાસે કયો વિકલ્પ બચ્યો છે?


નોંધનીય છે કે, રાજ્ય સરકારે હાર્દિકને ચૂંટણી લડવાની મંજૂરી ન આપવાની વાત કરતા હાઇકોર્ટમાં લેખિતમાં રજૂઆત કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી હાઇકોર્ટમાં રાજ્ય સરકાર અને હાર્દિકના વકીલ વચ્ચે તીખી દલીલો થઇ હતી.

આ અંગે હાર્દિકે કહ્યું કે, અમે ડરતા નથી. હું સત્ય, અહિંસા અને ઈમાનદારીથી સામાન્ય જનતાનો અવાજ બનીશું. જનતાની સેવા કરનાર કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવીશું. હાર્દિકે કહ્યું કે, હું કોંગ્રેસ પાર્ટી માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રચાર કરીશ. મારો અપરાધ માત્ર એ જ છે કે, હું ભાજપની આગળ નમ્યો નહીં. સત્તાધારી સામે લડવાનું તો આ પરિણામ છે.


હાર્દિક પર કયો આરોપ?
હાર્દિક વિરુદ્ધ વિસનગરના ધારાસભ્ય ઋશિકેશ પટેલના કાર્યાલયમાં તોડફોડ કરવાનો આરોપ છે. આ કેસમાં વિસનગર કોર્ટે હાર્દિકને દોષી ગણીને 2 વર્ષ કેદની સજા ફટકારી છે. કોર્ટે 17 આરોપીમાંથી 3 લોકોને દોષિત જાહેર કર્યા છે, ત્યાં 14 લોકોને આરોપ મુક્ત કરવામાં આવ્યાં છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે, હાર્દિક વિરૂદ્ધ અનેક પોલીસ સ્ટેશનમાં ઘણી બધી ફરિયાદો નોંધાઈ છે. મહત્વનું છે કે, કોર્ટને આપેલી બાંહેધરી બાદ પણ હાર્દિક વિરુદ્ધ 17 કેસ નોંધાયા છે.

2015માં એક હિંસાના કેસમાં હાર્દિક પટેલ ઉપરાંત લાલજી પટેલને પણ દોષિત ગણવામાં આવ્યાં છે. મહેસાણાની વિસનગર કોર્ટમાં હાર્દિક અને લાલજી પટેલને દોષિત ઠરાવવામાં આવ્યાં હતાં. મહત્વનું છે કે, 2015માં ભાજપના ધારાસભ્ય ઋશિકેશ પટેલના કાર્યાલય પર હુમલો થયો હતો.

શું કહે છે કાયદો?
જનપ્રતિનિધિ કાનૂન-1951 મુજબ, દોષિત નેતાઓને ચૂંટણી લડવા માટેનો કાયદો પહેલાથી જ અસ્તિત્વમાં છે, જેમાં સજા થયાં બાદ 6 વર્ષ સુધી દાગી નેતાઓ ચૂંટણી ન લડી શકે. આ જ કાયદાને કારણે ચારા કૌભાંડમાં દોષી અને જેલમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવ પર ચૂંટણી લડવાની રોક છે.

હાર્દિક પાસે કયો વિકલ્પ?
પાટીદાર અનામત આંદોલનમાંથી નેતા તરીકે ઉભરી આવનાર હાર્દિક તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયો હતો. જે હવે આગામી લોકસભા ચૂંટણી લડી શકશે નહીં. હાઈકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની મનાઈ કરી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે નહીં. જોકે હાર્દિક પટેલ પાસે એક મોટો વિકલ્ય સુપ્રીમ કોર્ટ છે. હાર્દિક આ બાબતે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. જો કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ જ ખબર પડે કે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડી શકે છે કે નહીં. એક વાતનું ધ્યાન રહે કે, જો હાર્દિક સુપ્રીમમાં જાય તો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલા સુપ્રીમ ચુકાદો આપે તો જ હાર્દિક ચૂંટણી લડી શકશે.

હાઇકોર્ટે હાર્દિકની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધી છે. જેમાં કોર્ટે અવલોકન કર્યું કે, હાર્દિકના વકીલે પુરાવા નહીં હોવાની વાત કરી છે, તે સ્વીકારી શકાય નહીં.

Saturday, March 9, 2019

એક સાંધે ત્યાં તેર તૂટેે, કોંગ્રેસે પોતાના જ પગે કુહાડી મારી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોય કે રાજ્યસભાની કે પછી લોકસભાની. ઉમેદવારોની પસંદગી થાય એટલે દર વખતે પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ તૂટે છે અને સંગઠનમાં મોટા ગાબડા પડતા હોય છે, જ્યારે 2017માં વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી વખતે દિગ્ગજ નેતાઓ નારાજ થયાં હતાં, ત્યારબાદ જ્યારે રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી થઈ ત્યારે પણ કોંગ્રેસના ધારાસભ્યો તૂટ્યા હતાં. જેથી કોંગ્રેસને પોતાના ઉમેદવારોને બેંગલુરૂમાં લઈ જવા પડ્યા, આ બાબતે ગુજરાતની જનતામાં કોંગ્રેસની મોટી મજાક બની ગઈ. 


જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યસભાનાં ઉમેદવાર જાહેર કર્યા, ત્યારે 2 ઉમેદવારની પસંદગી પાછળ પ્રદેશ કોંગ્રેસના 5 નેતાના મનબોળ તૂટી ગયાં. જેના પરિણામ સ્વરૂપ કોંગ્રેસમાં કકરાટ વધ્યો અને કાયમી ધોરણે જોવા મળ્યો. અમી યાજ્ઞિકનો મહિલા કોંગ્રેસે જ વિરોધ કર્યો, તો નારણ રાઠવાં પોતાના ડોક્યુમેન્ટ પુરા ન કરી શકતાં ચર્ચામાં રહ્યાં, આ બધાની વચ્ચે બંને નામની પસંદગી પ્રદેશ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓની ગળાની ગાંઠ બની. કારણ કે રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી મુદ્દે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ, શક્તિસિંહ, મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી સહિતના એક પણ સિનીયર નેતાની વાત દિલ્હીમાં બેઠેલી હાઈકમાન્ડે ન સાંભળી. જેથી નારાજગીનો દોર શરૂ થયો.

વાત કરીએ 2017ની વિધાનસભાની તો આ ચૂંટણીમાં કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ, મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌઘરી પોતાની બેઠક પણ બચાવી ન શક્યાં, જેથી ભરતસિંહ સહિત બધાને રાજ્યસભામાં જવાના અભરખાં રહ્યાં, પરતું હાઈકમાન્ડે તેમને ગણકાર્યાં નહીં. આવા સંજોગોમાં નુકસાન તો કોંગ્રેસને જ થયું. કહેવાય છે કે, વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે યુવા નેતૃત્વ પર ધ્યાન આપી મોટાં નેતાઓને નજરઅંદાજ કર્યાં. જેથી મનદુઃખીયા નેતાઓ એક પછી એક પાર્ટી છોડતા ગયાં. જેની શરૂઆત બાપુથી થઈ. 

તમને યાદ હશે શંકરસિંહે જ્યારે કોંગ્રેસ છોડી ત્યારે પોતાની હૈયાવાળ જણાવી હતી અને કહ્યું હતું કે, મેં તો પાર્ટીને સાંભળી પણ પાર્ટી મને ન સાંભળ્યો. બાપુના ગયાં પછી કેટલાય રાજકીય વિશ્લેષકોનો મત હતો કે, બાપુના જવાથી કોંગ્રેસને મોટું નુકસાન થશે. કદાચ આ મત આજે સાર્થક થતો દેખાય છે. આ બધાની વચ્ચે એવું પણ બન્યું કે, કેટલાય કોંગી નેતાઓ ભાજપમાં જોડાઈ નાખુશ થયાં, વળી પાછા કોંગ્રસમાં આવી પણ ગયાં. કેમકે, સત્તા લાલચું ભાજપે વિધાનસભાથી માંડી છેક અત્યારે લોકસભા સુધી કાવાદાવા, ખરીદ-ફરોકની હલકી રાજનીતિ કરી નારાજ નેતાઓને લાંલચ આપી ખેંચી લીધા, પરંતુ હાલ એ બધા જ નેતાઓ ક્યાં છે? નાના પદો સંભાંળી રહ્યાં છે. 

ભાજપમાં જેડાનાર કોંગી નેતાની વાત કરીએ તો સૌથી પહેલા 2012ની વિધાનસભા ચૂંટણીમાં નરહરી અમિન ભાજપમાં જોડાયા કે, તરત જ ગુજરાત ક્રિકેટમાં પદ આપી દીધું, રાજ્યસભા વખતે બળવંતસિંહ જોડાયા તો GIDCમાં પદ આપી દીધું. કોંગ્રેસના પક્ષપલટું નેતાઓની કોણીએ ભાજપે એવો ગોળ ચોટાડ્યો કે, એ લોકો હાથ ઉંચો પણ ન કરી શકે કે ગોળનો સ્વાદ ચાખી પણ ન શકે. ભાજપે કોંગી નેતાઓને એવા એવા પદ આપી દીધા કે, પેટ તો દુઃખે પણ કોને કહેવા જવું? એવી હાલત સર્જાઈ.  

જો કે, નરેન્દ્ર મોદીએ ભારતને કોંગ્રેસમુક્ત કરવાનો નારો તો આપ્યો, પણ ગુજરાત ભાજપ હવે પોતે જ કોંગ્રેસયુક્ત બની ગઈ છે. દિવ્ય ભાસ્કરની રિપાર્ટ મુજબ, 2007થી લઈ આજદિન સુધીમાં કોંગ્રેસના  35 MLA અને MPએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જેથી ભાજપનું જ કોંગ્રેસીકરણ થઈ ગયું છે. છેલ્લા 12 વર્ષમાં 35 કોંગી દિગ્ગજ નેતા ભાજપમાં બેઠાં. જેમાં માત્ર 17ને નાના-મોટા હોદ્દા મળ્યા, જ્યારેથી 18 નેતાઓ હજુય સત્તા માટે ભાજપના મોવડી મંડળ પાછળ લટકી રહ્યા છે. 

Sunday, February 17, 2019

#Pulwama: કહેવાતા માનવાધિકારીઓને વિનંતી, વાણી વિલાસ પહેલા કુલભૂષણને યાદ કરજો

પુલવામામાં આતંકી હુમલામાં 40થી પણ વધુ જવાનો શહીદ થયા છે. જે બાદ આ અંગે ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે. આ હુમલાને લઈ સમગ્ર દેશમાં ગુસ્સો છે, લોકો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાવી વાત કરી રહ્યાં છે. 



બૉલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમે આતંકી હુમલા બાદ કોઇનું નામ લીધા વગર કટાક્ષ માર્યો હતો. સોનુ નિગમે પ્રહાર કરતાં કહ્યું કે, તમે શા માટે અફસોસ વ્યક્ત કરી રહ્યા છો? તમે તો ભારત તારા ટૂકડા થશે, જેવી વિચારધારા રાખનારા લોકો છો. સોનુ નિગમના આ આકરા પ્રહારો બૉલિવુડના એ સેલેબ્રિટિઝ પર છે, જેમણે આતંકીઓને ફાંસી મુદ્દે માનવાધિકારની વાત કરી હતી. જુઓ વીડિયો...

મહત્વનું છે કે, આવું કહીં સોનું નિગમ એ લોકો પર કટાક્ષ કરી રહ્યાં છે. જેમણે અફઝલ ગુરુને ફાંસી આપવા પર વિરોધ કર્યો હતો. કહેવાય છે કે, JNUમાં ભારત વિરોધી નારા લાગ્યાં હતાં. જેમાં કેટલાક લોકોએ સેક્યુલરશાહીની વાત પણ કરી હતી. સોનુ આ વિચારોથી હું સહેમત છું. કારણ કે, જ્યારે આવા હુમલા થાય છે, ત્યારે સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળે છે. સરકાર પણ આતંકવાદ વિરૂદ્ધ પગલાં લેવા તૈયાર થતી હોય છે, પરંતુ આ સંજાગોમાં જ કહેવાતા માનવાધિકારીઓને આતંકીઓનો જાણે સાથ આપતા હોય એમ માનવઅધિકારની વાતો કરવા લાગે છે. હું આવા માનવાધિકારીઓને નમ્ર વિનંતી કરુ છું કે, હવે કોઈ આતંકીને ફાંસીની સજા થાય તો મહેબાની કરી તેને શહીદ જાહેર ન કરતા.

તમે કઈ સેક્યુલર વિચારધારાની વાત કરો છો? શું વંદે માતરમ, ભારમાતા કી જય બોલવું એ સેક્યુલરશહીમાં નથી આવતું. શહીદોની શહાદત પર આમ દુઃખ વ્યક્ત કરવાનું બંધ કરો. કેમકે તમારા મોંઢે એ શોભતું નથી. મહેબાની કરી શહીદ પરિવારોનું તો વિચોરો... આ એજ ભારત દેશ છે, જેમાં એક માતા પોતાના દિકરાને દેશની રક્ષા કરવા માટે સરહદ પર મોકલે છે, જ્યારે AC ઓફિસમાં બેસીને અસહિષ્ણુતાની વાતો થાય છે. દેશમાં હાલનો માહોલ ગુસ્સાભર્યો છે. સમગ્ર દેશ આતંકી વિરુદ્ધ જંગ લડવાની વાત કરી રહ્યો છે.

જ્યારે અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી ત્યારે કેટલાક કહેવાતા માનવાધિકારીઓએ ભારત વિરૂદ્ધના નારા લગાવ્યાં હતાં. મારે એ માનવાધિકારીઓને એટલું જ કહેવું છે કે, જ્યારે એ આતંકીએ જે હુમલાને અંજામ આપ્યો હતો, એ બર્બતા તમને યાદ તો છેને. સરકાર આતંકી વિરોધી કાર્યવાહી ન કરે ત્યાં તમે ઝંડા લઈને આવી જાઓ છો, જ્યારે સરકાર કાર્યવાહી કરે કે તરત જ માનવતાની વાતો કરવા આવી મેદાનમાં ઉતરો છો.

પહેલા દેશભક્તિને નામે ખોટી નામના મેળવવા મેદાનમાં આવશો અને વળી પાછા માનવઅધિકારની વાતો કરવા. તમે કઈ સહિષ્ણુતાની વાત કરો છો? આતંકીઓના કાળાં કૃત્યો છૂપાવવાની કે પછી તમારી બૌદ્ધિકતાની. સહિષ્ણુતા તો એ છે જ્યાં કાશ્મીરમાં આટલા પથ્થરમારા છતાં સેનાએ કોઈ કડક કાર્યવાહી નથી કરી. સહિષ્ણુતા એ છે જ્યાં તમારા જેવા લોકો આતંકીને શહીદ જાહેર કરે ત્યારે શહીદ પરિવારો તમને સહન કરે છે. એટલે મહેરબાની કરી ACમાં બેસી માનવઅધિકારની વાતો કરવાનું બંધ કરો, ખરેખર તમને થોડી પણ શરમ નથી?

માનવઅધિકારની વાતો કરતા પહેલા શું કુલભૂષણ યાદવની યાદ આવી? એક ભારતીય કેટલાય વર્ષોથી ન્યાય માંગી રહ્યો છે, ક્યારેય કુલભૂષણ મુદ્દે માનવઅધિકારની વાત કરી ખરી? 2016માં કુલભૂષણ જાધવને પાકિસ્તાને પકડ્યો હતો અને જાસૂસીનો આરોપ મૂક્યો હતો. ઓછામાં પુરું 2017માં ફાંસીની સજા પણ જાહેર કરી હતી. આ સજાને રોકવા માટે ભારતે ICJમાં અરજી કરી હતી, તમે ક્યારેય જાધવની ફાંસી અટકાવવા વાત કરી ખરી.

કુલભૂષણ જાધવ મુદ્દે પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું અને જાદવને સલાહકાર ન રાખવા દીધો, તો અહીં જાદવના માનવીય અધિકારોનો ભંગ થયો. તમે ક્યારેય આ અંગે વિરોધ કર્યો ખરો? 2017માં કુલભૂષણનો પરિવાર પાકિસ્તાન મળવા ગયો, ત્યારે જાદવ પરિવાર પર ત્રાસ ગુજારવામાં આવ્યો. જાદવ સાથેની વાતચીત દરમિયાન CCTVથી દેખરેખ રખાઈ, બહુ જ ગંદી રીતે જાદવ પરિવારની તપાસ કરાઈ. અતે કહાવાતા માનવાધિકારીઓને એટલું કહેવું છે કે, આ બધુ થયું ત્યારે ક્યાં ગઈ હતી તમારી માનવતા? ક્યારેય તમે જાદવ અંગે પાકિસ્તાન વિરોધી બોલ્યા છો ખરા? જો 'ના' તો ભારત વિરોધી બોલવાનો પણ તમને કોઈ જ આધિકાર નથી.

Wednesday, February 13, 2019

મોદી-રાહુલ ભાઈ-ભાઈ, સંસદીય ખર્ચમાં બંને 'કંજૂસ'

16મી લોકસભાનો કાર્યકાળ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણથી સમાપ્ત થઈ ગયો છે. આ દરમિયાન PM મોદી અને સ્પીકર સુમિત્રા મહાજને બધા સભ્યોને સદનની કાર્યવાહીમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. લોકસભાનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ લોકસભા સચિવાલય દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર, 16મી લોકસભા 15મી લોકસભા કરતા સારી રહી છે. આ લોકસભામાં સૌથી વધુ કાર્ય થયું છે અને બિલ પણ વધુ પસાર થયાં છે.


ગૃહના કામકાજ સિવાય બધા જ રાજકીય દળના નેતાઓની સક્રિયતા વિશે વાત કરીએ તો કેટલીક રસપ્રદ હકીકતો સામે આવે છે. જેમાં સામાન્ય મુદ્દાઓ પર સરકારને આડે હાથ લેનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. રાહુલ સિવાય ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેવૌડા અને સમાજવાદી પક્ષના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે પણ 16મી લોકસભામાં એક પણ પશ્ન પૂછ્યો નથી.

સંસદીય કાર્યવાહી પર દેખરેખ રાખનાર વેબસાઇટ parliamentarybusiness.com દ્વારા બુધવારના રોજ સદનની કામગીરી પર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેવૌડા અને મુલાયમ સિંહ યાદવે એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. આ સિવાય એક પણ પ્રશ્ન ન પૂછનારમાં ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા સહિત 31 સાંસદો સામેલ છે.

લોકસભા એટલે સંસદનું નીચલું ગૃહ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ભાષણમાં એ વાતનો ઉલ્લેખ કર્યો કે, સદનમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 200થી વધુ બિલ પસાર થયા છે. જો 15મી લોકસભા એટલે UPA-2ના કાર્યકાળની વાત કરીએ તો આ દરમિયાન 181 બિલ પસાર થયા હતાં. જેથી 15મી લોકસભાની સરખામણીમાં 16મી લોકસભાની 10.49 ટકા વધુ બિલ પસાર થયાં છે.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન લોકસભામાં 65000થી વધુ વાર વિક્ષેપ થયો. જેથી લોકસભાની કાર્યવાહીના 500 કલાક બરબાદ થયા. જાહેર અહેવાલ મુજબ, બધા સાંસદો પોતાની સંસદીય વિકાસ નિધિનો ખર્ચ કરવામાં પાછળ રહ્યાં. જેમાં PM મોદીએ માત્ર 62.96 ટકા ખર્ચ કર્યો, જે બહુ ઓછો કહેવાય, ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કુલ 60.56 ટકા ખર્ચ કર્યો. મોદીએ વિવિધ વિકાસ કર્યો માટે વિવિધ મંત્રાલય દ્વારા હજારો કરોડના અનેક મોટાં પ્રોજક્ટ લાગુ કર્યાં, પરંતુ તે સંસદ વિકાસ નિધિ હેઠળ નથી.

જ્યાં સસદ વિકાસ વિકાસના કુલ ખર્ચની વાત કરીએ, તો અત્યાર સુધીમાં માત્ર 30 ટકા ખર્ચ થયો. જેથી વધારાના નાંણા સરકારી ખજાનાની શોભા બન્યાં. કહેવાનો અર્થ એ છે કે, સાંસદોને દર વર્ષે મળતી સંસદીય વિકાસની રકમ પણ પુરેપુરી વાપરી નથી. સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ આકડાં મુજબ, 10 જાન્યુઆરી, 2019 સુધીમાં ખર્ચ કર્યા વગરના 4021.13 કરોડ રૂપિયા જમા રહ્યાં છે. મહત્વની વાત તો એ છે કે, સંસદ વિકાસ નિધિને ખર્ચમાં મહિલા સાંસદોનું પ્રદર્શન વધુ સારું છે. મહિલા સાંસદોએ 72 ટકા રકમ ખર્ચી છે, જ્યારે પુરુષ સાંસદોએ માત્ર 69.33 ટકા રકમનો ખર્ચ  કર્યો છે.

Saturday, January 19, 2019

મોદીનું 'ગુજરાત મોડેલ' અને ગુજરાતનું 'મોદી મોડેલ’ પોકળ

 ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ધાટન થયું છે, ત્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યની ભાજપ પર ચાબખા માર્યાં છે. ગુજરાત કોંગ્રેસનો દાવો છે કે, ગુજરાતમાં અત્યાર સુધી 9 વાઈબ્રન્ટ સમિટ થયાં છે. જેમાં 65 લાખ કરોડના મૂડી રોકાણનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લાખો નવી રોજગારી ઊભી થયાંની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે હકીકતમાં ભાજપ સરકારનું મૂડીરોકાણ અને રોજગારીના દાવાનું ‘ગુજરાત મોડેલ’ પોકળ સાબિત થયું છે.


વાઈબ્રન્ટ સમિટ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી, મોટી-મોટી જાહેરાતો કર્યા બાદ અનેક સવાલ થાય છે. ગુજરાતના નાગરિકોને શું ફાયદો થયો?, ગુજરાતમાં ખરેખર કેટલું મૂડીરોકાણ આવ્યું? કેટલા ગુજરાતી યુવાનોને રોજગારી મળી?  પરેશ ધાનાણીના અહેવાલ મુજબ, 75 લાખ કરોડના રોકાણના દાવા સામે છેલ્લા 34 વર્ષમાં માત્ર 2,75,880 કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં આવ્યું છે. તાજેતરમાં RBIએ પ્રસિદ્ધ કરેલા આંકડા મુજબ, વર્ષ 2000-2018 સુધીમાં 1,07,316 કરોડનું મૂડીરોકાણ આવ્યું હતું.

75 લાખ કરોડના રોકાણના દાવા સામે રૂપિયા 1,07,316 કરોડનું મૂડીરોકાણ આવ્યું છે, એટલે વાસ્તવિક મૂડીરોકાણ 1.43 ટકા જ થયું છે. ઉદ્યોગોને આપવામાં આવેલા 1,29,962 કરોડની રાહતો સામે માત્ર 1,07,316 કરોડનું મુડીરોકાણ આવ્યું છે. સરકારે લાખો યુવાનોને રોજગારી આપવાનો દાવો તો કર્યો પણ આ દાવો પણ ખોટો સાબિત થયો છે. રાજ્યમાં વર્ષ 2016-17માં માત્ર 12,869 બેરોજગારને જ સરકારી નોકરી મળી શકી છે.

