Wednesday, May 30, 2018

નવજાત બાળકોના મોત, ગુજરાતી મીડિયા ઊંધતું

હાલમાં ભૂજની અદાણી સંચાલિત હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતનો મામલો ચર્ચામાં છે, ત્યારે હવે સમાચાર મળી રહ્યાં છે કે, રાજકોટમાં પણ એક હોસ્પિટલમાં બાળકોના મોત થયાં છે.


Pic courtesy: @iamgujarat

સંદેશ વેબસાઈટ મુજબ રાજકોટની કે ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં છેલ્લા 5 માસમાં 164 બાળકોનાં મોત થયા છે. ગત વર્ષ 2017માં રાજકોટની આ જ હોસ્પિટલમાં 7 હજારથી વધુ બાળકો જન્મ્યા હતાં. જેમાંથી 912 બાળકોનાં મોત થયા હતાં, જ્યારે ચાલું વર્ષ 2018માં પ્રથમ ચાર માસમાં 2160 બાળકો રાજકોટની આ હોસ્પિટલમાં જન્મ્યા હતાં, જેમાંથી 164 બાળકોના મોત થયાં છે.આ અગાઉ ગુજરાતમાં ભૂજ સ્થિત અદાણી ગ્રૂપની જે કે જનરલ હોસ્પિટલમાં છેલ્લા 5 માસમાં 111 નવજાત બાળકોના મોત થયાં છે. 

ભૂજ હોસ્પિટલમાં બાળકોના મોત પર રાજ્ય સરકારે કહ્યું કે, અમે બાળકોના મોત પાછળના કારણો તપાસી રહ્યાં છીએ, જ્યારે હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે, આ બાળકોના મોત મચ્છર કરડવા સહીત બાળકોને હોસ્પિટલમાં મોડા દાખલ કરાયા, બાળકો કુપોષણનો શિકાર હતાં. આવા કારણોથી બાળકોના મોત થયાં છે. બાળકોના મોત પર ગુજરાત આરોગ્ય અધિકારી જંયતિ રવિએ કહ્યું કે, "અમે નવજાત બાળકોના મોતના કારણોની તપાસ કરવા નિષ્ણાંતોની એક ટીમ બનાવી છે. આ ટીમના તપાસ અહેવાલ બાદ જ અમે યોગ્ય પગલાં લઈશું."


શું કહી રહ્યાં છે હોસ્પિટલના આંકડા..?

ભૂજ હોસ્પિટલના આંકડા અનુસાર, વર્ષ 2018ના જાન્યુઆરી માસથી 20મે સુધીમાં 777 બાળકો જન્મ્યાં હતાં. જેમાંથી 111 નવજાત બાળકોના મોત થયા છે. આ અગાઉ વર્ષ 2017માં 258 બાળકોના મોત થયાં હતાં, જ્યારે વર્ષ 2016 અને 2015માં અનુક્રમે 184 અને 164 નવજાત બાળકોના મોત થયાં હતા. રાજ્યમાં વર્ષ 2017નો બાળ મૃત્યું દર 12.61 ટકા રહ્યો હતો. જે ચાલું વર્ષે ભયાનક આંકડા સાથે સામે આવી શકે છે. આ બાળકોના મોતના કારણ જુદા-જુદા હોઇ શકે, પરંતુ બાળ મુત્યું દરના આ આંકડા ચિંતાનો વિષય તો છે જ.

