Saturday, May 12, 2018

ગુગલના ડુડલ પર મૃણાલિની સારાભાઈ...


(Mrinalini Sarabhai) મૃણાલિની સારાભાઈને ગુગલે ડુડલ બનાવી શ્રદ્ધાંજલી આપી છે. ગુગલ ડુડલે મૃણાલિની સારાભાઈને 100મી જયંતિ પર યાદ કર્યા છે.

તસવીરઃ- Google Photo

મૃણાલિનીએ ભારતીય ક્લાસિક ડાન્સ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓ ભારતના મહાન ક્લાસિકલ ડાન્સરમાંના એક હતાં. તેમનો જન્મ 11 મે, 1918માં કેરલમાં થયો હતો. આજે તેમની 100મી જયંતિ છે. ગુગલના ડુડલમાં મૃણાલિની સારાભાઈ હાથમાં છત્રી સાથે નજરે પડી રહ્યાં છે.

મૃણાલિની સારાભાઈને ભારત સરકાર તરફથી વર્ષ 1992માં નેશનલ સિવિલીયન એવોર્ડ્સ પદ્મભૂષણ અને વર્ષ 1965માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમને વર્ષ 1997માં યુનિવર્સિ‌ટી ઓફ ઈસ્ટ એન્જલિયા નોર્વિ‌ચ, યુ.કે દ્વારા ડૉક્ટર ઓફ લેટર્સની ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. બાદમાં વર્ષ 1994માં તેમને સંગીત નાટક એકેડેમિ ફેલોશીપ, નવી દિલ્હી માટેનો એવોર્ડ એનાયત કરાયો હતો અને ઈન્ટરનેશનલ ડાન્સ કાઉન્સીલ, પેરિસની એક્ઝિક્યુટિવ કમિટી માટે નોમિનેટ કરાયાં હતાં.

તસવીરઃ- Google Photo

મૃણાલિની સારાભાઈને લોકો 'અમ્મા'ના ઉપનામથી બોલાવતા હતાં. પદ્મશ્રી અને પદ્મભૂષણ વિજેતા મૃણાલિની સારાભાઈએ વર્ષ 1948માં મિરર એકેડેમી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની સ્થાપના કરી હતી. મૃણાલીની સારાભાઈ ભારતના એક એવા ક્લાસિકલ નૃત્યાંગના હતા. જેમણે અત્યાર સુધી 18 હજારથી વધુ વિદ્યાર્થીઓને ભારતનાટ્યમ અને કથ્થકલી માટેની તાલીમ આપી હતી. તેઓ અમેરિકન એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ્સ સાથે થોડોક સમય સંકળાયેલા રહ્યાં, ત્યારબાદ તેઓ ભારત પરત ફર્યા. તેમણે શાંતિનિકેતનમાં રવિન્દ્રનાથ ટાગોરના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મેળવ્યું હતું.

ભારતના જાણીતા ક્લાસિકલ ડાન્સર મૃણાલિની સારાભાઈ મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈના પત્ની હતાં. જેમનું 97 વર્ષની વયે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયુ હતું. મૃણાલિની સારાભાઈને મલ્લિકા સારાભાઈ અને કાર્તિકેય સારાભાઈ એમ બે સંતાનો છે.

તસવીરઃ- Google Photo

No comments:

Post a Comment