વાયબ્રન્ટ-2019ના પાર્ટનર GCCIના પ્રમુખ અને FIAના આંકડાઓ મુજબ, GST અને નોટબંધી બાદ ગુજરાતના ઉદ્યોગોમાં મંદીની વ્યાપક અસર થઈ છે. જેના કારણે 4 લાખ ઉદ્યોગોમાં 40 લાખ લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. આમ, રાજ્ય સરકારનો રોજગારી આપવાનો દાવો પણ ખોટો પડ્યો છે. ઓછાંમાં પુરુ GST અને નોટબંધીને કારણે રાજ્યના મધ્યમ કક્ષાના ઉદ્યાગો પડી ભાગ્યાં છે. જેનો સીધો સાદો મતલબ એ કે મોદી સરકારની નોટબંધી અને GSTથી વ્યાપાર જગતને ફાયદો થવાની જગ્યાએ નુકસાન થયું છે.

જ્યારે વાત કરવામાં આવે રાજ્યમાં BPL કાર્ડ ધારકોની તો આવા પરિવારોની સંખ્યા 26.19 લાખથી વધીને અધધ...31 લાખ થઈ ગઈ છે. જે ઓછી થવાની જગ્યાએ વધી ગઈ છે. એટલે મોદીનું 'ગુજરાત મોડેલ' અને ગુજરાતનું 'મોદી મોડેલ’ પોકળ સાબિત થયું છે. આ સિવાય રાજ્યના વેલ્યુ એડિશન અંગે કોંગ્રેસે જણાવ્યું કે, RBIના એક અહેવાલ મુજબ, ગુજરાત રાજ્યનું દેવું સતત વધતું જાય છે. હાલમાં ગુજરાત 2 લાખ 48 હજાર કરોડના દેવા સાથે સૌથી દેવાદાર રાજ્ય તરીકે આગળ વધી રહ્યું છે. એક દાવો છે કે, જે દેવું માર્ચ, 2019 સુધીમાં 3 લાખ 18 હજાર કરોડનું થઈ શકે છે.

Saturday, December 29, 2018

જસદણમાં ભાજપના કુંવરની જીત, જાણો વિગતે


2017ની વિધાસભા ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની જસદણ બેઠક પરથી કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયાની જીત થઈ હતી, હવે કુવરજીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા આ બેઠક ખાલી થઈ હતી. જેને લઈને ફરી આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુરુ કુંવરજીની જીત થઈ છે, જ્યારે તેમના જ ચેલા અવસર નાકિયાની હાર થઈ છે. 


ચૂટણીનો ઇતિહાસ અને મતદારો
જસદણ વિધાનસભા બેઠકની તમામ ચૂંટણીનો રસપ્રદ ઇતિહાસમાં 4 વખત અપક્ષ, 9 વખત કોંગ્રેસ અને ભાજપ માત્ર એક જ વાર પેટા ચૂંટણીમાં જીતેલું હતું. હવે કુંવરજીના ભાજપમાં આવ્યાં બાદ બીજી જીત નોંધાઈ છે. જસદણમાં 4 વખત ઇત્તર, બે વખત પટેલ અને 8 વખત કોળી ઉમેદવાર વિજેતા થયાં છે. મહત્વનું છે કે, સતત 6 ચૂંટણી જીતવાનો કુંવરજી બાવળીયાનો રેકોર્ડ છે.

પરિણામ પર વિશ્લેષણ...



મહત્ત્વનું છે કે, જસદણ પેટા ચૂંટણી માટે ભાજપે કુંવરજી બાવળીયાને મેદાનમાં ઉતારી કોળી કાર્ડ ખેલ્યું હતું, તો કોંગ્રેસે પણ કોળી કાર્ડ ખેલતા કુંવરજીના શિષ્ય ગણાતા અવસર નાકિયાને મેદાનમાં ઉતાર્યાં હતાં. જસદણ વિધાનસભા બેઠકમાં કુલ 105 જેટલા ગામ આવેલા છે. આ ગામમાં કુલ સાડા 3 લાખથી પણ વધુની વસ્તી છે. જસદણ બેઠક પર 2.30 લાખથી વધુ મતદારો છે. જેમાં 1 લાખ 21 હજાર પુરુષ મતદારો અને 1 લાખ 9 હાજર મહિલા નોંધાયેલાં હતાં.

જાતિગત સમીકરણ
જસદણ બેઠક પર કોળી અને પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. જસદણ બેઠક પર 93 હજાર કોળી મતદારો છે, જ્યારે પાટીદાર સમાજના 57 હજાર મતદારો છે. જેથી આ બેઠકના પરિણામ પર કોળી સમાજ અને પાટીદાર સમાજની અસર કરી હતી. જોકે કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક ઉપર કોંગ્રેસ પાટીદારોને એકઠાં કરવામાં લાગી હતી, કારણ કે કોળી સમાજ બાવળીયાથી નારાજ હતો, જો કોળી અને પટેલ મતદારો એક થાત તો કોંગ્રેસ માટે જસદણનો જંગ જીતવાના સમીકરણો બની શકતા હતાં.

જસદણમાં કોળી સમાજના 37% તેમજ પાટીદાર સમાજના 20% મત હતાં. જેથી અન્ય સમાજના મતદારો ખુબ જ નિર્ણાયક સાબિત થઈ શકતા હતાં. જે જસદણના રાજકારણનું અંક ગણિત બગાડી શકતા હતાં, પરંતુ આ બધાની વચ્ચે કુંવરજીની જીત થઈ હતી.

જસદણનો જવાબ: News Room Live... 

 

કુંવરજી બાવળિયાની રાજકીય સફર
વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા કુંવરજી બાવળિયાએ હવે ભાજપનો ખેસ ધારણ કરી દીધો છે. કુંવરજીનો 16 માર્ચ 1955ના રોજ રાજકોટ જિલ્લામાં થયો હતો. 63 વર્ષીય કુંવરજી બાવળીયા કોળી સમાજના અગ્રણી નેતા છે. કુંવરજીની કોળી સિવાય પટેલ સમુદાયમાં પણ સારી એવી ઓળખ છે. એક ખેડૂત અને શિક્ષક એવા કુંવરજી બાવળિયા એક સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. આ ઉપરાંત કુંવરજી સારા ખેડૂત, સમાજિક સેવક તરીકેની ઓળખ પણ ધરાવે છે. બાવળીયાનું શરૂઆતનું શિક્ષણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયું અને આગળના શિક્ષણ માટે તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં ગયાં.

કોળી સમુદાયનું સમર્થન ધરાવનાર બાવળીયાએ 1995થી 2007 સુધી જદસણથી કોંગ્રેસમાંથી ચૂંટણી જીતી હતી. બાવળીયા વર્ષ 2009માં રાજકોટથી સાંસદ તરીકે ચૂંટાયા અને સંસદમાં ગયાં. વર્ષ 2017માં કુંવરજી ફરી એકવાર જસદણ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં, પરંતુ સતત કોંગ્રેસથી નારાજ એવા બાવળીયાએ અંતે 2018માં પોતાના પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું, ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયાં હતાં. બાવળીયા જેવા ભાજપમાં જોડાયા કે તેમને રૂપાણી સરકારમાં કેબિનેટ પ્રધાન બનાવી દેવામાં આવ્યાં, હાલ કુંવરજી પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામીણ આવાસનું મંત્રાલય સંભાળી રહ્યા છે.

કોળી સમાજને સોરાષ્ટ્રની મોટી મતબેંક માનવામાં આવે છે, જ્યાં 2017ની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું હતું. હવે બાવળીયા ભાજપમાં જોડાયા છે. જેથી ભાજપ લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોળી સમાજના વોટ પોતાની તરફ ખેંચવાની મંશામાં છે. કુંવરજીની ઓળખ કોળી સમાજના મોટા નેતા તરીકે છે. કોળી સમાજની સૌરાષ્ટ્રનું સારુ એવું પ્રભુત્વ છે. આ સિવાય કુંવરજીનું 3 જેટલી લોકસભા બેઠકો ઉપર પ્રભુત્વ છે.