એક હકીકત છે કે, એક મહિલા સગર્ભા થાય ત્યારથી જ રાજ્યનો આરોગ્ય વિભાગ મહિલાની કાળજી રાખે છે. આ સિવાય સગર્ભા મહિલા અને તેનું બાળક કોઈ બિમારીનો ભોગ ન બને તે માટે પણ સરકાર વિવિધ યોજનાઓ અને રસીકરણ કરવે છે, પરંતુ સરકારની આ કરોડોની યોજનાથી સગર્ભા મહિલાનું ધ્યાન રખાય છે ખરૂ?, જો સગર્ભા મહિલા પાછળ સરકારી પાને કરોડોનો ખર્ચ બતાવાય તો બાળક જન્મની સાથે જ કેમ બિમાર થાય છે? શું સરકાર દ્વારા આવી કોઈ તપાસ થાય છે ખરી? ....આ બધા જ સવાલો મીડિયાએ સરકાર વિરૂદ્ધ કરવા જોઈતા હતાં, પરંતુ આવા સમયે આપણું ગુજરાતી મીડિયા ક્યાં છે? 

ગુજરાતી મીડિયાએ શું કર્યું...?

આમ, રાજ્યમાં 2 જિલ્લાની મોટી હોસ્પિટલમાં બાળકોના મોત થયાં છે, પરંતુ કોઈ ગુજરાતી મીડિયાએ આ બાબતે પુરતું ધ્યાન આપ્યું નથી અને આ મામલે મીડિયામાં જે ચર્ચાઓ થવી જોઈતી હતી એ પણ થઈ નથી. આમ તો ગુજરાતી મીડિયા ટ્રમ્પ અને કિંગ જોનને સલાહ આપવા પહોંચી જાય છે, પણ આવા સંવેદનશીલ મુદ્દા પર કોઈએ કવરેજ આપ્યું નથી. આપણી પાસે એવી ઘણી ન્યૂઝ ચેનલો છે. જે માત્ર કુમારસ્વામી કે મોદીની ચર્ચાઓમાં પોતાની ડિબેટ કરતી હોય છે, પરંતુ બાળકોના મોત પર કોઈ ચર્ચા કરાઈ નથી. આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે આપણા જ એક મીડિયા ગ્રૃપે પુરી 25 મિનિટ સુધી કુમારસ્વામીની પત્ની પર સ્પેશયલ સ્ટોરી કરી હતી. આવી ચેનલને તો બાળકોના મોત ક્યાંથી દેખાય. આ સમાચારને ક્યાંક થોડું અને નાનું સરખું કવરેજ મળ્યું છે.


હાલમાં આપણી પાસે એવા પણ મીડિયા ગ્રૃપ છે, જે એટલા તો સતેજ છે કે અન્ય કોઈ રાજકીય ન્યૂઝ આવે તરત જ ન્યૂઝ સિવાય એ વિષય પર જ 2-3 ફિચર્સ સ્ટોરી બનાવી નાખે છે. આ સતેજ મીડિયા ગ્રૃપને પણ આ બાળકો યાદ નથી આવ્યાં. ઉપરાંત તમામ ગુજરાતી ન્યુઝ વેબસાઈટ પર પણ આ બાળકોના સમાચાર ગોત્યાં જડતા નથી. ક્યાં છે પણ બસ એક જ સ્ટોરી. આવા મોટાં સમાચાર જ્યારે કોઈ હિન્દી કે અંગ્રેજી ન્યૂઝ ચેનલ ચલાવે, ત્યારે એક ગુજરાતી પત્રકાર તરીકે પારવાર દુઃખ થાય છે. કોઈ મીડિયાનું જાહેરમાં નામ નથી લખવું પણ જવાબદાર મીડિયા ગ્રૃપે પણ આ સમાચારમાં રસ દાખવ્યો નથી.

કહેવાય છે કે, મીડિયા ચોથી જાગીરી છે માટે મીડિયાની જવાબદારી બને છે કે આવી કોઈ એક પણ ધટનાનું કવરેજ બાકી ન રહે, પરંતુ અહીં તમામ ગુજરાતી મીડિયા કાચું પડ્યું છે. હું પણ એક મીડિયા ગ્રૃપનો ભાગ છું, પણ સવાલ બધા જ ગુજરાતી મીડિયા જગતને છે, સવાલ એ બધા જ પત્રકારોને છે. જેમણે આવી બાબતો પર ધ્યાન નથી આપ્યું.

4 comments: